વડોદરા શહેરના રાજમહેલ રોડ પર સ્વિફ્ટ કારના ચાલકે કિયા સેલ્ટોર કારને ટક્કર મારી હતી. જેમાં પીધેલી હાલતમાં 3 શખસો મળી આવ્યા હતા. જેમાંથી એક અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો પોલીસકર્મી હોવાનું ખુલ્યું છે. નવાપુરા પોલીસે ત્રણેય આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સ્વિફ્ટ કારનો ચાલક લથડિયા ખાતો હતો
ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં વર્ધી મળી હતી કે, રાજમહેલ રોડ પર પોલો ક્લબની સામે અકસ્માત થયો છે. જેથી, નવાપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આ સમયે સ્વિફ્ટ ડિઝાયર કારે કિયા સેલ્ટોસ કારને ટક્કર મારી હતી. આ સમયે સ્વિફ્ટ કારનો ચાલક લથડિયા ખાતો હતો અને નશાની હાલતમાં હતો. તેનું નામ ધીરુભાઇ ઝાલા હોવાનું ખુલ્યું હતું. તેની સામે ઓવર સ્પીડિંગ અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કારમાં બેઠેલ એક વ્યક્તિ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો ગનમેન હતો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કારમાં બેઠેલા હિતેશ ઇશ્વરભાઇ પટેલ અને કમલેશસિંહ નરવતસિંહ રાઠોડ મળી આવ્યા હતા. તેમાં કમલેશસિંહ રાઠોડ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ગનમેન તરીકેની કામગીરી કરે છે. તેઓ પણ પીધેલી હાલતમાં જણાઇ આવ્યા હતા. તેમની સામે પણ પ્રોહિબિશનની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ટેસ્ટ પણ કાર્યવાહી હતી અને પોલીસ કર્મચારી હોવાથી જે-તે ડિપાર્ટમેન્ટમાં તેની જાણ કરવામાં આવશે. પોલીસકર્મી સામે ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી કરાશે
તેઓએ ઉમેર્યું હતું કે, આરોપીઓ માંજલપુર વિસ્તારમાં લગ્નમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ પરત જઇ રહ્યા હતા. તેમની સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કર્મચારી સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં આવશે અને તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવશે.