‘ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ટ’માં યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના વાંધાજનક નિવેદન બાદ વિવાદ સતત વધી રહ્યો છે. દરમિયાન, યુટ્યૂબે આ વીડિયો દૂર કરી દીધો છે. કેસ નોંધાયા બાદ, મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો છે. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા, સહકાર આપવા અને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ NHRC એ યુટ્યૂબને પત્ર લખીને આ એપિસોડને પ્લેટફોર્મ પરથી દૂર કરવાની માગ કરી હતી. જોકે, રણવીર અલ્હાબાદિયાએ આ મામલે માફી પણ માગી લીધી છે. NHRC એ યુટ્યૂબને વિવાદાસ્પદ એપિસોડ દૂર કરવા કહ્યું હતું
NHRCના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ કહ્યું હતું કે યુટ્યૂબને મોકલવામાં આવેલી ફરિયાદમાં, શો દ્વારા નકારાત્મકતા, ભેદભાવ, ધાર્મિક અને સાંસ્કૃતિક અસહિષ્ણુતા અને મહિલાઓ અને બાળકો પ્રત્યે અપમાનજનક અને અશ્લીલ બાબતોના પ્રસારણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વધુમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે, આ શો અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટનું પ્રસારણ કરે છે અને ભ્રામક મેસેજો ફેલાવીને સમાજમાં ખોટી માનસિકતાને પ્રોત્સાહન આપે છે. જાણો સમગ્ર મામલો
‘ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ટ’ એ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો છે, જે વિવાદનો સામનો કરી રહ્યો છે. આ એપિસોડ 8 ફેબ્રુઆરીના રોજ યુટ્યૂબ પર રિલીઝ થયો હતો. આ શોમાં બોલ્ડ કોમેડી કન્ટેન્ટ છે. આ શોના વિશ્વભરમાં 73 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ શોમાં માતા-પિતા અને મહિલાઓ વિશે એવી વાતો કહેવામાં આવી હતી, જેનો દિવ્ય ભાસ્કર અહીં ઉલ્લેખ કરી શકતું નથી. રણવીર, સમય રૈના, અપૂર્વ માખીજા વિરુદ્ધ FIR
બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ આશિષ રાયની ફરિયાદ બાદ, મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં રણવીર અલ્હાબાદિયા, ઈન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા, કોમેડિયન સમય રૈના અને ‘ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ટ’ શોના આયોજકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તે જ સમયે, આસામમાં પણ FIR નોંધવામાં આવી છે. ભોપાલમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન
ભોપાલમાં પણ, હિન્દુ સંગઠન ‘સંસ્કૃતિ બચાવો મંચ’ એ વાઈરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાને ભોપાલ ન આવવા ચેતવણી આપી છે. ‘સંસ્કૃતિ બચાવો મંચ’ના પ્રમુખ ચંદ્રશેખર તિવારીએ આજ તક સાથે વાત કરતા કહ્યું, ‘જે માતાપિતાના પગ નીચે સ્વર્ગ છે અને માતા જેમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે તેના પર જે રીતે ટિપ્પણીઓ કરવામાં આવી છે તે દર્શાવે છે કે આ લોકો કેટલા ખરાબ છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ , આ સંબંધિત સમાચાર વાંચો.. PMના હસ્તે એવોર્ડ મેળવનારા રણવીર અલ્લાહાબાદિયાએ અશ્લીલતાની હદ વટાવી, FIR થઈ મુંબઈમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજા, કોમેડિયન સમય રૈના અને ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોના આયોજકો વિરુદ્ધ માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો..