વાપી મહાનગરપાલિકામાં 11 ગામોના વિલીનીકરણના વિરોધમાં આજે સ્થાનિક આગેવાનો અને મહિલાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો પારડી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને, પ્રાંત અધિકારીએ માત્ર અનંત પટેલ સહિત પાંચ આગેવાનોને જ આવેદનપત્ર સાથે મુલાકાત માટે મંજૂરી આપી હતી. આ નિર્ણયથી નારાજ થયેલા આગેવાનો અને કાર્યકરોએ દોઢ કલાકથી વધુ સમય સુધી કચેરી બહાર ધરણા કર્યા હતા. વિરોધ પ્રદર્શનને વધુ તીવ્ર બનાવતા, યુથ કોંગ્રેસ અગ્રણી કુંજલ પટેલ અને અન્ય મહિલાઓએ પ્રાંત અધિકારીની કચેરી પર બંગડીઓ ફેંકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શનની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ચૂંટણી આચારસંહિતાના કારણે મોટી સંખ્યામાં લોકોને કચેરીમાં પ્રવેશ આપી શકાય નહીં, જેથી માત્ર મર્યાદિત સંખ્યામાં આગેવાનોને જ મુલાકાત માટે મંજૂરી આપવામાં આવી હતી. આમ છતાં, અનંત પટેલ અને તેમની ટીમે મોટી સંખ્યામાં પ્રવેશની માગણી કરતા રહ્યા, જેના કારણે તેમને કચેરી બહાર રોકવાની ફરજ પડી હતી.