“મારી દીકરી કીડી-મકોડાને પણ દૂર રાખીને ચાલતી, પાણીમાં માખી પડે તો એને બચાવતી… આજે એ જ દીકરી… દીકરીને મારીને ટીંગાડી દીધી…” – આ શબ્દો છે એક માતાના, જેમની 19 વર્ષની દીકરી ઉર્વશી શ્રીમાળીએ રેગિંગ, ટોર્ચર અને છેડતી તથા પ્રોફેસર્સ દ્વારા નાપાસ કરવાની ધમકીથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેના ઘરથી 96 કિમી દૂર વિસનગરમાં બાસણાની શ્રી મર્ચેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બાસણા એજ્યુકેશન કેમ્પસ સ્થિત હોમિયોપથી કોલેજમાં દીકરીએ ઓચિંતું પગલું ભરવું પડ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામની સાંકડી શેરીઓમાં આજે માતમનો માહોલ છે. એક ઘરમાંથી રૂદનના અવાજો આવી રહ્યા છે. આ ઘર છે 19 વર્ષની ઉર્વશી શ્રીમાળીનું, સુરેન્દ્રનગરથી 78 કિમી દૂર દિવ્ય ભાસ્કરની ટીમ તેના ઘરે પહોંચી ત્યારે આખો પરિવાર ઘેરા શોકમાં ડૂબેલો હતો. માતા રમીલાબેન શ્રીમાળી ચોધાર આંસુ સાથે કહે છે, “મોદીજી, તમે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની વાત કરો છો, પણ અમારી દીકરીઓને મરવા માટે ભણવા મોકલીએ છીએ?એવું લખાવો. રમીલાબેન શ્રીમાળીની આંખોમાં આંસુ સુકાતાં નથી
દીવાલ પર લટકતા ઉર્વશીની તસવીર બાજુમાં બેસીને કહે છે, “મારી દીકરી કહેતી હતી કે- માં, હવે માત્ર ચાર વર્ષ બાકી છે. હું ડોક્ટર બનીને આવીશ, પછી તને કામ નહીં કરવા દઉં…” રમીલાબેનનો અવાજ રૂંધાઈ જાય છે. બાજુમાં બેઠેલા પ્રવીણભાઈની આંખોમાં ઝળઝળિયાં છે અને કહે છે “મારી બેબી નાનપણથી હોશિયાર હતી. હંમેશા ફર્સ્ટ ક્લાસ આવતો. એણે મને ફરિયાદો કરી હતી, પણ હું એની વેદના સમજી ન શક્યો…” આટલું કહેતા તો તેમને ડૂમો આવી જાય છે. દીકરી બચાવો અને તેને મરવા માટે ભણવા મૂકો…
પરિવારજનોની રડી રડીને સુજેલી આંખો જોઈને ભલભલા પાષાણ હૃદયના માનવીનું દિલ પણ દ્રવી ઉઠે. ત્યારે ચોંધાર આંસુએ રડતી મૃતક હોમિયોપેથી કોલેજની 19 વર્ષીય વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીની માતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મોદીજી તમે દીકરી બચાવો, દીકરી પઢાવોની વાતો કરો છો, એના કરતા એવુ લખાવો કે દીકરી બચાવો અને એને મરવા માટે ભણવા મુકો.. આ નરાધમોને તો ફાંસી આપો કે પેટ્રોલ છાંટીને સળગાવી દો. જ્યારે લાચાર પિતાએ આંખોમાં ઝણઝણીયા સાથે જણાવ્યું હતું કે, મારી બેબીની જગ્યાએ એની બહેનપણી આપઘાત કરવાની હતી, કારણ કે એને પણ એટલી જ ટોર્ચર કરવામાં આવી હતી. જ્યારે મૃતક ઉર્વશી શ્રીમાળીની ખાસ બહેનપણીએ કોલજ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી ફ્રેન્ડ ઉર્વશી શ્રીમાળી કે જેની સાથે હું 24 કલાક સાથે રહેતી હતી, એના પર કોલેજમાં રેગિંગ થતું હતું. અન્ય છોકરીઓએ તેને ઉતારી તો તેના ધબકારા ચાલુ હતા – માતા
