હું જામનગર મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ભણવા આવી પછી એમ.ડી. માટે મારે જી.જી. હોસ્પિટલમાં ભણવાની સાથે પ્રેક્ટિસ નોકરી પણ કરવાની હતી. દરમિયાન આ વિભાગના ડોક્ટર દીપક રાવલ જે અવારનવાર ખૂબજ ખરાબ નજરથી મારી સામે જોતા હતા પરંતુ સિનિયર હોવાના કારણે મને તેમનાથી ડર લાગતો હતો. તે મને નાપાસ કરશે તેવી બીકથી હું મનોમન મુંઝાતી હતી. આ ડોક્ટરનું ઘણી મહિલા રેસીડેન્ટ ડોક્ટર સાથે અશોભનીય અને શરમજનક વર્તન હતું. ઘણી વખત આ વ્યક્તિના કારણે અમારા પ્રત્યેની સ્ત્રી ભાવનાઓ તૂટી છે અને અમે ક્ષોભભરી સ્થિતિમાં મુકાયા હતા. આમ અવારનવાર થતું હતું. તે મોબાઈલમાં મારા ફોટા પાડતા અને પછી મને જ મોકલતા અને કહેતા કે આ ફોટામાં તું સુંદર લાગશ. આ ઉપરાંત ઘણા બધા મેસેજો પણ કરતા હતા. અમે જ્યારે ઓપરેશન થિયેટરમાં બીઝી હોઈએ ત્યારે આજુબાજુમાં આવીને કહેતા કે આજકાજ તું મારી સામે જોઈતી નથી, હું મનોમન શમશમી જતી હતી. રેસીડેન્સી દરમિયાન પાસ થવાની અને એકઝામમાં પાસ થવાની બીકે અને ડરથી જે તે સમયે મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ હવે પાસ થયા બાદ મને ફરિયાદ કરવાની હિંમત થઈ છે. આ શખ્સ સામે દર્દી અને પીજી કરતા રેસીડેન્ટોના હિતમાં યોગ્ય નિર્ણય કરવો જોઈએ. – પીડીત તબીબ મહિલા ડો. રાવલને ડીન સહિતનાઓ છાવરી રહ્યા છે
જાતીય સતામણીની ચોંકાવનારી ફરિયાદ છતાં મેડિકલ કોલેજના ડીન કે અન્ય કોઈએ ડો. દીપક રાવલ સામે પગલાં ન લીધા. જેના કારણે આ વ્યક્તિ બેફામ બની ગઈ અને મહિલાઓમાં તેનો ખૌફ ફેલાઈ ગયો. જો યોગ્ય સમયે પગલાં લેવામાં આવ્યા હોત તો જાતીય સતામણીની આવી અનેક ઘટનાઓ સામે ન આવી હોત. આધારભૂત સૂત્રો જણાવે છેકે, વિભાગીય વડા દ્વારા પણ આ ડોકટર સામે અનેક રજૂઆતો અને ફરિયાદો કરાઇ હતી પરંતુ તેના પર કોઇ ધ્યાન અપાયું ન હતું.