પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઇને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી છે. આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે. પણ આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ ચાબખા મારતા કહ્યું કે ‘ભાજપમાં ભળ્યા એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રભક્ત થઇ જાય?’ તો લાલજી પટેલે કહ્યું કે ન માત્ર આ જ પણ તમામ કેસો પરત ખેંચવા જોઇએ. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાર્દિક પટેલે આભાર માનતી પોસ્ટ મૂકી
આજે (7 ફેબ્રુઆરી)એ વિરમગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આભાર કરતી પોસ્ટમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા અને સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાજદ્રોહ સહિતના ગુનાઓ ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે. હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનું છું. કુલ 14 કેસ પરત ખેંચાશે: અલ્પેશ કથીરિયા
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ સરકારના નિર્ણયને લઈને જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સમયે જે કેસો થયા હતા, તેમાં અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે. 8 કેસ અમદાવાદના છે, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણાનો છે. આ મળી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે. ‘કેસોની યાદી બે મહિના પહેલાં સરકારને આપી હતી’ સાથે તેઓએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલને આ કેસોની યાદી બે મહિના પહેલાં આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગૃહ સચિવ, અન્ય મંત્રાલયના સચિવ, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ આજે આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને અમે ખૂબ જ સારી રીતે જોઈ રહ્યા છીએ. સરકારે આ નિર્ણયને પોઝિટિવ રીતે લીધું છે, એ માટે અમે આભાર માનીએ છીએ. આ પ્રક્રિયામાં જે કોઈએ પણ ફરજ નિભાવી છે, તમામનો આભાર માનીએ છીએ. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સત્તાવાર રીતે આજે સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે છે. પરંતુ શનિ-રવિના દિવસો આવતા હોવાના કારણે કદાચ સોમવાર સુધીમાં નિર્ણય જઈ શકે. સરકાર દ્વારા કદાચ શનિવારે સાંજ સુધીમાં યાદી જાહેર કરવામાં આવે. અમારી ઉપરના જે ગંભીર પ્રકારના કેસો માત્ર બે જ છે, પરંતુ પબ્લિક ઉપરના 12 અન્ય કેસો છે, જે સૌથી વધુ લોકો ભેગા થયા ત્યારે કરવામાં આવ્યા હતા. ટોળા ઉપર આ કેસો નોંધાયા હતા. હાર્દિક અને તેના સાથીદાર સામેના કેસ પાછા ખેંચો છો તો નાના માણસોએ શું ગુનો કર્યો?
તો આ મામલે પાટીદાર આગેવાન અને જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જેમાં બે દેશદ્રોહના કેસ છે. આ કેસમાં હાર્દિક પોતે તહોમતદાર છે. આ સિવાય અન્ય 12 કેસો પણ પાછા લેવાનો સરકારે નિર્ણય લીધો હતો. હું તેની રાજકીય રીતે કોઇ તુલના કર્યા સિવાય એટલા માટે આવકારું છું કેમ કે જે તે સમયે આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા. અને જો સરકારને આટલા સમય પછી શાણપણ સૂઝ્યું હોય તો મોડા તો મોડા હું સરકારના નિર્ણયની ટીકા નહીં કરું. હજુ પણ 50-100 કેસ નાના માણસો સામે હોવાથી તેઓ છેલ્લાં 9-10 વર્ષથી પરેશાન થઈ રહ્યા છે. તેમના પાસપોર્ટ જમા થઇ ગયા છે. કેટલાકને રાજ્ય બહાર નહીં જવાનો હુકમ થયો છે. આ લોકોનો કોઇ રણીધણી નથી. તેથી જો તમે હાર્દિક અને તેના સાથીદાર સામેના કેસ પાછા ખેંચો છો તો આ નાના માણસોએ શું ગુનો કર્યો છે. તમારે યુદ્ધના ધોરણે તમામ કેસો પરત ખેંચી લેવા જોઇએ. અને નાના માણસોને પણ ન્યાય આપવો જોઇએ. અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવા લાલજી પટેલની માગ સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, મોડે મોડે પણ સરકાર જાગી તે સારી બાબત છે. પાટીદાર અનામત આંદોલન કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના હિત માટે હતું. તેમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન અનેક યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા હતા. એસપીજી