પૂર્વ કચ્છના આદિપુર શિણાય રોડ પર કેટલાક નબીરાઓએ હાથમાં પિસ્તોલ રાખી પૂરઝડપે ગાડીઓ દોડાવી હતી. રોડ પર ગાડી સાથે રોલા પાડી રહેલા કિશોરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે આ વીડિયોએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. આદિપુર પોલીસ મથકના પીઆઇ ડિજી પટેલે પુષ્ટિ કરી છે કે, વીડિયો આદિપુર વિસ્તારનો છે અને તેમાં દેખાતા તમામ સગીર વયના છે. પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, વીડિયો વાયરલ થતાં જ તેમણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પ્રકારની ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવાના ચક્કરમાં આવી ખતરનાક હરકતો કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.