દિવ્ય ભાસ્કરની ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામે પહોંચી તો સમગ્ર પીડિત પરિવાર ઘેરા શોકમાં મગ્ન હોવાની સાથે મૃતક ઉર્વશી શ્રીમાળીની માતા રમીલાબેન શ્રીમાળીએ ચોંધાર આંસુએ રડતાં રડતાં જણાવ્યું કે, મારી બેબીની સાથે આ ઘટના બની, ત્યારે અન્ય છોકરીઓએ એને નીચે ઉતારી ત્યારે મારી બેબીમાં જીવ હતો અને એને ધબકારા ચાલુ હતા. બાદમાં છોકરીઓએ નીચે આવીને સાહેબોને આવી ઘટના બની હોવાનું જણાવી, ગાડી આપો એને દવાખાને લઇ જઈએ, તો એનો જીવ બચી જાય. ત્યારે એક સાહેબે તો એવુ કહ્યું કે, હવે તો એ મરી ગઈ છે, હવે એને શું જરૂર છે. જ્યારે બીજા બધા શિક્ષકો તો હસતા હતા. જો આ મેડિકલ કોલેજ છે, તો એમાં સારવારની તમામ સુવિધાઓ હોવી જોઈએ. રાક્ષસોને પેટ્રોલ છાંટીને સળગાવી દેવા જોઈએ
રમીલાબેન આક્રોશ વ્યક્ત કરીને કહે છે કે, આ નરાધમોને જાનથી મારી નાંખો અથવા ફાંસી આપો. અથવા તો એ રાક્ષસોને પેટ્રોલ છાંટીને સળગાવી દેવા જોઈએ. મને તો એવું લાગે છે કે, મારી દીકરીને મારીને પછી ટીંગાડી દીધી છે, મારી દીકરી કીડી મકોડા આવે તોય એને દૂર રાખીને હાલે, પાણીમાં માંખી પડી ગઈ હોય તો એને હાથમાં લઈને જીવતી કરીને ઉડાડી દેતી હતી, મારી દીકરીને આનો ન્યાય આપો મારે બીજું કશું જોઈતું નથી. મોદીજી તમે દીકરી બચાવો, દીકરી પઢાવોની વાતો કરો છો, એના કરતા એવુ લખાવો કે દીકરી બચાવો અને એને મરવા માટે ભણવા મુકો. એ મને કહેતી કે, હવે મારે ચાર જ વર્ષ બાકી છે, અને હું ડોક્ટર બનીને આવીશ, પછી તને કામ કરવા નહી દઉં, મને મારી છોકરી લાવી દો મારે બીજું કાંઈ ના જોઈએ. મારા વાઘને ન્યાય આપો, મારો વાઘ ડોક્ટર બનીને લોકોને જીવાડવા ગયો હતો આટલુ બોલતા બોલતા એ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. બહેનપણીને ટાર્ગેટ કરતાં તે સુસાઈડ કરવાની હતી
લાચાર પિતા પ્રવીણ શ્રીમાળીએ આંખોમાં ઝણઝણિયા સાથે જણાવ્યું હતું કે એ નાનપણથી ભણવામાં હોશિયાર હતી. અને હંમેશા એને ફર્સ્ટ ક્લાસ જ આવતો હતો. એણે મને ફરિયાદો તો કરી હતી, પણ એ બાપને વધારે કહી ના શકી, અને હું પણ એની વેદના સમજી ના શક્યો. મારી બેબીની સાથે ભણતી એની બહેનપણીને પહેલા ટાર્ગેટ કરવામાં આવી હતી. પણ એ થોડી કઠણ હતી, એટલે એ એનો સામનો કરી શકી, મારી બેબીની જગ્યાએ એને આત્મહત્યા કરવાની હતી. પણ એ બચી ગઈ, કારણ કે, એ નજીક રહેતી હોવાથી વારંવાર એના ઘેર જતી રહેતી હતી, એટલે એ ફ્રેશ થઇ જતી હતી. એને ટોર્ચર કરવામાં આવતી, પણ એ નજીક પાટણમાં રહેતી હોવાથી શનિ-રવિ એના ઘેર જતી રહેતી હતી. એટલે એના મગજમાથી ટેન્શન ઓછું થઇ જતું હતું. જ્યારે મારી બેબીને એ મગજમાં જ રહી ગયું, એ જ્યારે પ્રવાસમાંથી જઈને આવી ત્યારે કહેતી હતી કે, પ્રોફેસરો મને આવી રીતે હેરાન કરે છે, વારંવાર મારું અપમાન કરે છે. અને મારા શરીરે સ્પર્શ કરે છે, ત્યારે અમને એમ કે કદાચ ગુરુજી એમને આ રીતે ભણાવતા હશે, પછી મેં એને કહ્યું કે, હું આવીને સાહેબને મળી જઈશ, પણ એ પહેલા આ ઘટના બની ગઈ. તેના પર કોલેજમાં રેગિંગ થતું હતું- બહેનપણી
