વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં નર્મદ ભવન ખાતે 10મી અને 11મી ફેબ્રુઆરી 2025 દરમિયાન “વિશેષ કલા પ્રદર્શન”નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાકડું, પથ્થર અને સિપોરેક્સ કાટકામના અદ્ભુત શિલ્પોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ કલા મહોત્સવમાં શ્રી અજિંક્ય બારડે અને દીપિકા ગૌતમ વિશેષ માર્ગદર્શક તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. ગતરોજ 10મી ફેબ્રુઆરીએ સાંજે 5:00 વાગ્યે યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડો. આર. સી. ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું હતું. ફાઈન આર્ટસના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના શિલ્પકલાના વિદ્યાર્થીઓ તેમની કલાકૃતિઓ રજૂ કરશે. પ્રદર્શનના સફળ આયોજન માટે કૃણાલ કણસારા, જેનિશ વાઘ, આકાશ ભોયા અને રાહુલ કણથરિયા જેવા વિદ્યાર્થીઓ સંયોજક તરીકે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ અનોખું પ્રદર્શન સર્વજન માટે નિઃશુલ્ક ખુલ્લું રાખવામાં આવ્યું છે. કલા રસિકો માટે આ એક દુર્લભ અવસર છે, જ્યાં તેઓ યુવા કલાકારોની પ્રતિભા અને સર્જનાત્મકતાનો સાક્ષાત્કાર કરી શકશે.