back to top
HomeભારતEDITOR'S VIEW: એક હોત તો સેફ હોત:માત્ર 2 ટકા વોટ શેરના ઊલટફેરથી...

EDITOR’S VIEW: એક હોત તો સેફ હોત:માત્ર 2 ટકા વોટ શેરના ઊલટફેરથી AAPની હાર, કૉંગ્રેસે આ રીતે ખેલ બગાડ્યો, AAPની હાર અને ભાજપની જીતનાં 4 કારણ

1993માં ભાજપે દિલ્હીમાં ચૂંટણી જીતી ને સત્તામાં આવી. 1998 સુધી ભાજપની સત્તા રહી પછી દિલ્હી વિધાનસભામાં ભાજપનો ગજ વાગ્યો નહીં. આ વખતે 27 વર્ષ પછી ભાજપના હાથમાં દિલ્હી આવ્યું છે. આમ આદમી પાર્ટીનો દાયકો પૂરો થયો છે. દિલ્હીમાં આપની હાર કેમ થઈ, ભાજપની જીત કેમ થઈ? તેના 4 મોટા કારણો તો છે જ, પણ મોટી આશ્ચર્યની વાત એ છે કે, આપની હાર પાછળ માત્ર 2 ટકાના વોટ શેરનો ઊલટફેર છે. શનિવારના પરિણામોમાં ભાજપનો વોટ શેર 45.7 ટકા છે તો આપનો વોટ શેર 43.5 ટકા છે. એટલે ભાજપ અને આપ વચ્ચે વોટ શેરનો તફાવત માત્ર 2 ટકા જેટલો જ છે. મતદારોની તાકાત અહીંયા ખબર પડે. હવે જો કોંગ્રેસે આપનો સાથ આપ્યો હોત તો ચિત્ર કદાચ જૂદું હોત. અહીં તો કોંગ્રેસે આપની બાજી પણ બગાડી છે. કોંગ્રેસનો વોટ શેર ગઈ ચૂંટણીમાં 4 ટકા હતો. આ વખતે વધીને 6.3 ટકા થયો છે. એટલે 2.3 ટકા વધ્યો છે. આ રીતે કોંગ્રેસના ઉમેદવારો આપના વોટ ખેંચી ગયા. જે 2 ટકામાં ઊલટફેર થયો તેમાં મુસલમાન અને મીડલ ક્લાસના મતદારોની મોટી ભૂમિકા છે. નમસ્કાર, દિલ્હીવાસીઓ દસ વર્ષથી કેજરીવાલની રેવડી ચગળતા હતા પણ હવે આ રેવડીને લોકોએ ફેંકી દીધી છે. દિલ્હીના મતદારોએ મોદીની ગેરંટી પર વિશ્વાસ કર્યો છે. આના પરથી એક વાત તો નક્કી છે કે ઈન્ડિયા ગઠબંધન વેરવિખેર થઈ ગયું છે અને તેનું વજૂદ લગભગ ખતમ જેવું થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પણ ફરી બેઠા થવા માટે મહેનત કરવી પડશે અને બેઠા થયા પછી ટકવા માટે વધારે મહેનત કરવી પડશે. ટૂંકમાં, આપે ફરી એકડો ઘૂંટવો પડે એવી સ્થિતિ થઈ છે. આપની હાર અને ભાજપની જીતના ચાર મોટા કારણો…
1. રાજનીતિમાં ચાર મજબૂત પિલર હોવા જરૂરી
આંદોલન કરીને રાજનીતિમાં આવી શકાય પણ તેમાં ટકવા માટે ચાર મજબૂત પિલર હોવા જોઈએ… કોંગ્રેસનો જન્મ સ્વરાજ આંદોલનમાંથી થયો. પણ તેમની પાસે ગાંધી વિચારધારા છે. મજબૂત સંગઠન છે. પણ કોંગ્રેસે નેતૃત્વમાં માર ખાધો એટલે પ્રજાનો સાથ ગુમાવી દીધો. આમ આદમી પાર્ટી પણ ‘ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન’માંથી જન્મેલી પાર્ટી છે. અન્ના હઝારેના આંદોલનમાં જોડાઈને કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી લીધી. દિલ્હી પર દસ વર્ષ રાજ કર્યું. પણ આપ પાસે ચોક્કસ વિચારધારા નહોતી. સંગઠન બનીને તૂટી રહ્યું હતું. કેજરીવાલનું નેતૃત્વ હતું પણ નેતૃત્વ કરનારનું કામ પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવાનું છે જે કેજરીવાલ કરી શક્યા નહીં. રહી વાત ભાજપની તો, ભાજપ પાસે સંઘની હિન્દુત્વની વિચારધારા છે. સૌથી મોટું સંગઠન છે. નરેન્દ્ર મોદીનું મજબૂત નેતૃત્વ છે. પાર્ટીને પ્રજાનો સાથ પણ મળ્યો છે. કોઈપણ પાર્ટીએ લાંબો સમય સત્તામાં રહેવું હોય તો બે પિલર વધારે મજબૂત જોઈએ. નેતૃત્વ અને પ્રજાનો સાથ. ભાજપ પાસે બંને મજબૂત છે. 2. રેવડી Vs ગેરંટી