તેની પાકી બહેનપણી અંજિતા પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે મારી ફ્રેન્ડ ઉર્વશી શ્રીમાળી કે જેની સાથે હું 24 કલાક સાથે રહેતી હતી, એના પર કોલેજમાં રેગિંગ થતું હતું. કોલેજ પહેલી જ એને હેરાન કરતી હતી. એની એના મગજ પર ખૂબ અસર કરી ગઈ હતી. પાંચ તારીખે અમે ટૂર પર જવાના હતા, તો અમે બે દિવસ પહેલા પ્રિન્સિપાલ સર પાસે ગયા હતા, આખા ક્લાસ વતી લીવ એપ્લિકેશન લઈને, હું અને ઉર્વશી બંને ગયા હતા કે, સર તમે અમને પેકિંગ માટે બે દિવસની રજા આપો, તો ઘરે જઈને કાંઈ વસ્તુ લાવવી હોય તો, એ ટાઈમે પ્રિન્સિપાલે હા પાડી દીધી હતી, પછી દોઢ વાગ્યે વિપક્ષી સર એવા ગુસ્સે થઈને આવ્યા કે કોણ હતું, પેલા બે જણા, કે જેમણે પ્રિન્સિપાલ સરની ઓફિસમાં એન્ટ્રી લીધી હતી, તો મને અને ઉર્વશીને ઉભી કરી, અને ચાલુ કલાસ વચ્ચે અમને બંનેને એટલું બોલ્યા કે, આખો ક્લાસ એનો પ્રુફ છે, એટલા જોરથી તો અમારા ફાધર પણ ક્યારેય અમને નહી બોલ્યા હોય, એટલે મારી ફ્રેન્ડ ઉર્વશી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. હું પણ ખૂબ ગભરાઈ ગઈ હતી, અને હું તો રડવા જ લાગી હતી બધા વચ્ચે, પણ મારી ફ્રેન્ડ રોઈ નહોતી. અમને ધમકી આપેલી કે તમને ફેલ કરીશું
પછી અમે રૂમ પર ગયા, એનું સ્ટ્રોંગપણું તૂટી ગયું હતું. એ પણ ખૂબ રડી અને ફાધરને પણ કોલ કર્યો અને બધુ જ કહ્યું અને મને કીધું કે કોલેજ છોડવી છે, તો મેં કહ્યું કે, આપણે ભેગા થઈને કોલેજ છોડી દઈએ. અમને વિપક્ષી સરે એવુ કીધેલું કે, તમે હજી નાના છો, ઈંડામાં જ રહો છો, તમે છો કોણ કે તમે પ્રિન્સિપલ સર પાસે મારી પરમિશન વગર જાવ, તમે ગયા જ કેમ? તમારી ઔકાત શું છે, અને અમને ધમકી આપેલી કે તમને ફેલ કરીશું, અને ફેલ થવાના લીધે જ મારી ફ્રેન્ડે સુસાઈડ કરવાનો નિર્ણય લીધો હતો. એ દિવસે અમે બંને પહેલા ખૂબ રડ્યા હતા, અને એણે મને કહ્યું કે, મને સુસાઈડ કરવાની ઈચ્છા થાય છે, એ સમયે મને પણ એવુ થઇ ગયું હતું કે, મારે પણ સુસાઈડ કરવું, મને આવી રીતે અનેક વખત ટોર્ચર કરવામાં આવી હતી. એમણે ઉર્વશી પહેલા મને ટાર્ગેટમાં લીધી હતી. પછી મારી ફ્રેન્ડને ટાર્ગેટમાં લીધી હતી. મારી ફ્રેન્ડે સુસાઈડ કર્યું તો હવે હું કેમ ચૂપ રહું. બધાને તો એવું લાગતું હતું કે, હું સુસાઈડ કરી લઈશ, કારણ કે, મારી સાથે આવી રીતે ચારથી પાંચ વખત વિપક્ષી સરે જ રેગિંગનો કિસ્સો કર્યો હતો. વિદ્યાર્થિનીના આપઘાત કરવા પાછળનું કારણ શું હતું?