અધ્યક્ષે ઉમેર્યું કે તેઓ જ્યારે પણ મુખ્યમંત્રીને મળતા ત્યારે આ કેસો પરત ખેંચવા અંગે રજૂઆત કરતા હતા. તેમણે સરકારના આ નિર્ણયને ખૂબ જ સકારાત્મક ગણાવ્યો છે. વધુમાં, તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે રાજદ્રોહના કેસોની સાથે સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તમામ કેસો પણ પરત ખેંચવામાં આવે. ‘ગુજરાતના તમામ આંદોલનકારોની જીત થઈ’ આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર અનામત સમયના રાજદ્રોહ સહિતના મુખ્ય ગંભીર કેસો પાછા ખેંચવામાં આવ્યા છે જે બદલ હું સરકારનો આભાર માનું છું. મહેસાણા જિલ્લાના કડી વિસ્તારના 307 જેવા ગંભીર 14 જેટલા કેસો મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેના માટે હું તેમનો આભાર માનું છું. આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા તે તમામનો પણ આભાર માનું છું. ‘આંદોલનકારી ભાજપમાં ભળી જાય એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્ર ભક્ત થઈ જાય’ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન સમયે પાટીદારના યુવાનો ઉપર દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવામાં આવી. દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી હોય તેવો મોટો ગુનો કર્યો હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર લગાડ્યો ત્યારે પણ અમે કહ્યું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે. આ પછી જે આંદોલનકારી સામે ફરિયાદો થઇ તે ભાજપમાં ભળી જાય અથવા ભેળવવામાં આવે એટલે રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્ર ભક્ત થઇ જાય એટલે કેસ પાછા ખેંચી લેવામાં આવે એટલે સરકાર રાષ્ટ્રદ્રોહી છે એવું હું સ્પષ્ટ માનું છું. ધારાસભા કાયદા ઘડવાનું કેન્દ્ર છે અને એ જ કાયદાનો મિસયુઝ કરે તો સરકારે માફી પત્ર આપવો જોઈએ કે પાટીદાર આંદોલન સમયે જે કેસ કર્યા એ અમારી ભૂલ હતી. અથવા એવું કહે કે જે કેસ પાછો ખેંચીએ છીએ તે રાજકીય દબાણના કારણે ખેંચીએ છીએ એવું તો કહેવું પડે ને. આંદોલનકારીઓ-સરકાર વચ્ચે તાલમેલ સંધાઈ તેવા પ્રયાસ કર્યા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા-દીકરીઓ પર જુદા-જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે રાજ્ય સરકાર અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેસો પરત ખેંચવામાં આવ્યા છે માટે હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેક પાટીદાર દીકરા-દીકરીઓને રાહત મળશે. કેસો પાછા ખેંચાયા મામલે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા નહીં
અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ 14 જેટલા કેસો નોંધાયા હતા. આ તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે. 2015માં આંદોલન હિંસક બન્યું, 14 પાટીદારના જીવ ગયા
વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમને પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતનાં પૂર્વ CM આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું. અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચાયા
રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માગ સાથે તોડફોડ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયાં હતાં જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા. જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી. આંદોલનની આગ અને 4 પાત્ર
1. હાર્દિક પટેલ: રણનીતિ નહીં ભાવનાત્મક ઊભરો વધુ
આ પ્રકારનાં આંદોલનોનો સૌથી નાની વયનો નેતા. આ જ કારણ હતું કે આ સમગ્ર આંદોલનમાં માત્ર ભાવનાત્મક ઊભરો જ દેખાયો. તથ્યો અને તર્કો સાથે વધુ સંબંધ ન હતો. રણનીતિ અદૃશ્ય હતી. પરિપક્વતા પણ ઓછી. દસ લોકો માર્યા ગયા પછી આંદોલન કેવી રીતે આગળ વધશે, તેની કોઇ નક્કર રૂપરેખા સામે આવી શકી નહોતી. 2. લાલજી પટેલ: પટેલોના મોટા નેતા, પરંતુ ગાયબ થઇ ગયા
પાટીદાર સમાજ માટે કામ કરનાર સરદાર પટેલ ગ્રૂપના કન્વિનર. શરૂઆતમાં પાટીદાર અનામત આંદોલનના મોટા નેતા એ જ હતા. સાથે પણ ચાલ્યા. પાટીદાર અનામત સમિતિ બન્યા પછી હાર્દિકનું નામ લોકોના જીભે ચડી ગયું અને લાલજી પટેલ દબાતા ગયા. આ આંદોલનમાં જેટલી ઝડપે હાર્દિક લોકપ્રિય થયા એટલી જ ઝડપે લાલજી પટેલ ગાયબ થઇ ગયા હતા. 3.પોલીસ: જુઠ્ઠો આક્રોશ બતાવીને આંદોલનને વધુ ભડકાવ્યું
પોલીસે શાંતિપૂર્વક ચાલી રહેલા મોટાભાગના પ્રસંગોએ જુઠ્ઠું એગ્રેશન બતાવ્યું હતું. પોલીસ એટલી ઝનૂની થઇ ગઇ હતી કે સોસાયટીઓમાં ઘૂસીને પટેલોને નિશાન બનાવતી વખતે એ પણ ન વિચારી શકી કે તેણે પોતે લગાવેલા સીસીટીવી કેમરામાં આ બધું નોંધાઈ રહ્યું છે. 4. સરકાર: સમગ્ર આંદોલનમાં રહસ્યમયી આળસથી આંદોલિત
ગુજરાત સરકાર સમગ્ર આંદોલન દરમિયાન રહસ્યમયી આળસથી આંદોલિત હતી. પહેલી જ મંત્રણામાં સરકારે બધી માગણીઓ ફગાવી દીધી હતી. વધુ મંત્રણાનો કોઇ અવકાશ જ નહોતો રાખ્યો. પછી પોલીસ પર તેનું નિયંત્રણ ન રહ્યું. પાટીદાર આંદોલનના યુવા ચહેરાઓ હાલ રાજકારણમાં સક્રિય
અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્ત્વનાં પદો પર છે. આ ચહેરાઓમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાબવા, ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે, જેમાંથી હાલ હાર્દિક પટેલ ભાજપમાં અને વિરમગામના ધારાસભ્ય છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે. પાટીદાર આંદોલનની ટાઈમલાઈન 25 ઓગસ્ટ, 2015: જીએમડીસીમાં પાટીદારોની રેલી, હાર્દિકની અટકાયતને પગલે તોફાનો 26 ઓગસ્ટ, 2015: ગુજરાત ભડકે બળ્યુ, 13 વર્ષ પછી અમદાવાદ, સુરત,મહેસાણા, વિસનગર, ઉંઝા, કડીમાં કફર્યુ 27 ઓગસ્ટ, 2015: પોલીસની બર્બરતા સામે હાઈકોર્ટમાં પિટિશન, લશ્કર બોલાવાયું 30 ઓગસ્ટ, 2015: પોલીસ ફાયરીંગમાં મોતને ભેટેલા શ્વેતાંગની અંતિમવિધિ 22 સપ્ટેમ્બર, 2015: બાયડમાં સભા, હાર્દિક લાપતા, હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ, 24 કલાકમાં હાર્દિક હાજર 20 ઓક્ટોબર, 2015: હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો 22 ઓક્ટોબર, 2015: હાર્દિક ઉપરાંત તેના પાંચ સાથીદારો સામે પણ રાજદ્રોહના બે કેસ નવેમ્બર, 2015: મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની જાહેરાત ડિસેમ્બર-ફેબ્રુઆરી, 2016: હાર્દિકની જેલમુકિત માટે એસપીજીના લાલજી પટેલ દ્વારા જેલ ભરો આંદોલન ફેબ્રુઆરી, 2016: મહેસાણામાં જેલભરો આંદોલનમાં લાલજી પટેલની ધરપકડ એપ્રિલ, 2016: સાથીદારોને રાજદ્રોહના કેસમાંથી જામીન 20 એપ્રિલ, 2016: સરકારની ગરીબ સર્વણો માટે દસ ટકા અનામતની જાહેરાત 8 ઓગસ્ટ, 2016: જેલવાસ પછી હાર્દિકના જામીન, બે દિવસ પછી ગુજરાત બહાર 30 જુલાઈ, 2016: પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની મુખ્યમંત્રીની જાહેરાત હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત કુલ 20 કેસ હાર્દિક પટેલે વર્ષ 2022માં વિરમગામ વિધાનસભાની ચૂંટણી ફોર્મ ભરતા સમયે ચૂંટણીપંચને આપેલા સોગંદનામામાં તેની સામે રાજદ્રોહના બે કેસ સહિત 20 કેસ નોંધાયેલા હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ છે. 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ 20 કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે, જેમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે. જેમાં મહેસાણા જિલ્લાના કડી, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, સુરત શહેરમાં પાટણ, વરાછા, ગાંધીનગર સેક્ટર 21માં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરના નિકોલ અને સુરત શહેરના કામરેજમાં પણ કેસ નોંધાયા છે. 11 કેસમાં બે વર્ષથી ઓછી સજા
હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસોમાંથી 11 કેસમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે. આ કેસોમાં સુરતના સરથાણા, અમદાવાદ શહેર, સિદ્ધપુર, પાટણના ચાણસ્મા, મહીસાગરના સંતરામપુર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને જામનગર જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલે મહેસાણા જિલ્લાના વિસનગરમાં નોંધાયેલા ફોજદારી કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. આ કેસમાં કોર્ટે તેને બે વર્ષની કેદ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. આ મામલો વિસનગરના તત્કાલીન ભાજપના ધારાસભ્ય અને હાલના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઓફિસમાં થયેલા કથિત હુમલાનો છે.