અમદાવાદ સહિત સાત મહાનગરમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2025નો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી 60 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. તેઓ મોટા પ્રમાણમાં પૌષ્ટિક મિલેટ્સ અને એનાં ઉત્પાદનો વેચાણ માટે લાવ્યા છે. તદુપરાંત મિલેટ્સ આધારિત રસોઈ, ફૂડ પ્રોસેસિંગ અને લાઈવ કૂકિંગ ડેમોન્સ્ટ્રેશન પણ મુલાકાતીઓ માટે એક મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. મિલેટ મહોત્સવના ઉદ્ધાટન કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહીડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, ડેપ્યુટી. મ્યુનિસિપલ કમિશનર કેતન જોષી, સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) એન.એન.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણ, કોર્પોરેટરો, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ, સખી મંડળની બહેનો, સ્ટોલધારકો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. રિવરફ્રન્ટમાં પ્રાકૃતિક ખેતી આધારિત ચીજવસ્તુઓના 125થી વધુ સ્ટોલ રખાયા
રિવરફ્રન્ટ ખાતેના મિલેટ મહોત્સવમાં મિલેટ એટલે કે જુવાર, બાજરી, બાવટો, રાગી જેવાં વિવિધ ધાન્યો અને પ્રાકૃતિક ખેતી આધારિત ચીજવસ્તુઓના 125થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આરોગ્ય માટે મિલેટની ચીજવસ્તુઓ ખૂબ જ ઉપયોગી અને લાભદાયી છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ હોય તેઓ જુવાર, બાજરી અને રાગી જેવાં ધાન્યોની ચીજવસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ કરે તો તેમના ડાયાબિટીસમાં ઘટાડો થાય છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025માં મિલેટના અલગ-અલગ ધાન્યોથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રાકૃતિક ખેતીથી પકવેલી બાજરી, મિલેટ ચોખા, વિવિધ પ્રકારના અજમા, વરિયાળી, લીચી, સરગવાનાં પાનનો પાઉડર, મીઠા લીમડાનું શરબત, ઓર્ગેનિક ચણા, મગ, રાગી કોફી, રાગી ચોકલેટ, સરગવા બેઝ આઇટમ તમામ પ્રકારના મિલેટ જ્યૂસ, બટન મશરૂમ, મશરૂમ, વિટામિન ડી પાઉડર, ફ્લેવર્ડ ખાખરા, પ્રાકૃતિક શેમ્પૂ, ગુલકંદ, કોરી, મિલેટ આઈટમ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા કઠોળ, ધાન્ય અને મિલેટ પાક, મગફળીનું તેલ, રાયડાનું તેલ, રાયડો, સોયાબીન, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરેલી વિવિધ શાકભાજીઓ ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ વગેરે રાખવામાં આવ્યાં છે. છેલ્લાં ચાર વર્ષથી અમે મિલેટને પ્રમોટ કરી રહ્યા છીએ
મિલેટ મહોત્સવમાં ભાગ લેનારા સ્ટોલધારક એવા આરંભ કાફેના નિષ્ઠા ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી અમે મિલેટને પ્રમોટ કરી રહ્યા છીએ. ડાયાબિટીસ અને શુગરની જે લોકોને તકલીફ હોય તેમને રાગીથી બનેલી ચીજવસ્તુઓ ખાઈ શકે છે. મિલેટ મહોત્સવમાં સ્ટોલમાં રાગી ધાન્યનું ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. એમાં રાગી વડાપાંઉ, જેમાં ક્યાંય પણ ઘઉં કે મેંદાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ખાવામાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. મિલેટ ભેળ, જેમાં જુવાર બાજરી અને રાગીને મિકસ કરીને બનાવી છે. પાપડી ચાટ અને રાગી ઇડલી પણ બનાવી છે, જેમાં માત્ર રાગી અને જુવારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અને પેનલ ચર્ચા પણ યોજાઈ રહી છે
