ગુજરાત પોલીસ દળના વરિષ્ઠ અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ પોલીસ વડા હરેશ દુધાતે આફ્રિકા ખંડના સૌથી ઊંચા શિખર કિલીમંજારો પર ભારતનો તિરંગો અને ગુજરાત પોલીસનો ધ્વજ ફરકાવીને અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હાલમાં ગાંધીનગર સ્ટેટ આઈબીમાં ફરજ બજાવતા IPS અધિકારી હરેશ દુધાતે 17,000 ફૂટની ઊંચાઈએ આવેલા તાંઝાનિયાના કિલીમંજારો પર્વત પર સફળતાપૂર્વક આરોહણ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓના શોખીન હરેશ દુધાત નિયમિતપણે પર્વતારોહણ અને ટ્રેકિંગમાં ભાગ લેતા રહે છે. આ સફળતા વિશે વાત કરતા હરેશ દુધાતે જણાવ્યું કે આ માત્ર એક સાહસિક યાત્રા જ નહીં, પરંતુ દેશ માટે ગૌરવની ક્ષણ પણ હતી. તેમણે આગામી લક્ષ્ય તરીકે યુરોપના સર્વોચ્ચ શિખર માઉન્ટ એલ્બ્રુસને સર કરવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી છે. આ સિદ્ધિથી ગુજરાત પોલીસ દળનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે અને અન્ય પોલીસ અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.