પાટણ શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારો કરતાં સરકારે નગરપાલિકાને વધુ ચાર નવા છોટા હાથી વાહનો ફાળવ્યા છે. આ નવા વાહનોના ઉમેરા સાથે શહેરમાં ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા છોટા હાથી વાહનોની કુલ સંખ્યા 17થી વધીને 21 થઈ ગઈ છે. સ્વચ્છ ભારત મિશન 1.0 અંતર્ગત ફાળવાયેલા આ ચાર નવા વાહનોની કુલ કિંમત રૂ. 38 લાખ છે. નગરપાલિકાના સ્વચ્છતા શાખાના એન્જિનિયર પંકજ પરીખના જણાવ્યા અનુસાર, આરટીઓ પાસિંગ પૂર્ણ થયા બાદ આ વાહનો કાર્યરત કરવામાં આવશે. વર્તમાન સ્થિતિમાં નગરપાલિકાના 17 છોટા હાથી વાહનો પૈકી ત્રણ વાહનો બિમાર હાલતમાં છે. આ ત્રણેય વાહનોના રિપેરિંગ માટે અનુક્રમે રૂ. 93,831, રૂ. 96,906 અને રૂ. 96,084નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ વાહનો વારંવાર ગરમી પકડવા અને વધુ ઓઇલ વપરાશની સમસ્યાઓથી પીડાય છે. નગરપાલિકાની તાજેતરની સામાન્ય સભામાં વાહનોના નિયમિત મેઇન્ટેનન્સ માટે વાર્ષિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વાહન શાખાના બે કન્ટેનરોના રિપેરિંગ માટે અનુક્રમે રૂ. 55,000 અને રૂ. 48,000નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પગલાંથી શહેરની સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે થઈ શકશે.