આ મહોત્સવમાં હળદર, નાગલી, આંબા મોર રાઈસ, દૂધ મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક પ્રાકૃતિક ખેતપેદાશો પ્રદર્શિત કરાઈ છે, જે સુરતના નાગરિકો માટે ખરીદવા માટે ખુલ્લી રાખવામાં આવી છે. આ દરમિયાન મિલેટ્સનું મહત્ત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોના કેનિંગ જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અને પેનલ ચર્ચા પણ યોજાઈ રહી છે. રાજકોટમાં 60 પ્રદર્શન સ્ટોલ અને 15 ફૂડકોર્ટ ઊભાં કરાયાં
રાજકોટમાં પણ આજથી બે દિવસીય ‘મિલેટ એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે સ્થાનિક નેતાઓની હાજરીમાં આ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં લોકો પ્રાકૃતિક ખેતી અને મિલેટ માટે જાગ્રત થાય એ માટે 60 પ્રદર્શન સ્ટોલ અને 15 ફૂડકોર્ટ પણ ઊભાં કરવામાં આવ્યાં છે. આ મેળામાં પ્રાકૃતિક પદ્ધતિઓથી ઉગાડેલી શાકભાજી સહિત અન્ય અનેક વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. આ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભીડ વધારવા માટે શાળાનાં 150 કરતા વધુ બાળકોને પણ બોલાવવામાં આવ્યાં હતાં. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ આ તકે જણાવ્યું હતું કે મિલેટ પ્રત્યે લોકો જાગ્રત થાય અને પોતાના રોજિંદા ખોરાકમાં વધુમાં વધુ મિલેટનો ઉપયોગ કરતા થાય એવા હેતુથી સરકારે દ્વારા આ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ સાથે પ્રાકૃતિક ફાર્મિંગ વિશે ખેડૂતોને માહિતી મળી શકે એ માટેની વ્યવસ્થા પણ મિલેટ મહોત્સવમાં ઊભી કરવામાં આવી છે. 11 શિક્ષક અને 153 બાળક મિલેટ મહોત્સવમાં આવ્યાં છીએ
આ મિલેટ મહોત્સવમાં ભીડ વધારવા માટે શાળાનાં બાળકોને પણ બોલાવવામાં આવ્યાં હતાં. મનપાની શાળા નંબર 93નાં શિક્ષિકા જાસ્મિનબેન જોશીએ જણાવ્યું હતું કે અમે 11 શિક્ષક અને 153 બાળક અહીં મિલેટ મહોત્સવમાં આવ્યાં છીએ. મારા આચાર્ય દ્વારા અમને સૂચના આપવામાં આવી હતી. તેમને પણ ઉપરથી સૂચના અપાઈ હોય એવું બની શકે છે. અહીં આવતાં પહેલાં અમે બાળકોને અભ્યાસ કરાવ્યો હતો અને હવે આ મહોત્સવમાંથી પરત ફર્યા બાદ શાળાએ મધ્યાહ્ન ભોજન જમાડી તેમને ઘરે મોકલવામાં આવશે. કોરોનાએ શીખવ્યું કે શરીરની તંદુરસ્તી મહત્ત્વની છે
મિલેટ મહોત્સવમાં બાળકોમાં પ્રાકૃતિક ખેતી વિશેની સમજણ આવે એ માટે અહીં લાવવામાં આવ્યાં છે. આપણી પાસે ગૌધન છે તો એમાંથી અને ગોબરમાંથી ખેતી કેવી રીતે કરી શકાય એની માહિતી બાળકોને અહીં આપવામાં આવશે. કોરોનાએ શીખવ્યું છે કે શરીરની તંદુરસ્તી ખૂબ મહત્ત્વની છે અને મિલેટના ઉપયોગથી તંદુરસ્તી સારી રહે છે. ત્યારે આ બાબતથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા તેમજ મિલેટ અને પ્રાકૃતિક ખેતી અંગેની સમજણ આપવા માટે બાળકોને અહીં લાવવામાં આવ્યાં છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ મિલેટ મહોત્સવ ચાલશે
ઉલ્લેખનીય છે કે આ મિલેટ મહોત્સવમાં 60 પ્રદર્શન સ્ટોલ અને 15 ફૂડકોર્ટ ઊંભાં કરવામાં આવ્યાં છે, જેમાં વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરાઈ રહ્યું છે તેમજ ફૂડકોર્ટમાં પ્રાકૃતિક વસ્તુઓનો સ્વાદ પણ લોકો ચાખી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ મિલેટ મહોત્સવ ચાલશે, જેમાં માત્ર રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રના ખેડૂતો મોટી સંખ્યામાં ભાગ લેશે. તેઓ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને એના ફાયદાઓ સહિતની માહિતી મેળવશે તેમજ મોટી સંખ્યામાં મિલેટ મહોત્સવમાં આવનારા લોકોને પણ મિલેટના ઉપયોગથી આરોગ્યને થનારા ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.