દિલ્હીની ચૂંટણીના પરિણામો પહેલાં રાજકીય જંગ જામ્યો છે. મહારાષ્ટ્રની ચૂંટણી માટે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તો દિલ્હીમાં કેજરીવાલે ભાજપ પર ઉમેદવારો ખરીદવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવતાં ભાજપે LGને પત્ર લખીને તપાસની માગણી કરી છે. આમ, દિલ્હી ચૂંટણીના પરિણામો પહેલાં અલગ અલગ મંચ પર પોલિટિકલ ડ્રામા થઈ રહ્યો છે. નમસ્કાર, લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ ઉઠાવ્યો કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા 2019 અને લોકસભા 2024 વચ્ચે 5 વર્ષમાં 32 લાખ નવા મતદારો ઉમેરાયા. લોકસભા 2024 અને વિધાનસભા 2024 વચ્ચે 5 મહિનામાં 39 લાખ નવા મતદારો ઉમેરાયા. સવાલ એ છે કે, છેલ્લા 5 વર્ષ કરતાં 5 જ મહિનામાં વધુ મતદારો કેવી રીતે ઉમેરાયા? દિલ્હીમાં કેજરીવાલે આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારોને ભાજપે 15-15 કરોડની ઓફર કરીને હોર્સટ્રેડિંગ શરૂ કર્યું છે. કેજરીવાલના આ આક્ષેપો સામે ભાજપે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પત્ર લખીને તપાસની માગણી કરી છે. LGએ પણ તપાસનો આદેશ આપી દીધો છે. પહેલાં દિલ્હીની વાત કરીએ. શનિવારે દિલ્હીમાં ચૂંટણી પરિણામ છે અને તે પહેલાં જ રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે. હુમલા અને વળતા હુમલા શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે, પોતાના 70 ઉમેદવારોનું હોર્સટ્રેડિંગ કરવાનો કારસો ભાજપે રચ્યો છે અને AAPના દરેક ધારાસભ્યને 15-15 કરોડની ઓફર ભાજપે કરી છે. આનાથી હોબાળો થયો ને ભાજપે તાબડતોબ મિટિંગ બોલાવી. આ બધા વચ્ચે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને રાહુલ ગાંધીએ મતદાન યાદીમાં ગોટાળા થયા હોવાનો આરોપ લગાવ્યો. ભાજપે AAPના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. ભાજપે વળતો જવાબ આપવા LGને પત્ર લખ્યો, તપાસના આદેશ જારી કર્યા દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના સાથે મુલાકાત કરી. આમ આદમી પાર્ટીના આરોપો પર સક્સેનાને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ભાજપે લખ્યું છે કે, ‘અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને બોલાવવામાં આવે અને ઉમેદવારોનો સંપર્ક કરનાર વ્યક્તિની વિગતો અને કેવી રીતે કોન્ટેક્ટ કર્યો તે અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવે તેવી વિનંતી છે. સત્ય જાણવા માટે તપાસ થવી જોઈએ.’ ભાજપની આ માગણી પર લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ તપાસનો આદેશ આપ્યો છે. કેજરીવાલે ‘ટીમ 70’ સાથે મિટિંગ કર્યા પછી આરોપો લગાવ્યા ભાજપે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખરીદવાની ઓફર કરવાનો આરોપ લગાવ્યા પછી અરવિંદ કેજરીવાલે તેમના 70 ઉમેદવારો સાથે બેઠક કરી હતી. આ મુલાકાત અરવિંદ કેજરીવાલના 5-ફિરોઝશાહ રોડ સ્થિત બંગલામાં થઈ હતી. આ બેઠકમાં 70 ઉમેદવારોની સાથે મુખ્યમંત્રી આતિશી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, ‘મિટિંગનો એજન્ડા એ છે કે આમ આદમી પાર્ટીને શનિવારે પ્રચંડ બહુમતીથી જીત મળવાની છે તો એ પછી શું સ્ટ્રેટેજી હોઈ શકે તે નક્કી કરવા ભેગા થયા હતા.’ શાહદરાથી AAPના ઉમેદવાર જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અમે બધા અરવિંદ કેજરીવાલની સાથે છીએ તેવો વિશ્વાસ અપાવ્યો હતો. મિટિંગમાંથી બહાર આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે બધા ઉમેદવારો સાથે એક મિટિંગ થઈ હતી અને ઉમેદવારોને ભાજપ તરફથી સતત ફોન આવી રહ્યા છે. તેમને પૈસાની ઓફર કરવામાં આવી રહી છે અને તેમને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે દુર્ગેશ પાઠક આ મિટિંગમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું કે રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે બધા ઉમેદવારો સાથે ઔપચારિક મિટિંગ કરી હતી. તેમણે કહ્યું કે ઉમેદવારોને ભાજપ તરફથી ઓફરના જે ફોન આવી રહ્યા છે તે કોલના નંબર બધા મિડિયાને આપવામાં આવ્યા છે. કેજરીવાલે ટ્વિટ કરીને આ આરોપો લગાવ્યા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે AAPના 16 ઉમેદવારોને મંત્રી પદ અને પક્ષ બદલવા માટે ભાજપ તરફથી 15-15 કરોડ રૂપિયાની ઓફર મળી છે. કેજરીવાલે પોતાની પોસ્ટમાં કહ્યું, ‘કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ભાજપને 55 થી વધુ બેઠકો મળી રહી છે. છેલ્લા બે કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે. એવી ઓફર આપવામાં આવી રહી છે કે જો તે AAP છોડીને ભાજપમાં જોડાશે તો તેમને મંત્રી બનાવશે અને દરેકને 15 કરોડ રૂપિયા આપશે. જો ભાજપને 55 થી વધુ બેઠકો મળવાનો વરતારો છે તો પછી અમારા ઉમેદવારોને ઓફર આપવાની શું જરૂર છે? સ્વાભાવિક છે કે આ બનાવટી એક્ઝિટ પોલ ફક્ત માહોલ ઊભો કરવાના હેતુથી કરવામાં આવ્યા છે. કયા AAP ધારાસભ્યને ફોન આવ્યો? કેજરીવાલે કરેલા દાવા મુજબ, સુલતાનપુર માજરા AAP ઉમેદવાર અને દિલ્હીના મંત્રી મુકેશ અહલાવતે કહ્યું કે તેમને પણ આવી જ ઓફર કરવામાં આવી હતી. ‘X’ પરની એક પોસ્ટમાં અહલાવતે લખ્યું, હું મરી શકું છું, મારા ટુકડા થઈ શકે છે, પરંતુ હું અરવિંદ કેજરીવાલને ક્યારેય છોડીશ નહીં. મને કહેવામાં આવ્યું હતું કે તેમની (ભાજપ) સરકાર બની રહી છે અને જો હું AAP છોડીને તેમની સાથે જોડાઈશ તો મને મંત્રી બનાવશે અને 15 કરોડ રૂપિયા આપશે. પરંતુ કેજરીવાલ અને AAPએ મને જે માન આપ્યું છે, હું મારા મૃત્યુ સુધી મારી પાર્ટી છોડીશ નહીં. સંજયસિંહે કહ્યું કે, આનો અર્થ એવો થાય કે ભાજપે પરિણામો પહેલાં જ હાર સ્વીકારી લીધી છે. વીરેન્દ્ર સચદેવાની ચેતવણી- સંજય સિંહે માફી માંગવી જોઈએ નહીંતર… દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આમઆદમી પાર્ટી અને સંજયસિંહના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે તે ચૂંટણીમાં હાર ભાળી ગયેલી AAP હતાશ છે. સંજય સિંહે કાં તો પોતાના આરોપો પાછા ખેંચી લેવા જોઈએ અને માફી માંગવી જોઈએ અથવા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહે. સંજય સિંહે ભૂલવું ન જોઈએ કે તેમના પક્ષના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલેથી જ આવા ખોટા આરોપો કરવા બદલ માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે સંજય સિંહે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના મુખ્યમંત્રી આતિશી ધારાસભ્યોને આવી જ ખોટી પૈસાની ઓફર કરવાના આરોપમાં જામીન પર છે. સંજય સિંહનો આરોપ કે ભાજપ AAP ધારાસભ્ય ઉમેદવારોને લલચાવી રહી છે તે તેમની હતાશાનું પરિણામ છે. હવે વાત મહારાષ્ટ્રની… લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, મહારાષ્ટ્રની ચૂંટણીમાં અમને જે ગોટાળાની શંકા હતી તે સાચી પડી રહી છે. અમે મતદારો અને મતદારયાદીનો અભ્યાસ કર્યો છે. અમારી ટીમો કામ કરી રહી છે અને અમને ઘણી ગેરરીતિઓ મળી છે. ખાસ કરીને યુવાનો કે જેઓ લોકશાહીમાં વિશ્વાસ રાખે છે, તેમણે આ ગોટાળા કેવી રીતે થઈ રહ્યા છે તે સમજવું ખૂબ જરૂરી છે. વસ્તી કરતાં મતદારોની સંખ્યા વધારે !! પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 2019થી 2024 વચ્ચે મહારાષ્ટ્રમાં 32 લાખ નવા મતદારો ઉમેરાયા હતા. 