સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 45 લાખ રૂપિયા લેતા બંને આરોપી સ્પષ્ટપણે જોવા મળે છે. બ્લેકમેલ કરી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે, અને એક થેલીમાં 45 લાખ રૂપિયા લઈને વેપારીનો માણસ આવે છે. પછી, વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલીમાંથી 45 લાખ રૂપિયા કાઢે છે. આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ટોળકી GIDCમાં ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરતી હતી
આ આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન GIDC અને પાંડેસરા GIDCના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ, અત્યાર સુધી બે લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે, જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે.સુરતના સચીન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 5 કરોડની ખંડણી માગવાનો અને 45 લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે મહત્વની ભૂમિકા CCTV અને ડિજિટલ પુરાવાઓએ નિભાવી હતી. આરોપીઓની ઓળખ
ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ, આરોપી અજય ત્રિવેદી (34) અને તેજશ પાટીલ (41) ઉદ્યોગપતિઓને હેરાન કરવાની યોજનામાં સંડોવાયેલા હતા. તેઓ માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ GPCB પાસેથી ઉદ્યોગોને લગતી માહિતી એકત્ર કરતા અને પછી આ માહિતીના આધારે ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કરતા. CCTV અને ડિજિટલ પુરાવા મદદરૂપ બન્યા
જ્યારે ઉદ્યોગપતિને 5 કરોડની ખંડણી માટે ધમકી આપવામાં આવી, ત્યારે CCTV અને ઓડિયો-વિડિઓ રેકોર્ડિંગ્સ ક્રાઈમ બ્રાંચ માટે મહત્વના પુરાવા સાબિત થયા. આરોપીઓ ઉદ્યોગપતિ પાસેથી રોકડ લેતી વખતે CCTV કૅમેરામાં કેદ થઈ ગયા હતા, જેના આધારે પોલીસને તેમની હિલચાલ અને ઠેકાણાંનો પત્તો મળ્યો. પોલીસ દ્વારા રિમાન્ડ અને વધુ તપાસ
અજય ત્રિવેદી અને તેજશ પાટીલની ધરપકડ બાદ કોર્ટ દ્વારા તેમને પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓના ઘરમાંથી લૅપટોપ અને મહત્વની ફાઇલો કબજે કરવામાં આવી છે, જેમાં ઉદ્યોગપતિઓની વિગત દર્શાવતી દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો છે કે જો તેઓએ પણ આવા બ્લેકમેલિંગનો સામનો કર્યો હોય, તો તેઓ તાત્કાલિક ફરિયાદ નોંધાવે. CCTV અને ડિજિટલ પુરાવાઓના આધારે વધુ આરોપીઓની સંડોવણી બહાર આવી શકે છે.આ કેસમાં FSL (ફોરેન્સિક સાયન્સ લેબ) દ્વારા ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ ચાલી રહ્યું છે, અને પોલીસ હવે આરોપીઓની અન્ય કાવતરો ઉકેલવા માટે આગળ વધી રહી છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે CCTV અને ટેક્નોલોજીનો ઉપયોગ અપરાધીઓ સામે સબળ પુરાવા ઉભા કરી શકે છે. આ સમગ્ર મામલે DCP ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓના મોબાઈલ અને કમ્પ્યુટર જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેમની પાસેથી અનેક મહત્વપૂર્ણ માહિતીઓ મળી આવી છે. અમે GPCB સાથે પણ સંપર્કમાં છીએ અને તેઓએ અત્યાર સુધી કેટલી અરજી કરી છે, તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છીએ.માત્ર સચિન GIDC જ નહીં, પરંતુ પાંડેસરા GIDCમાં પણ આ લોકો વેપારીઓને બ્લેકમેલ કરતા અને ખંડણી માંગતા હતા. કેટલાક વેપારીઓ અમારું સંપર્ક કરી ચુક્યા છે, અને અમે તેમને લેખિત ફરિયાદ કરવા માટે જણાવ્યું છે.