મોચી બજારમાં ગેરકાયદે કતલખાનું અને તેમાં પણ ગૌમાસનું વેચાણ કરતા હોવા છતાં એ-ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ ન કરીને ફારૂક મુસાણી સહિતનાઓને છાવરવાના પ્રયત્ન કરાયા હતા. જો કે દિવ્ય ભાસ્કરે સમગ્ર મામલાનો પર્દાફાશ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જો કે તે વિસ્તારમાં એક નહિ આવા 17 ગેરકાયદે થડાઓ ધમધમી રહ્યા છે જે તમામ ફારૂકના ઈશારે ચાલે છે. રાજકોટ શહેરમાં મોચી બજારમાં ગેરકાયદે કતલખાના શરૂ કરવાના દુષણમાં સૌથી પહેલું નામ ફારૂક મુસાણી જ લેવાઈ રહ્યું છે. વિસ્તારમાં તપાસ કરતા બહાર આવ્યું છે કે પહેલા જૂના મોરબી રોડ પર ફારૂકનું કતલખાનું ચાલતું હતું ત્યાં બંધ કરીને મોચીબજારમાં 30 વર્ષ પહેલા પહેલો થડો નાખ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં તેણે અને તેના પરિવારે 5 થડા કરી નાખ્યા અને બીજાને પણ ધંધો કરવા માટે ઈજન પૂરું પાડતા હાલ મોચી બજારમાં ગેરકાયદે 17 થડા ધમધમી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે ફારૂક મુસાણી ગેરકાયદે રીતે પાડા અને ગૌવંશની હેરાફેરી અને કતલ કરતો હોવાથી અરજી 10 જાન્યુઆરીએ એ-ડિવિઝન પોલીસ મથકને આપવામાં આવી હતી. આમ છતાં પોલીસે તે મામલે કોઇ પગલાં લીધા ન હતા અને પી.આઈ. બારોટે આંખ આડા કાન કર્યા હતા. 30 તારીખે ગાંધી નિર્વાણ દિને કતલખાના બંધ રાખવાનું જાહેરનામુ હોવા છતાં માંસનું વેચાણ ચાલુ રખાતા ગૌપ્રેમીઓએ પોલીસ પાસે ધસી ગયા હતા ત્યારે છેક પી.આઈ. બારોટ કાર્યવાહી માટે ગયા હતા.એફએસએલનો રિપોર્ટ પણ ગૌમાંસનો આવ્યો હોવા છતાં બે દિવસ સુધી ગૌપ્રેમીઓને ધક્કા ખવડાવ્યા અને ફરિયાદ લીધી ન હતી. ભાસ્કરે મામલો બહાર લાવતા ફરિયાદ લેવાઈ હતી. આ ઉપરાંત જીવદયાપ્રેમી પ્રતીક સંઘવીએ આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવાનો નિર્ધાર કર્યો છે.