મહેસાણા જિલ્લાના વિસનગરના બાસણા ખાતે આવેલી શ્રી મર્ચેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભાસણા એજ્યુકેશન કેમ્પસસ્થિત હોમિયોપથી કોલેજની 19 વર્ષની વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીના આપઘાત કેસમાં પિતાએ નોંધાવેલી એફઆઇઆરને આધારે પોલીસે કોલેજના આચાર્ય અને 4 પ્રોફેસર સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદના બીજા દિવસે સિવિલ હોસ્પિટલમાં બેઠેલા વિદ્યાર્થીઓ, આગેવાનો તેમજ પરિવારજનોને પોલીસે આરોપીઓને પકડી લીધાની ખાતરી આપી હતી અને પેનલ પીએમ પછી પરિવારજનોએ તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સ્વીકાર્યો હતો. વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવી
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નગવાડા ગામના રહેવાસી અને હાલ બહુચરાજીની ગોકુલધામ સોસાયટીમાં રહીને વકીલાત કરતા પ્રવીણ શ્રીમાળીની દીકરી ઉર્વશી મર્ચન્ટ કોલેજમાં હોમિયોપેથિકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ત્યારે 29 જાન્યુઆરી 2025ની બપોરે તેણે હોસ્ટેલના રૂમમાં પંખે દુપટ્ટા બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 13 જાન્યુઆરીએ કૉલેજના પ્રવાસેથી ઘરે આવેલી ઉર્વશીએ તેને પ્રોફેસરો નાપાસ કરવાની ધમકીઓ આપી, ત્રણ-ત્રણ વખત લખવા આપીને, બેથી ત્રણ કલાક સુધી સતત એક જ જગ્યાએ ઊભા રાખી ખરાબ શબ્દો બોલે છે અને તેના શરીરે ખરાબ રીતે સ્પર્શ કરે છે. તેમજ શરીરને કોઈ પણ બહાના હેઠળ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. અને આ અંગે પ્રિન્સિપાલને રજૂઆત કર્યા બાદ પણ તેમણે તેની કોઈ ફરિયાદ સાંભળેલી નહીં અને તમે ભણવા આવો છો, તો બધું સહન કરવું પડશે. મારી પાસે ફરિયાદ આપવા આવવું નહીં તેવું કહીને પ્રિન્સિપાલ પણ પ્રોફેસરનો ઉપરાણું લેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે 5એ આરોપીની ધરપકડ કરી પણ રિમાન્ડ ન લીધા
પોતે આ બધાથી થાકીને કંટાળી ગઈ હોવાનું કહેતા પિતા તરીકે તેમણે દીકરીને સાંત્વના આપી હતી અને જરૂર પડે તો કોલેજમાંથી એડમિશન રદ કરાવી બીજી જગ્યાએ એડમિશન લેવાની વાત કરી હતી. પ્રિન્સિપાલને રજૂઆત કર્યા બાદ પણ પ્રોફેસરના સાથ સહકારમાં રહીને તેમની દીકરીને કોઈ પણ જાતનો ન્યાય ન આપતા આ તમામ લોકોના ત્રાસને કારણે ઉર્વશી ફાંસો ખાઈ મૃત્યુ પામી હોવાનું જણાવ્યું છે. તાલુકા પોલીસે 5 સામે ફરિયાદ દાખલ કર્યા બાદ મહેસાણા સિવિલમાં ઉર્વશીનું પેનલ પીએમ કરાયું હતું. આ સમયે કેમ્પસમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનો તેમજ પરિવારજનોએ આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માંગણી કરતા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ નિલેશ ઘેંટિયાએ પરિવારજનોને તમામ આરોપીઓને હસ્તગત કરી લીધા છે, અને કાર્યવાહીની ખાતરી આપતા પરિવારજનોએ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સ્વીકાર્યો હતો. બીજી તરફ પોલીસે આચાર્ય અને પ્રોફેસર સહિત તમામ 5 આરોપીઓની અટકાયત કરીને એલસીબી, તાલુકા અને બી ડિવિઝન સહિતના અલગ અલગ પોલીસ મથકે રાખીને પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને વિદ્યાર્થિનીની 3 સુસાઈડ નોટ હાથ લાગી હતી
બીજી બાજુ વિસનગરના બાસણા મર્ચન્ટ કેમ્પસમાં આવેલી હોમિયોપેથીક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીના અપમૃત્યુ કેસમાં પોલીસને ત્રણ સુસાઈડ નોટ મળી હતી. ત્રણેયમાં કોલેજના આચાર્યથી માંડીને પ્રોફેસર માનસિક ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ છે, પરંતુ કોઈ પણ વ્યક્તિના નામ જોગ કે તેના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ ન હોવાનું પોલીસનું કહેવું હતું. બહુચરાજીના અને વકીલાતનો વ્યવસાય કરતાં પ્રવીણ શ્રીમાળીની 19 વર્ષની દીકરી ઉર્વશીએ પ્રોફેસરો અને પ્રિન્સિપાલના ત્રાસે હોસ્ટેલના પંખાથી દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે દુસ્પ્રેરણાનો ગુનો નોંધી પંચનામા સહિતની કાર્યવાહી કરાઇ હતી. ડીવાયએસપી મિલાપ પટેલની ટીમને 3 અલગ-અલગ કાગળમાં લખેલી સુસાઈડ નોટ મળી હતી. જેમાં અભ્યાસ સમયે તેણીને મેન્ટલી ટોર્ચર કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. જો કે, અન્ય લખાણ પોલીસ તરફથી જાહેર કરાયું નથી. બીજી તરફ પોલીસ ઉર્વશીની સાથે રૂમમાં રહેતી અને સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓ સહિતનાના નિવેદન લીધા હતા.