દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. વેરાવળની યુવતી પોતાની બહેનને મળવા દ્વારકા આવી હતી, ત્યારે રૂપેણ બંદર વિસ્તારના સબીર ઈસ્માઈલ ભેસલીયા નામના શખ્સે તેમને પરેશાન કર્યા હતા. શનિવારે બપોરે અને સાંજે આરોપીએ યુવતીને ફોન કર્યો હતો, જેના જવાબમાં તેની બહેને ફોન ન કરવા સ્પષ્ટ શબ્દોમાં મનાઇ કરી હતી. રાત્રે લગભગ સાડા દસ વાગ્યે આરોપી સબીર યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં ઘૂસી જઈને યુવતીની બહેન સાથે સંબંધ બાંધવાની માંગણી કરી હતી. યુવતીએ આ માગણીનો ઈનકાર કરતાં આરોપીએ છરી કાઢીને હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી સબીર ભેસલીયાની ધરપકડ કરી છે અને તેની સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમાના નેતૃત્વમાં આગળની તપાસ ચાલી રહી છે.