2024માં મે મહિનામાં લોકસભાની ચૂંટણી થઈ અને 2024ના ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રની ચૂંટણી થઈ. આ ગાળો પાંચ જ મહિનાનો હતો. આ પાંચ મહિનામાં 39 લાખ મતદારો ઉમેરાયા. મહારાષ્ટ્રમાં પુખ્ત લોકોની વસ્તી છે તેના કરતાં પણ મતદારોની સંખ્યા વધી જાય છે. આવું કેવી રીતે સંભવ છે? 2019થી 2024 વચ્ચે પાંચ વર્ષમાં 32 લાખ મતદારો ઉમેરાયા પણ 2024માં પાંચ જ મહિનામાં પાંચ વર્ષ કરતાં પણ વધારે મતદારો ઉમેરાયા તે કેવી રીતે શક્ય બને? રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં મતદારયાદીમાં ગંભીર વિસંગતતા છે. મતવિસ્તારોમાં ભાજપની જીતનું માર્જિન મતદાર યાદીમાં ઉમેરેલા તફાવત જેટલું જ છે. સરકારના મતે, મહારાષ્ટ્રની પુખ્ત વસ્તી 9.54 કરોડ છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં 9.70 કરોડ મતદારો છે. આનો અર્થ એ થયો કે ચૂંટણી પંચ દેશના લોકોને કહી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં પુખ્ત વસ્તી કરતાં વધુ તો મતદારો છે. રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનરની પસંદગીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વોટ ઘટ્યા નથી, ભાજપના વધ્યા છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીને કામઠીમાં 1.36 લાખ મત મળ્યા હતા. વિધાનસભામાં અમને લગભગ એટલા જ મત મળ્યા હતા. અમે લોકસભા ચૂંટણી જીતી હતી. લોકસભા ચૂંટણીમાં ભાજપને 1.19 લાખ મત મળ્યા હતા. આ વિસ્તારમાં 35 હજાર નવા મતદારો ઉમેરાયા છે, અને તે બધા મત ભાજપના ખાતામાં જાય છે અને ભાજપ ચૂંટણી જીતી જાય છે. મહારાષ્ટ્રમાં આવા ઘણા ઉદાહરણો છે. મહારાષ્ટ્રમાં અમારા મતો ઘટ્યા નથી, ભાજપના મતો વધ્યા છે. આ મતદારો એવા સ્થળોએ ઉમેરવામાં આવ્યા છે જ્યાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 90 ટકાથી વધુ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ અમને નવી મતદાર યાદી આપતું નથી. તેમની જવાબદારી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે NCP, શિવસેના અને કોંગ્રેસ પાર્ટીને યાદી સોંપે કારણ કે અમે આ તપાસને આગળ વધારવા માંગીએ છીએ. કોંગ્રેસે આ રીતે મહારાષ્ટ્રમાં મતદારોના આંકડાની માયાજાળ સમજાવી… મહારાષ્ટ્રમાં આંકડાની માયાજાળ 2019થી 2024 2024માં કામઠી વિધાનસભાનું ઉદાહરણ જુઓ.. 2024ના 5 મહિનામાં 35 હજાર નવા મતદારો ઉમેરાયા લોકસભામાં વિધાનસભામાં આ બધા જવાબ ચૂંટણીપંચે આપવાના છે… અને છેલ્લે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના છે. તેમણે કહ્યું છે કે, નિવૃત્તિ પછી હું 4-5 મહિના હિમાલયમાં આત્મમંથન માટે જવાનો છું. રાજીવ કુમાર જ્યારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા ત્યારે તેમની નિમણૂકને લઈને સવાલો ઉઠ્યા હતા. CECની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં 12 અરજી થઈ છે અને તેની સુનાવણી રાજીવ કુમાર નિવૃત્ત થાય તે પહેલાં 12 ફેબ્રુઆરીએ થવાની છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)