રાજનીતિમાં ટકી રહેવાનો બીજો નિયમ એ છે કે તમે બોલો એ પાળો. કહો તે કરી બતાવો. કેજરીવાલ સતત ફ્લિપ-ફ્લોપ કરતા રહ્યા. ક્યારેક આ વાત કરે, ક્યારેક પેલી વાત કરે. દિલ્હીની પ્રજાને વાતો કરીને મફત ‘રેવડી’ આપી. પછી તો દિલ્હીની પ્રજા પણ સમજી ગઈ કે, આ રેવડી લાંબો સમય સુધી ચગળાય એવી નથી. તેની સામે દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ ઘણી સભાઓ કરી અને ગેરંટી આપી. ‘યે મોદી કી ગેરંટી હૈ…’ આ વાક્ય લોકોએ પકડી લીધું અને મોદી પરના વિશ્વાસના કારણે દિલ્હીના મતદારો આપના બદલે ભાજપ તરફ વળ્યા. કેજરીવાલે કેશ ટ્રાન્સફર સ્કીમ હોય કે મફત ફીની વાત હોય, માત્ર વાતો કરી. જ્યારે ભાજપે પોતાના રાજ્યોમાં કરી બતાવ્યું. આની નોંધ દિલ્હીના મતદારોએ લીધી. 3. ઈન્ડિયા ગઠબંધન નબળું પડ્યું, આપ અને કોંગ્રેસ – બંનેએ એકબીજાનો ભોગ લીધો
ભાજપની સામે તમામ પક્ષો એક બન્યા ત્યારે ઈન્ડિયા ગઠબંધન બન્યું હતું. તેમાં નીતિશ કુમાર પણ હતા જે પછીથી NDAમાં જોડાઈ ગયા. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે હતા પણ તે શિંદે સાથે લડવામાં મશગૂલ બની ગયા. મમતા બેનરજીએ તો ઈન્ડિયા ગઠબંધન સાથે છેડો જ ફાડી નાખ્યો. બાકી હતું તો આપ અને કોંગ્રેસ પણ અલગ થઈ ગયા. બંને પક્ષ સત્તા લાલસામાં અલગ બનીને ચૂંટણીઓ લડ્યા. તેના પરિણામો હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી ચૂંટણીમાં ભોગવવા પડ્યાં. આપ અને કોંગ્રેસ સાથે રહ્યા હોત તો સેફ હોત.
ઓમર અબ્દુલ્લાએ ઈન્ડિયા ગઠબંધન મામલે પહેલાં પણ સવાલ ઉઠાવ્યા છે. હવે જ્યારે દિલ્હીની ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક સાધુની તસવીર મૂકીને લખ્યું છે કે, ઔર લડો આપ મેં… સમાપ્ત કર દો એક દૂસરે કો… હરિયાણામાં પણ બંને અલગ અલગ ચૂંટણી લડ્યા. વોટ શેરની દ્રષ્ટિએ જોઈએ તો હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડ્યા હોત તો સરકાર એમની હોત. ભાજપ કરતાં પણ બંનેનો વોટ શેર વધી જાત. અત્યારે ભાજપે માત્ર પોઈન્ટ 85થી સરકાર બનાવી છે. એ વખતે કોંગ્રેસ રાઘવ ચઢ્ઢાને ઓફર કરી હતી કે તમને પાંચ સીટ આપીએ. સાથે મળીને લડીએ. પણ આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં હતી એટલે કોંગ્રેસની ઓફર નકારી દીધી અને બધી સીટ પરથી પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા ને આપની કારમી હાર થઈ. હરિયાણામાં આપના કારણે કોંગ્રેસના હાથમાંથી સત્તા ગઈ.
