દિલ્હી વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપ 40 કરતા વધુ બેઠકો ઉપર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી સતા ગુમાવે તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ ખાતેથી ભાજપનાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અગાઉની સરકારે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો હતો અને દિલ્હીનો વિકાસ અટકાવવા માટેના પ્રયાસો કર્યા હતા. જેને જાણી ગયેલ દિલ્હીની જનતાએ વિકાસ માટે ભાજપનો સ્વીકાર કર્યો છે. લોકોનો ભાજપને વિજયી બનાવવાનો નિર્ણયઃ રમેશ ટીલાળા
રમેશ ટીલાળાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત પર કામ કરી રહ્યા છે. જેમાં મારો દેશ સમૃદ્ધ અને વિકસિત બને તેમજ દરેક નાગરિક સમૃદ્ધ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને દિલ્હીમાં સંપૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બને તેવું લાગી રહ્યું છે. અગાઉની સરકારે ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યા છે અને દિલ્હીનો વિકાસ ન થાય તેવી કામગીરી કરી છે. જેને લઈ દિલ્હીનો વિકાસ ઇચ્છતી જનતાએ ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કર્યો છે. લોકો સમજી ચુક્યા છે કે ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે. આ કારણે લોકોએ ભાજપને વિજયી બનાવવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. પાટીદાર સામેના કેસ પરત લેવાયા મુદ્દે પ્રતિક્રિયા
ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા અંગે રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સરકારે કાયદાની ગાઈડલાઈન મુજબ અને હાઇકોર્ટના વકીલો દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ આ કામગીરી કરી છે. સંપૂર્ણપણે નિયમમાં રહીને ગુજરાત સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તે ખરેખર ખૂબ સારી બાબત કહી શકાય તેમ છે. આગામી સમયમાં પણ સરકાર દ્વારા વિવિધ મોરચે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.