ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે મંગળવારે સવારથી જ શહેરીજનોને ઠંડીમાં રાહત અનુભવાઈ હતી. લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 45 ટકા રહ્યું હતું અને 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. છેલ્લા પાંચ દિવસના તાપમાનના આંકડા જોઈએ તો, શુક્રવારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી, શનિવારે 15.4 ડિગ્રી, રવિવારે 16.9 ડિગ્રી અને સોમવારે 17 ડિગ્રી નોંધાયું હતું. આમ, બે દિવસમાં તાપમાનમાં લગભગ બે ડિગ્રીનો વધારો થયો છે. મહત્તમ તાપમાન પણ 29.2 ડિગ્રીથી વધીને 33.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી યથાર્થ સાબિત થઈ રહી છે અને સતત બીજા દિવસે પણ ઠંડીનું જોર ઘટ્યું છે. પવનની ઝડપમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ગત સપ્તાહે 18 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને હવે 12 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. આ ઉપરાંત, હવામાં ભેજનું પ્રમાણ 29 ટકાથી વધીને 45 ટકા થયું છે, જેના કારણે લોકોને ઠંડીમાં રાહત મળી રહી છે.