બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. કરણાસરથી પડાદર રોડની બાજુમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ ફેંકવામાં આવ્યો છે, જેમાં વપરાયેલી દવાઓ, ઇન્જેક્શન, ખાલી બાટલીઓ અને અન્ય તબીબી સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જગાવ્યો છે. લોકોની મુખ્ય ચિંતા એ છે કે, આ જોખમી કચરો રખડતાં પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વળી, આ મામલે તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરવામાં આવતા તેમણે ઘટના અંગે અજાણતા દર્શાવી માત્ર તપાસનું આશ્વાસન આપ્યું છે. વધુમાં, તાલુકાના ગામડાઓમાં કાર્યરત બોગસ તબીબો સામે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર મૌખિક આશ્વાસનો આપી રહ્યા છે. સ્થાનિક લોકોની માગ છે કે, મેડિકલ વેસ્ટ ફેંકનારા જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે. બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અનુસાર, મેડિકલ કચરાનો યોગ્ય રીતે નિકાલ ન કરવો એ ગંભીર ગુનો છે, જેના માટે તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.