વડોદરા કોર્પોરેશનના ભાજપના માજી ડેપ્યુટી મેયર યોગેશ પટેલ (મુક્તિ)ને કોર્ટે દસ વર્ષ જુના કેસમાં 6 માસની સજા અને રૂપિયા 1 હજારનો દંડ ફટકાર્યો છે. તેઓએ જેતે સમયે વોર્ડ ઓફિસરની દબાણની કામગીરીમાં અડચણ ઉભી કરી લાફો માર્યો હતો. માજી ડેપ્યુટી મેયરને સજાનો હુકમ થતાં શહેરના રાજકારણમાં ચકચાર મચી ગઇ છે. માજી ડેપ્યુટી મેયરે વોર્ડ ઓફિસરને લાફો માર્યો હતો
આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2014માં વહિવટી વોર્ડ નંબર 8માં જગમાલ નંદાણીયા વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ તેઓ દબાણ શાખાને સાથે રાખી પોલીસ બંદોબસ્ત સાથે કારેલીબાગ અમીતનગર સર્કલ તેમજ વુડા સર્કલ પાસે રોડ ઉપરના લારી-પથારાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન સત્તાના નશામાં ભાજપાના સ્થાનિક કાઉન્સિલર યોગેશ પટેલ (મુક્તિ) આ કામગીરીમા અડચણ ઉભી કરી વોર્ડ ઓફિસરને લાફો મારી દીધો હતો. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે માજી ડેપ્યુટી મેયરને છ માસની સજા ફટકારી
આ કેસના આવેલા ચુકાદા અંગે પૂર્વ વોર્ડ ઓફિસર જગમાલ નંદાણીયાએ જણાવ્યું હતું કે, વહિવટી વોર્ડ નંબર 8માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. કારેલીબાગ અમીતનગર સર્કલ પાસે રોડ ઉપર દબાણ કરેલી લારીઓ જપ્ત કરી ટેમ્પોમા ભરાવી હતી. તે સમયે પૂર્વ કાઉન્સિલર યોગેશ પટેલ (મુક્તિ) આવી પહોંચ્યા હતા અને ટેમ્પોમાથી લારીઓ ઉતારાવી હતી. સરકારી કામમાં અડચણ ઉભી કરી હતી. આ ઉપરાંત તેઓએ જાહેર માર્ગ ઉપર ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું અને મને લાફો મારી દીધો હતો. બ્લડપ્રેશર વધી જતા હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. દરમિયાન મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે માજી ડેપ્યુટી મેયરને છ માસની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપાના એક વર્તમાન કાઉન્સિલરને ચેક રીટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.