ભારતે પહેલી વનડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. નાગપુરમાં ટીમને 249 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ડેબ્યૂ કરનાર હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી. શુભમન ગિલના 87 રનની મદદથી ભારતે 12 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી. ગુરુવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી. યશસ્વી જયસ્વાલે પાછળ દોડીને ડાઇવિંગ કેચ ઝડપ્યો. ઓવરમાં 26 રન આપ્યા બાદ, હર્ષિતે બીજી ઓવરમાં 2 વિકેટ લીધી. શ્રેયસ ઐયરના થ્રો પર ફિલ સોલ્ટ રન આઉટ થયો. શ્રેયસે આર્ચરની ઓવરમાં સતત છગ્ગા ફટકાર્યા. શુભમન ગિલે રિવ્યુ લીધો અને આઉટ થવાથી બચી ગયો. નાગપુર વનડેની ટોપ મોમેન્ટ્સ… 1. હર્ષિત અને યશસ્વીનું ODI ડેબ્યૂ ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પહેલી મેચમાં વનડે ડેબ્યૂ કર્યું હતું. યશસ્વીને રોહિત શર્માએ અને હર્ષિતને મોહમ્મદ શમીએ ડેબ્યૂ કેપ આપી હતી. હર્ષિતે ઈંગ્લેન્ડ સામેની ચોથી T20 મેચમાં કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે T20 ડેબ્યૂ કરીને 3 વિકેટ લીધી હતી. યશસ્વી ભારત માટે ODI રમનાર 257મો અને હર્ષિત 258મો ખેલાડી બન્યો. હર્ષિતે ODIમાં 3 વિકેટ લીધી, જ્યારે યશસ્વીએ 15 રન બનાવવાની સાથે એક કેચ પણ પકડ્યો. 2. હર્ષિતનો બોલ સોલ્ટના પેટમાં વાગ્યો. ઇંગ્લિશ ઇનિંગ્સની 5મી ઓવરમાં હર્ષિત રાણાનો બોલ ફિલ સોલ્ટના પેટમાં વાગ્યો હતો. સોલ્ટ હર્ષિતના બેક ઓફ લેન્થ બોલ પર પુલ મારવા માંગતો હતો, પરંતુ બોલ ઈનસાઇડ એઝ લઇને સોલ્ટના પેટમાં વાગ્યો. 3. રાણાની ઓવરમાં સોલ્ટે 26 રન બનાવ્યા. છઠ્ઠી ઓવરમાં ઈંગ્લેન્ડે ૫૦ રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે સોલ્ટ અને ડકેટ વચ્ચે પચાસ રનની ભાગીદારી પણ પૂર્ણ થઈ હતી. હર્ષિત રાણાની આ ઓવરમાં સોલ્ટે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરમાંથી કુલ 26 રન આવ્યા હતા. 4. કન્ફ્યૂઝનમાં આઉટ થયો સોલ્ટ, ઐયરે બાઉન્ડ્રી પરથી થ્રો કર્યો ઇંગ્લેન્ડે 9મી ઓવરના 5મા બોલ પર પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. અહીં ફિલ સોલ્ટ 43 રન બનાવીને રન આઉટ થયો હતો. તેને શ્રેયસ ઐયરના થ્રો પર વિકેટકીપર કેએલ રાહુલે આઉટ કર્યો હતો. ઐયરે બાઉન્ડ્રી પરથી થ્રો કર્યો હતો. ઇંગ્લિશ ઓપનરોએ 2 રન પૂરા કર્યા, પરંતુ ત્રીજો રન લેતી વખતે કન્ફ્યૂઝન થઈ ગયા હતા. આ રીતે ઇંગ્લેન્ડે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. 5. રાણાની ઓવરમાં 2 વિકેટ, યશસ્વીએ પાછળ દોડીને કેચ પકડ્યો.
હર્ષિત રાણાએ ઇંગ્લિશ ઇનિંગ્સની 10મી ઓવરમાં બે વિકેટ લીધી. તેણે બેન ડકેટ અને હેરી બ્રુકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. 6. રૂટ અમ્પાયરના કોલ પર આઉટ થયો 19મી ઓવરમાં ઈંગ્લેન્ડે પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. અહીં જો રૂટ 19 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિન્દ્ર જાડેજાએ LBW આઉટ કર્યો. જાડેજાનો મિડલ સ્ટમ્પનો બોલ રૂટને ઘૂંટણે અથડાયો. તે તેને બેકફૂટ પર રમવા માંગતો હતો. ભારતીય ખેલાડીઓની અપીલ પર ફિલ્ડ અમ્પાયરે રૂટને આઉટ જાહેર કર્યો, પરંતુ ઇંગ્લિશ બેટ્સમેને DRSની માંગણી કરી. રિપ્લેમાં બોલ મિડલ સ્ટમ્પના ઉપરના ભાગમાં અથડાતો દેખાતો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરના કોલને કારણે રૂટને બહાર જવું પડ્યું. 7. DRSમાં બચી ગયો આદિલ. 41મી ઓવરના ત્રીજા બોલ પર આદિલ રશીદ આઉટ થવાથી બચી ગયો હતો. કુલદીપ યાદવે ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ લેન્થ બોલ ફેંક્યો. આદિલે કટ મારી અને કીપર રાહુલે અપીલ કરી. અહીં અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. આદિલે રિવ્યુ લીધો અને DRSએ બતાવ્યું કે બોલ બેટને અડ્યો નહોતો. રશીદ અહીં નોટઆઉટ રહ્યો પણ અંતે 8 રન બનાવીને આઉટ થયો. 8. ભારતે રિવ્યૂ લીધો, બેથેલ LBW આઉટ 42મી ઓવર ફેંકતા જાડેજાએ સેટ બેટ્સમેન જેકબ બેથેલને આઉટ કર્યો. ઓવરના ચોથા બોલ પર બેથેલ સ્વીપ શોટ રમ્યો, પરંતુ બોલ પેડ પર વાગ્યો. ફિલ્ડરોએ અપીલ કરી અને અમ્પાયરે નોટ આઉટનો સંકેત આપ્યો. કેપ્ટન રોહિત શર્માએ DRS લીધો, તેમાં ખબર પડી કે બેથેલ આઉટ છે. તેણે 51 રન બનાવ્યા. 9. શ્રેયસે આર્ચરને 2 છગ્ગા ફટકાર્યા જોફ્રા આર્ચર સામે ભારતે 7મી ઓવરમાં 18 રન બનાવ્યા. શ્રેયસ ઐયરે ઓવરના છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકાર્યા. બંને બોલ આર્ચરે શોર્ટ પિચ પર ફેંક્યા હતા. શ્રેયસે ઓવરના પાંચમા બોલ પર ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી અને છેલ્લા બોલ પર ડીપ થર્ડ મેન ઉપરથી સિક્સર ફટકારી. 10. ગિલે રિવ્યૂ લીધો, આઉટ થતા બચ્યો ભારતની બેટિંગની 22મી ઓવર ફેંકી રહેલા લિયામ લિવિંગસ્ટોને શુભમન ગિલ સામે LBWની અપીલ કરી. અહીં અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. ગિલે DRS લીધો અને રિવ્યૂમાં જાણવા મળ્યું કે બોલ તેના બેટ પર અડીને પેડ પર વાગ્યો હતો. બાદમાં અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો. ,