મહામંડલેશ્વર બન્યા બાદ વિવાદોમાં ઘેરાયેલી મમતા કુલકર્ણીએ તાજેતરમાં ઉપવાસ પર ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે તે દિવસે ઉપવાસ કરતી અને રાતે દારૂ પીતી હતી. દારૂના નશામાં, તે ઘણા કલાકો સુધી બાથરૂમમાં બંધ રહેતી હતી. તાજેતરમાં ‘આપ કી અદાલત’માં હાજર થયેલી મમતા કુલકર્ણીને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે તમે ફિલ્મોમાં હતાં ત્યારે પણ તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખતાં હતાં અને સાંજે તમે તાજ હોટેલમાં જતાં હતાં અને બે પેગ સ્કોચ પીતાં હતાં. આ અંગે મમતા કુલકર્ણીએ કહ્યું, બોલિવૂડ જ્યારે મારી લાઈફ હતી, ત્યારે હું જ્યાં પણ શૂટિંગ માટે જતી, મારી સાથે હંમેશા 3 સૂટકેસ રાખતી. જેમાં એક મંદિરની અને એક કપડાંની સૂટકેસ હતી. મંદિરની સૂટકેસ હંમેશા મારી સાથે રહેતી. જ્યારે પણ કોઈ રૂમમાં રોકાતી, ત્યારે એક આખું ટેબલ અલગ રાખતી, જે પૂજા માટે ઉપયોગમાં લેતી હતી. હું તે ટેબલ પર દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખતી અને હું પૂજા કર્યા પછી જ શૂટિંગ માટે જતી હતી. તેમણે વધુમાં કહ્યું- નવરાત્રિમાં 9 દિવસનો સંકલ્પ લેવામાં આવે છે. હું પણ 9 દિવસ સુધી ફક્ત પાણી પર અનુષ્ઠાન કરતી અને સવાર, બપોર અને રાત્રે યજ્ઞ કરતી. આ દરમ્યાન, હું ચંદનનાં લાકડાઓથી યજ્ઞ કરતી અને યજ્ઞ દરમિયાન 3-4 કલાક ધ્યાન કરતી હતી. અગાઉની નવરાત્રિઓમાં, હું રાત્રે તાજ હોટલ જતી. એક-બે નવરાત્રિ એવી રીતે પસાર થઈ જેમાં હું સ્કોચના બે પેગ પીતી, પરંતુ ત્યારબાદ અચાનક મારે વોશરૂમ જવું પડતું, અને અંદર આગ લાગી હોય તેવી સ્થિતી અનુભવાતી. હું વોશરૂમમાં 40 મિનિટ સુધી આંખો બંધ કરીને બેસી રહેતી. વોશરૂમની બહાર ભીડ ભેગી થઈ જતી, અને મારા ડિઝાઇનર તથા મેક-અપ સ્ટાફ બહારથી દરવાજો ખટખટાવીને પૂછતાં કે હું ઠીક છું કે નહીં. હું તેમને માત્ર એટલું જ કહેતી માફ કરશો, મને ખબર નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે. કદાચ આ ખામીને કારણે નવ દિવસની તપસ્યા પર ખરાબ અસર થઈ રહી હતી. મમતાએ વાતચીતમાં એમ પણ કહ્યું કે આ ઘટના 1996-97ની છે. જ્યારે તપસ્વીએ જોયું કે તે લોકોના પ્રભાવમાં આવીને આ કરી રહી છે, ત્યારે તેણે મમતાને તપસ્યા માટે બીજું સ્થાન સૂચવ્યું, જ્યાં તેણે 12 વર્ષ સુધી તપસ્યા કરી.