મારા હાથમાંય હાથકડી હતી અને ખૂનખાર કેદીની જેમ પગમાં બેડીઓ પહેરાવી હતી. હું અમેરિકાથી પરત આવી ગઈ છું. હવે તમને એક ગુજરાતી તરીકે ડિટેન્શન સેન્ટરમાં મેં વેઠેલી એ યાતનાની કહાની કહું છું…
પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ….મારું નામ રિવીલ ના કરશો. મેં 25 દિવસ પહેલાં જ ગુજરાતને અલવિદા કર્યું હતું.
આંખોમાં આશાઓ, અરમાનો અને સપનાંનો કોઈ પાર નહોતો.
ઈટાલી સુધી તો બધું જ બરાબર હતું. અહીંથી મારે મેક્સિકો બોર્ડર જવાનું હતું.
જેમતેમ કરીને હું ત્યાં સુધી પહોંચી, પણ લોકલ માફિયાઓના હાથે પકડાઇ ગઈ.
મારા પર સીધી બંદૂક તાકી દીધી, પણ મુંબઈના એજન્ટ સાથે કોન્ટેક્ટ કરાવતા છોડી દીધી. અહીંથી દિવસ-રાત ચાલીને હું અમેરિકાની સરહદે પહોંચી.
પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સથી બચી ના શકી. પછી મને ક્યાં લઈ ગયા એ આજેય હું જાણતી નથી.
હકીકતમાં એ ડરામણી દુનિયા હતી.
મેં નરક વિશે સાંભળ્યું હતું, પણ જોયું અને અનુભવ્યું અમેરિકામાં. એ પણ જીવતેજીવત. એમાંય એ 36 કલાક અસહનીય હતા. હલવું-ચલવું, પણ મુશ્કેલ હતું.
હાથ-પગમાં સોજા ચઢી ગયા, ચાઠાં પડ્યાં, પણ ત્યાં દયા ખાનારું કોણ હતું? ડિટેન્શન સેન્ટરમાં મેલ-ફીમેલનાં સેપરેટ ડોર્મેટરી હતા.
મારી સાથે મોટા ભાગની મહેસાણા, પંજાબ અને હરિયાણાની યુવતીઓ અને મહિલાઓ હતી.
રૂમની ચાર દીવાલ અને અંધકાર જ અમારી દુનિયા હતી.
નસીબ સારું હોય તો દિવસમાં એકાદ વખત બહાર નીકળવા મળતું. પેટ ભરવા માટે નોનવેજ સિવાય કોઈ જ વિકલ્પ નહોતો.
આ ભૂખ ભૂંડી હતી.
કલાકો સુધી આજીજી કરો, કાકલૂદી કરો ત્યારે એકાદ ફ્રૂટ મળતું. તોય મારા હાલ ઘણા સારા હતા.
છોકરાઓ અને પુરુષોના તો દુષ્કરથીય દુષ્કર.
તેમને ટોર્ચર કરવામાં કંઈ બાકી રખાતું નહોતું.
હીમ જેવી ઠંડીમાં રાત્રે બે-બે વાગ્યે બળજબરીથી ઠંડા પાણીથી નવડાવે.
આટલું ઓછું હોય એમ ડોર્મેટરીમાં બંધ કરી એસીનું ટેમ્પરેચર 16 ડિગ્રી કરી દે. હું ક્યાં હતી એ તો હજુય મને ખબર જ નથી. ખબર છે તો બસ એટલી જ કે એ પંદર દિવસ હું ક્ષણેક્ષણ મરતી રહી. વધુ કંઈ નથી કહેતી, એક જ રિક્વેસ્ટ કરું છું કે મારા જેવી ભૂલ ક્યારેય ના કરતા.