back to top
Homeગુજરાતહિરાસર એરપોર્ટના નવા ટર્મિનલનુ લોકાર્પણ:મુંબઈથી પહેલી ફલાઇટમાં આવતા મુસાફરોનું ગરબાથી સ્વાગત; ન્યૂ...

હિરાસર એરપોર્ટના નવા ટર્મિનલનુ લોકાર્પણ:મુંબઈથી પહેલી ફલાઇટમાં આવતા મુસાફરોનું ગરબાથી સ્વાગત; ન્યૂ ટર્મિનલમાં 1800 મુસાફરોનું હેન્ડલિંગ, 10 ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાન

રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. ત્યાં 326 કરોડનાં ખર્ચે નિર્મિત અદ્યતન નવા ટર્મિનલનુ આજે (9 ફેબ્રુઆરી) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વખતે ગુજરાત અને કાઠિયાવાડની ઓળખ ગણાતા ગરબા ઉપરાંત ભાંગડા રમવામાં આવ્યા હતા અને તેથી મુસાફરોએ પણ આ સ્વાગતને બિરદાવ્યું હતું. સાથે 23,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા અધ્યતન ટર્મિનલને નીહાળી આકર્ષણ અનુભવ્યું હતું. મુસાફરોએ કહ્યું કે, બિઝનેસ ક્લાસ અને વિદેશી મુસાફરોને આકર્ષવા માટે આ પ્રકારનું એરપોર્ટ ખરેખર જરૂરી હતું. આ ઈન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ વિભાગની મંજૂરી મળી ગઈ છે, જેનાથી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ મોકળો બની ગયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ગુડ્સ ડમ્પિંગ માટે ભારત સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ 10થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે. જોકે, આ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હંગામી ટર્મિનલ શરૂ થયાના પોણા બે વર્ષ બાદ પણ હજૂ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી. પહેલી ફ્લાઈટમાં મુબઈથી આવલા મુસાફરોએ આનંદ અનુભવ્યો
મુસાફર કેપ્ટન અનંત પવારે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનુ નવું ટર્મિનલ ખુબ જ અદ્યતન છે. ભારતમાં આવું એરપોર્ટ પણ હોઈ શકે છે તે જોઈને ખૂબ જ આનંદ થયો છે. મોદીના સમયમાં યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અન્ય મુંબઈના થાણેથી આવેલા મુસાફર નીલમ નારાયણે જણાવ્યું હતું કે, રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલમાં ગરબા રમી અમારું સ્વાગત કરવામાં આવ્યું. ખૂબ આનંદ થયો છે. અન્ય મુસાફર વૈશાલી કોટાલે પણ નવા ટર્મિનલ પર પહોંચીને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમનાં પતિ એડવોકેટ સુરેશ કોટાલે જણાવ્યું હતું કે, બિઝનેસ ક્લાસ વર્ગ અને વિદેશી મુસાફરોને આકર્ષવા માટે આ પ્રકારના એરપોર્ટ ટર્મિનલની જરૂરિયાત હતી અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અદ્યતન ટર્મિનલ તૈયાર થયું છે. તેનાથી ચોક્કસપણે વિદેશી મુસાફરો અને રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરવું ગમશે. મોરબીના નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, હું મુંબઈથી રાજકોટ ફ્લાઈટમાં આવ્યો છું અને આ નવું ટર્મિનલ ખુબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અહીં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ પણ બનાવવામાં આવી છે. જ્યારે પ્રીતિ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અમારો ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું તેનાથી ખૂબ જ આનંદ થયો. કસ્ટમની મંજૂરીથી કાર્ગો ફ્લાઈટ ઓપરેટના માર્ગ ખુલ્યા
રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એરપોર્ટ ખાતે ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટ થતાં ગુડ્સ લોડિંગ-અનલોડિંગ માટે મંજુરી આપવામાં આવી છે. જેને લીધે આગામી સમયમાં રાજકોટથી ગુડ્સ વહન અર્થે આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ ઓપરેટ કરી શકવાના માર્ગ ખુલ્યા છે. જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો માલસામાન દેશ પરદેશમાં વિમાન દ્વારા મોકલી શકશે. નવા ટર્મિનલમાં 14 એરક્રાફ્ટ પાર્કિંગની સુવિધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ હવે 23000 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલ નવા ટર્મિનલનુ બિલ્ડિંગ 326 કરોડનાં ખર્ચે સંપૂર્ણ તૈયાર થઇ જતા આજે આ નવું ટર્મિનલ લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. જોકે હાલ હંગામી ટર્મિનલ પરથી ઉડાન ભરી રહેલી 10 ફ્લાઈટ નવા ટર્મિનલ પરથી ઓપરેટ થશે. નવા ટર્મિનલને મુસાફરો માટે ખુલ્લુ મૂકી દેવામા આવ્યુ હતુ. નવા ટર્મિનલમાં 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 જેટલા સીસીટીવી કેમેરા, 4 એરોબ્રિજ અને એક સાથે 1800 મુસાફરો હેન્ડલ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. આજથી તમામ ફ્લાઈટનું ઓપરેશન નવા ટર્મિનલથી થશે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ મુંબઈની 4, દિલ્હીની 2, પુણે, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની 1-1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. આ તમામ ફ્લાઈટનુ ઓપરેશન આજથી નવા એરપોર્ટ ટર્મિનલ પરથી શરૂ થઈ જશે. 23,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ નવાી ટર્મિનલમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર, લોકો ટર્મિનલમાંથી સીધા ફ્લાઈટમાં પહોંચી શકે તે માટે 4 એરોબ્રિજ મુકવામાં આવ્યા છે. એરોબ્રિજ મુકવાથી દરેક ફલાઈટના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચી જશે. ટર્મિનલમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ-વિરાસતનો કંડારાઈ
આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખી 256 જેટલા CCTV કેમેરા, તેમજ 14 એરક્રાફ્ટના પાર્કિંગ માટે એપ્રન પણ છે. નવા ટર્મિનલમાં 3 કન્વેયર બેલ્ટ, 20 જેટલાં ચેક ઇન કાઉન્ટર, 1800થી વધારે મુસાફરોને હેન્ડલ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત દર કલાકે 300 મુસાફરો અવરજવર થઈ શકે તે માટેની સુવિધા ઊભી કરવામા આવી છે. સાથે આધુનિક ફાયર એલાર્મ સિસ્ટમ સહિત અનેકવિધ સુવિધાઓ છે. ટર્મિનલમાં ખાસ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વિરાસતનો સમન્વય કલાત્મક રીતે કંડારવામાં આવ્યો છે, જેમાં રણજીત વિલાસ પેલેસની કલાકૃતિને આધારિત ઇન્ટિરિયર કરાયું છે. દિલીપ બિલ્ડકોને એરપોર્ટનું કામ કર્યું
નોંધનીય છે કે, રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ ઉઠતા વર્ષ 2017માં મે મહિનાની અંદર કેન્દ્ર સરકાર દ્વારા હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સાઈટ ક્લિયરન્સને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી ઓક્ટોબર 2017માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયએ પર્યાવરણીય મંજૂરી આપી હતી. વર્ષ 2018માં ઓગસ્ટ મહિનાની અંદર નાણાકીય બીડ ખુલી અને દિલીપ બિલ્ડકોન સૌથી ઓછી બીડર તરીકે પસંદગી પામી હતી. ફેબ્રુઆરી 2019માં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ મંજૂરી આપતા જૂન 2019માં કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ એરપોર્ટને 1405 કરોડથી સુધારીને 2654 કરોડ મંજુર કરવામાં આવ્યા હતાં. બાદમાં કામ શરૂ થતા 27 જુલાઈ 2023ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરી હંગામી ટર્મિનલ સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગોની સુવિધા
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 2500 એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે. જાણો શું છે આ એરપોર્ટની ખાસિયત?
રાજકોટથી 35 કિલોમીટરના અંતરે હિરાસર ગામ આવેલું છે. જ્યાં 1032 હેક્ટરની વિશાળ જગ્યામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને ફ્લાઇટ માટે 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. કુલ 33,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા હાલનો રનવે 3040 મીટર લાંબો અને 25 મીટર પહોળાઈ ધરાવે છે. અહીંયાની ખાસિયત એ પણ છે કે એક જ કલાકમાં 14 ફ્લાઇટ ઉડાન ભરી શકશે અને ફ્લાઇટ લેન્ડ થયાની માત્ર 2 મિનિટમાં રનવે ખાલી પણ થઇ જશે. 7 બોર્ડિંગ ગેટની સુવિધા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં 2 કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1400 મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે. ઇન્ડિગો એરલાઇન્સનો થ્રી લેયર એકઝિટનો સફળ પ્રયોગ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ડિસેમ્બર 2023માં થ્રી લેયર એક્ઝિટનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે હાલ સફળ નિવડ્યો છે. ઇન્ડિગોની 8 માંથી 4 ફલાઇટમાં આ પ્રયોગ હાલ કરવામા આવી રહયો છે. જેમાં એન્ટ્રી માટેના 2 ઉપરાંત એક્ઝિટ માટે 2 ને બદલે 3 ગેટ રાખવામાં આવ્યા છે. જેને લીધે 7 મિનિટમાં ફ્લાઈટમાંથી ઉતરતા મુસાફરો માત્ર 4 મિનિટમાં ફ્લાઈટમાંથી ઉતરી શકે છે તેમજ મુસાફરો ઝડપથી એરપોર્ટથી બહાર નીકળી શકે છે જેમાં તેમના સમયનો પણ બચાવ થઇ શકે છે. જુના એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવું શક્ય નહોતું
રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર અને ગુજરાતનું અવિભાજ્ય અંગ માનવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માગ ઉઠી હતી, જે બાદ સર્વે થતા જુના એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવું શક્ય ન હતું. કારણ કે, જુના એરપોર્ટની ક્ષમતા મર્યાદિત હતી. જૂનું એરપોર્ટ બોઇંગ 737-800 અને એરબસ 320 કરતાં મોટા એરક્રાફ્ટને સેવા આપી શકતું ન હતું. એરપોર્ટની પૂર્વ બાજુએ રેલવે લાઇન અને સ્ટેટ હાઇવે હોવાને કારણે રનવેનું વિસ્તરણ પણ શક્ય ન હતું. આ પછી જૂના રાજકોટ એરપોર્ટથી 35 કિમી દૂર હિરાસર ગામ ખાતે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments