ડિરેક્ટર અનુભવ સિંહાએ તાજેતરમાં તેના પર્સનલ અને પ્રોફેશનલ જીવન વિશે વાત કરી. તેણે જણાવ્યું કે તેની અને અજય દેવગનની છેલ્લી વાત ફિલ્મ ‘કેશ’ દરમિયાન થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને 18 વર્ષ થઈ ગયા છે, પણ અજય અને અનુભવે ક્યારેય એકબીજા સાથે વાત કરી નથી. ડિરેક્ટરે આ માટેનું કારણ પણ જણાવ્યું હતું. અનુભવે અજય સાથે વાત ન કરવાનું કારણ જણાવ્યું
અનુભવ સિંહાએ લલ્લાન્ટોપ સાથે વાત કરતા કહ્યું, અમારી વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો થયો નથી. તે મારી સાથે વાત જ નથી કરતો અને મને ખબર નથી કે શા માટે. ફિલ્મ ‘કેશ’ બની ત્યારથી અમે એકબીજાને મળ્યા પણ નથી. કદાચ તે મને અવગણે છે અથવા તેના મનમાં કંઈક બીજું હોઈ શકે છે. મેં તેને બે-ત્રણ વાર મેસેજ પણ કર્યો, પણ તેના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. તો મેં મનમાં વિચાર્યું કે કદાચ તે ભૂલી ગયો હશે અથવા તેણે મારો મેસેજ જોયો નહીં હોય. પણ, અમને વાત કર્યાને લગભગ 18 વર્ષ થઈ ગયા છે. ‘અમારી વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો નથી’
ડિરેક્ટરને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની વચ્ચે કોઈ વિવાદ થયો હતો? જેના જવાબમાં તેણે કહ્યું- ના, અમારી વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો નથી. હા, તે સમયે પ્રોડ્યૂસર અને ફાઇનાન્સર વચ્ચે વિવાદ હતો. ડિરેક્ટરને પૂછવામાં આવ્યું કે શું અજય દેવગન જેમાં કામ કરવા માંગતા હતા તે કોઈ ગીત અંગે કોઈ વિવાદ છે? જવાબમાં તેમણે કહ્યું – કોઈપણ ગીતને લઈને કોઈ વિવાદ થયો નથી. ‘યારો કે યાર હૈ અજય દેવગન’
ડિરેક્ટર અનુભવે અજયના વખાણ કરતા કહ્યું- અજય મારા ફેવરિટ કલાકારોમાંનો એક હતો. મને તે એક કલાકાર અને એક વ્યક્તિ તરીકે ખૂબ ગમતો. મને તેની સાથે રહેવું અને કામ કરવું ખૂબ ગમ્યું. તે બધા સાથે મિત્રની જેમ વર્તે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે અજય હંમેશા પોતાના મિત્રને મદદ કરવા માટે સૌથી પહેલા ઊભો રહે છે. ફિલ્મ ‘કેશ’ 2007માં રિલીઝ થઈ હતી
ડિરેક્ટર અનુભવ સિંહાની ફિલ્મ “કેશ” 2007 માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અજય દેવગનને લીડ રોલમાં કાસ્ટ કરાયો હતો. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, એશા દેઓલ, રિતેશ દેશમુખ, શમિતા શેટ્ટી અને દિયા મિર્ઝા પણ મુખ્ય ભૂમિકામાં હતા.