જુનૈદ ખાન અને ખુશી કપૂરની ફિલ્મ ‘લવયાપા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. અદ્વૈત ચંદન દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં જુનૈદ ખાન અને ખુશી કપૂર ઉપરાંત આશુતોષ રાણા, કીકુ શારદા અને કુંજ આનંદ જેવા સ્ટાર્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. જુનૈદ ખાન અને ખુશી કપૂરની આ પહેલી થિયેટર રિલીઝ ફિલ્મ છે. આ પહેલા જુનૈદ ખાનની ફિલ્મ ‘મહારાજ’ અને ખુશી કપૂરની ‘ધ આર્ચીઝ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ‘લવયાપા’ ફિલ્મની લંબાઈ 2 કલાક 18 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર રેટિંગ આપ્યા છે. ફિલ્મની સ્ટોરી શું છે?
આ ફિલ્મની સ્ટોરી મોર્ડન પ્રેમ, રિલેશનશિપ અને કમિટમેન્ટ વચ્ચે સંઘર્ષ કરતા બે યુવાનો વિશે છે. ગૌરવ સચદેવા (જુનૈદ ખાન) અને બાની (ખુશી કપૂર) એકબીજાને પ્રેમ કરે છે. જ્યારે બાનીના પિતા (આશુતોષ રાણા) ને ગૌરવ અને બાનીના પ્રેમ વિશે ખબર પડે છે, ત્યારે તે એક શરત મૂકે છે કે બંને પોતાના ફોનની આપ-લે કરશે. તેમના પ્રેમની કસોટી આ સ્થિતિથી શરૂ થાય છે. જ્યારે બંનેના રહસ્યો ખુલે છે, ત્યારે સ્ટોરીમાં એક નવો વળાંક આવે છે. ફિલ્મની સ્ટોરી ફક્ત પ્રેમ વિશે જ નથી, પણ પોતાની-શોધ વિશે પણ છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
જુનૈદ ખાન પોતાની સહજ એક્ટિંગથી લોકોનું દિલ જીતી લેશે. ખુશી કપૂર પોતાની માસૂમિયત અને નેચરલ એક્ટિંગથી પ્રભાવિત કરે છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી વખાણને લાયક છે. ગ્રુશા કપૂરનું કામ અદ્ભુત છે. જ્યારે કીકુ શારદા પણ છવાય જાય છે. આશુતોષ રાણા જેટલા અદ્ભુત એક્ટર છે, તેટલા જ અદ્ભુત અંદાજમાં અહીં પાત્ર બતાવવામાં આવ્યું છે. ડિરેક્શન કેવું છે?
ફિલ્મની સ્ટોરી ડિરેક્ટર અદ્વૈત ચંદન દ્વારા ફ્રેશ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે કલાકારોની બેસ્ટ એક્ટિંગને બહાર લાવી છે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ સારા છે, વન લાઇનર્સ અદ્ભુત છે. એડિટિંગ થોડું કડક કરી શકાયું હોત, કારણ કે કેટલાક સીન વધારાના હોય એવું લાગે છે. ઇન્ટરવલ પછી ફિલ્મ કેટલીક જગ્યાએ સ્લો પડી જાય છે. ક્લાઇમેક્સ થોડો પ્રેડિક્ટેબલ લાગે છે. ફિલ્મનું મ્યૂઝિક કેવું છે?
‘રહના કોલ’ ફિલ્મનું એક સોન્ગ ખૂબ જ સારું છે. જે જુબીન નૌટિયાલ અને ઝેહરા એસ ખાને ગાયું છે. ગીતમાં બંનેના અવાજનો જાદુ સ્પષ્ટપણે અનુભવાય છે. બાકીના સોન્ગ એટલા ખાસ નથી. બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની સ્ટોરીને મજબૂત બનાવી દે છે. અંતિમ નિર્ણય, ફિલ્મ જોવી કે નહીં
જો તમને મોર્ડન રિલેશનશીપ અને સેલ્ફ લવ જેવી સ્ટોરીઓમાં રસ પડતો હોય, તો ‘લવયાપા’ એક શ્રેષ્ઠ પસંદગી છે. જુનૈદ અને ખુશીની નવી કેમેસ્ટ્રી અને અદ્વૈત ચંદનનું ડિરેક્શન તેને જોવા યોગ્ય બનાવે છે. આ ફિલ્મ બોડી શેમિંગ પર પણ સારો મેસેજ આપે છે અને આજના ઓનલાઈન જીવનની પસંદ અને નાપસંદને ખૂબ સારી રીતે સમજાવે છે. આજની યુવા પેઢીએ આ ફિલ્મ જોવી જ જોઈએ. જેઓ મોબાઈલ ફોનના કારણે સંબંધોને મહત્વ આપતા નથી.