દિલ્હીમાં પણ એવું જ થયું. જો બંને સાથે મળીને લડ્યા હોત તો કદાચ ભાજપના હાથમાં સત્તા ન આવત. કારણ કે, આપનો વોટ શેર યથાવત રહ્યો છે અને કોંગ્રેસનો વોટ શેર ઓલમોસ્ટ ડબલ થયો છે. પણ દિલ્હીમાં ય બંને પક્ષ વચ્ચે તડાં પડી ગયા. દિલ્હીમાં કોંગ્રેસના કારણે આપના હાથમાંથી સત્તા સરકી ગઈ. દિલ્હીમાં વોટ શેર
ભાજપ – 46.82%
AAP – 43.26%
કોંગ્રેસ – 6.32% હરિયાણામાં વોટ શેર
ભાજપ – 39.94%
કોંગ્રેસ – 39.09%
AAP – 1.79% ગુજરાતમાં વોટ શેર
ભાજપ – 52.50%
કોંગ્રેસ – 27.28%
AAP – 12.92% 4. દિલ્હીના મુસ્લિમો, મિડલ ક્લાસ અને મહિલાઓ ભાજપ તરફ વળ્યા
દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું તારણ લોકસભાની ચૂંટણી પરિણામો પરથી જ નીકળી ગયું હતું. લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં 7 સીટ છે અને તમામ 7 સીટ પર ભાજપનો વિજય થયો હતો. લોકસભાની ચૂંટણીના 9 મહિના પછી વિધાનસભાની ચૂંટણી થઈ. તેના પરિણામોમાં પણ ભાજપને બહુમતી મળી છે. મહિલાઓની વાત કરીએ તો, ચૂંટણી પહેલાં મહિલાઓ મીડિયા સામે એવું કહી રહી હતી કે, અમારે બસમાં મફત મુસાફરી નથી જોઈતી. અમને શાકભાજી અને કરિયાણું સસ્તું આપે તેવી સરકાર જોઈએ છે. મુસ્લિમ મતદારો છેલ્લા દાયકાથી આપની સાથે હતા પણ કેજરીવાલે CAA-NRC અને શાહીન બાગ વિરોધ પર ખુલીને વાત કરી નહીં. કેજરીવાલે સોફ્ટ હિન્દુત્વ કાર્ડ રમ્યું એટલે મુસ્લિમો આ વખતે આપથી વિમુખ થયા.
વાત મિડલ ક્લાસની કરીએ. દિલ્હીની વસ્તીમાં મધ્યમ વર્ગ લગભગ 45% છે. રાષ્ટ્રીય સ્તરે મધ્યમ વર્ગ ભાજપને ટેકો આપે છે, પરંતુ દિલ્હીમાં તે આપની સાથે જાય છે. આ વખતે આપ પર ભ્રષ્ટાચારના આરોપોએ આ મતદારોમાં કેજરીવાલ અને AAPની છબીને નુકસાન પહોંચાડ્યું. મોદી સરકારના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી હતી. આ મધ્યમ વર્ગની આવક છે. મિડલ ક્લાસને મોદીની ગેરંટી પર વધારે વિશ્વાસ બેઠો અને આના કારણે મધ્યમ વર્ગ ભાજપ તરફ વળ્યો. ભાજપના CM કોણ? પાંચ વર્ષમાં ભાજપે ત્રણ CM બદલવા પડ્યા હતા
દિલ્હીમાં હંમેશાં કોંગ્રેસનું શાસન રહ્યું છે. એકવાર 1993થી 1998ના પાંચ વર્ષ દરમિયાન ભાજપનું એકવાર જ શાસન આવ્યું હતું. ભાજપને તેના પાંચ કાર્યકાળ દરમિયાન ત્રણ મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાના ભાજપ તરફથી મુખ્યમંત્રી બનનારા પહેલા વ્યક્તિ હતા. તે ફક્ત 27 મહિના જ આ પદ સંભાળી શક્યા અને તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ સાહિબ સિંહ વર્માને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ 31 મહિનાથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહ્યા. આખરે સુષ્મા સ્વરાજ 52 દિવસ માટે દિલ્હીના મુખ્યમંત્રી બન્યાં અને જ્યારે પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી હતી. હવે ફરી ભાજપ પાસે દિલ્હીની સત્તા ગઈ છે ત્યારે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે, દિલ્હીમાં ભાજપ CM પદે કોને બેસાડશે? અત્યારે ચર્ચા એ છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે? વિજય ગોયલ, કપિલ મિશ્રા, મનોજ તિવારી, વિરેન્દ્ર સચદેવાના નામ આગળ છે જ પણ પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા સૌથી વધારે મજબૂત દાવેદાર મનાય છે. એનું કારણ એ છે કે તે યુવા છે અને જાય સમુદાયનો મજબૂત ચહેરો છે. પંજાબની ચૂંટણીને ધ્યાને લઈ જાટ સમુદાય પર સારી છાપ પડે એટલે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. પ્રવેશ વર્માએ કેજરીવાલને હરાવ્યા છે. છેલ્લે,
કોંગ્રેસે ઝીરોની હેટ્રીક કરી છે પણ કોંગ્રેસને આ વખતના ઝીરોનો આનંદ છે કારણ કે, પોતે જીતે નહીં તો કાંઈ નહીં. કોંગ્રેસને રસ હતો કે આપ હારે. બદલાની આ રાજનીતિમાં કોંગ્રેસ જીતી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments