રાજકોટ RTO દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરતા નવા વર્ષના પહેલા જ મહિને એટલે કે, જાન્યુઆરી માસના કુલ 914 વાહનચાલકો દંડાયા હતા. જેના પર રૂ.31,09,684નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2024માં કુલ 13,012 વાહનચાલકો સામે કાર્યવાહી કરી રૂ.5,45,03,958નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓવર સ્પીડના 123 કેસ કરાયા
જાન્યુઆરી મહિનામાં પણ ટ્રાફિક નીયમોનો ભંગ કરનાર 914 લોકો RTOના ઝપટે ચડયા હતા. જેમાં સૌથી વધુ કેસ નિર્ધારિત કરતા વધુ સામાન લઈ જતા વાહનોમાં ઓવરલોડના 130 કેસ અને રૂ.16.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત પી.યુ.સી. ચેકિંગમાં પણ 131 કેસ અને રૂ.95,500નો દંડ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ધૂમ સ્ટાઇલથી બાઇક અને કાર ચલાવતા ઓવર સ્પીડના પણ 123 કેસ અને રૂ.2.46 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. આ રીતે જુદા-જુદા 12 ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ 914 કેસ સામે કાર્યવાહી કરી રૂ.31,09,684નો દંડ કરવામાં આવ્યો છે. PUC વિના વાહન ચલાવતા સૌથી વધુ ઝડપાયા
RTO કચેરી દ્વારા દૈનિક વાહન ચેકિંગ દરમિયાન આકરો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ તેમ છતાં વાહનચાલકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેમાં જાન્યુઆરી માસમાં PUC વિના વાહન ચલાવતા સૌથી વધુ 131 તો ઓવર લોડ વાહનોના 130 કેસ સામે આવ્યા છે. જે ઓવર લોડ વાહનોના કારણે જ અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે.