back to top
HomeભારતEDITOR'S VIEW: કૉંગ્રેસે AAPની કુકરી ગાંડી કરી:હવે પંજાબ બચાવવા કેજરીવાલના હવાતિયાં, માન...

EDITOR’S VIEW: કૉંગ્રેસે AAPની કુકરી ગાંડી કરી:હવે પંજાબ બચાવવા કેજરીવાલના હવાતિયાં, માન સરકારનું કાઉન્ટડાઉન શરૂ? ભાજપે પણ મમરો મૂકી દીધો

પંજાબ અને દિલ્હી. આ બે રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી. હવે આપના હાથમાંથી દિલ્હી ગયું. આપને આની કળ વળી નથી ત્યાં કોંગ્રેસે એવું કહીને કુકરી ગાંડી કરી કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર પછી આમ આદમી પાર્ટીના 30 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને પંજાબમાંથી પણ આપની સરકાર ગમે ત્યારે પડી જાય તેમ છે. કોંગ્રેસના આ દાવા પછી આપમાં દોડાદોડી થઈ ગઈ. દિલ્હીમાં તાબડતોબ મિટિંગ ગોઠવાઈ. આવું એટલે કરવું પડ્યું, કારણ કે જો આપના હાથમાંથી પંજાબ જાય તો પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જાય તેમ છે. નમસ્કાર કોંગ્રેસના આક્ષેપ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આપના તમામ ધારાસભ્યોની મિટિંગ બોલાવી. 30 મિનિટ ચાલેલી આ મિટિંગમાં કેજરીવાલે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. આપના પંજાબના ધારાસભ્યો અત્યારે તો કેજરીવાલની ભાષા બોલી રહ્યા છે કે, હમ સબ એક હૈ. પણ આ રાજનીતિ વાવાઝોડાં જેવી છે. કોણ, ક્યારે કઈ દિશામાં ફંટાઈ જાય તે કહી શકાય નહીં. કોંગ્રેસે આપને દોડતી કરી દીધી
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વચ્ચે ટપલી દાવ રમાઈ રહ્યો છે. હરિયાણામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવી, દિલ્હીમાં કોંગ્રેસે આપને હરાવી. હવે પંજાબ મુદ્દે કોંગ્રેસે આપને દોડતી કરી દીધી છે. કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ એવી વાત વહેતી કરી કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી શરમજનક હાર પછી એવું લાગે છે કે AAP પંજાબને બચાવવા આકાશ-પાતાળ એક કરશે. કારણ કે પંજાબમાં આમ આદમી પાર્ટીને દેખાઈ ગયું છે કે પોતાનું ભવિષ્ય જોખમમાં છે. આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વએ પંજાબમાં પોતાની સરકાર બચાવવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે અને કદાચ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસે ત્યાં સુધી કહ્યું કે, પંજાબમાંથી પણ આમ આદમી પાર્ટી જશે, કારણ કે આપના 30 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. મિટિંગમાં ક્યારે, શું થયું…? પંજાબ સરકારમાં કોઈ ફેરફાર અંગે કોઈ ચર્ચા નહીં. ભગવંત માનનું મુખ્યમંત્રી પદ દાવ પર!
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાજવાએ જણાવ્યું હતું કે ભગવંત માનના નબળા નેતૃત્વ હેઠળ પંજાબમાં AAP સરકાર પોતાના વચનો પૂરા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે, જેમાં ખાણકામમાંથી વાર્ષિક 20,000 કરોડ રૂપિયાની કમાણી, કાયદો અને વ્યવસ્થામાં સુધારો અને ડ્રગ્સના દુષ્કર્મ અને ભ્રષ્ટાચારનો અંત લાવવાનો સમાવેશ થાય છે. પણ આમ આદમી પાર્ટી આમાંથી કોઈ એક કામ પણ પૂરું કરી શકી નથી એટલે માનનું મુખ્યમંત્રીપદ જ દાવ પર છે. ચાર મહિનાથી પંજાબ સરકારની કેબિનેટ બેઠક મળી નથી
ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં પંજાબ સરકારની કેબિનેટની મિટિંગ મળી હતી. પણ કેબિનેટ બેઠક ફરીથી મુલતવી રાખવા બદલ AAP સરકારની ટીકા કરતાં બાજવાએ કહ્યું કે પંજાબમાં છેલ્લી કેબિનેટ બેઠક 5 ઓક્ટોબર-2024એ મળી હતી. પંજાબના પ્રજાના મુદ્દાઓ પ્રત્યે AAP સરકાર કેટલી ઉદાસીન છે અને તેમના કાર્યો પ્રત્યે કેટલી બેજવાબદાર તેના પરથી આનો અંદાજ લગાવી શકાય છે, કારણ કે છેલ્લા ચાર મહિનાથી કેબિનેટ બેઠક બોલાવવાની તસ્દી લીધી નથી. બાજવાએ કહ્યું, ‘પંજાબ નાદારીના આરે છે. રાજ્યમાં ડ્રગ્સનો મુદ્દો કાયમી સળગી રહ્યો છે. બીજા મુદ્દાઓ પણ મોટા પાયે ઊભા થઈ રહ્યા છે. તેમ છતાં, પંજાબના મુખ્યમંત્રી ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને દિલ્હીમાં પાર્ટીની બેઠકો જેવા બિનમહત્વપૂર્ણ બાબતોમાં વ્યસ્ત છે. કેજરીવાલ ભગવંત માનને હટાવશે?
સોમવારે કોંગ્રેસે એવું જણાવ્યું કે, પંજાબના આપના 30 ધારાસભ્યો સંપર્કમાં છે ત્યારથી આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ. કેજરીવાલે દિલ્હીના કપૂરથલા હાઉસમાં આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓ, પંજાબના ધારાસભ્યો, સાંસદો સાથે મિટિંગ કરી. મિટિંગમાં મનીષ સિસોદિયા પણ હતા. કેજરીવાલે પંજાબ આપમાં વધી રહેલા અસંતોષનું વિશ્લેષણ કર્યું હતું. 30 મિનિટમાં મિટિંગ પૂરી થઈ ગઈ હતી અને બહાર આવીને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મીડિયાને કહ્યું કે, દિલ્હી ચૂંટણી દરમિયાન AAPની પંજાબની શાખાએ સખત મહેનત કરી હતી. પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે. પછી તે વીજળી, શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં હોય. અમે આ કાર્યોને વધુ ગતિ આપીશું. આમ આદમી પાર્ટીના 10 વર્ષના શાસન દરમિયાન દિલ્હીમાં જેટલું કામ થયું છે તેટલું છેલ્લા 75 વર્ષમાં થયું નથી. જીત અને હાર ચૂંટણી રાજકારણનો એક ભાગ છે. અમે દિલ્હીના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું. અમે પંજાબને એક મોડેલ રાજ્ય તરીકે વિકસાવીશું. અમે એવું પંજાબ મોડેલ બનાવીશું કે આખો દેશ જોશે. પાર્ટીના સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે બેઠકનો એજન્ડા દિલ્હી ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરવાનો અને 2027ની શરૂઆતમાં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવાનો હતો. વિરોધ પક્ષો – કોંગ્રેસ અને ભાજપે દાવો કર્યો છે કે કેજરીવાલ ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે મિટિંગ ખતમ કરીને બહાર આવેલા મોટાભાગના ધારાસભ્યોએ એવું કહ્યું કે, પંજાબમાં માન જ મુખ્યમંત્રી રહેશે. તેને બદલવાની કોઈ વાત નથી. ભાજપે કહ્યું, માન સરકારનું કાઉન્ટડાઉન શરૂ
પંજાબમાં ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળતા અને કેજરીવાલ અને ભગવંત માન વચ્ચે વધતા તણાવને કારણે પાર્ટીમાં અશાંતિ હોવાની અટકળોને વેગ મળ્યો છે. વિરોધ પક્ષોએ દિલ્હીમાં પંજાબ સરકારના ધારાસભ્યોની બેઠક યોજવા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે પંજાબ પર ભગવંત માન નહીં પણ દિલ્હીમાં બેઠેલા અરવિંદ કેજરીવાલનું શાસન છે. ભાજપ નેતા તરુણ ચુગે દાવો કર્યો છે કે પંજાબમાં માન સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિલ્હી ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ ભગવંત માનને સાવચેત કરીને કહ્યું કે, કેજરીવાલ તેમને પદ પરથી હટાવવાની યોજના બનાવી રહ્યા છે. પંજાબમાં ક્યા પક્ષના કેટલા ધારાસભ્યો છે?
AAP – 93
કોંગ્રેસ – 16
શિરોમણી અકાલી દળ – 3
ભાજપ – 2
બસપા – 1
અપક્ષ – 1
કુલ – 117 ધારાસભ્યો
પંજાબમાં 3 વર્ષથી આપનું શાસન, માત્ર વચનોની લ્હાણી
10 માર્ચ 2022ના રોજ પંજાબમાં AAP સરકારની રચના થઈ. જેને લગભગ 3 વર્ષ થઈ ગયા છે. આમાં તેમનું સૌથી મોટું વચન 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપવાનું હતું. જોકે, તે હજુ સુધી પૂરું થયું નથી. આ ઉપરાંત, ખાણકામમાંથી 20 હજાર કરોડ કમાવવા, સમગ્ર પંજાબમાંથી ડ્રગ્સનું વ્યસન નાબૂદ કરવા, શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના આરોપીઓને સજા આપવા જેવા મોટા વચનો પૂરા થઈ શક્યા નથી. ટૂંકમાં દિલ્હીમાં આપ સરકારે હઈસો… હઈસો… કર્યું તેવું જ પંજાબમાં ચાલી રહ્યું છે. કેજરીવાલ સમજી ગયા છે કે પંજાબના લોકોને પણ લાંબા સમય સુધી રેવડી નહીં બતાવી શકાય. એટલે જ ત્યાં સરકાર બચાવવા હવાતિયાં મારવાના ચાલુ કરી દીધા છે. પંજાબ પર આપનું ફોક્સ કેમ?
દિલ્હી પછી પંજાબ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આપે સરકાર બનાવી છે. હરિયાણામાં તેનો સફાયો થઈ ગયો. તે ગુજરાતમાં બીજા ક્રમે રહી. જોકે, હવે દિલ્હી છીનવાઈ ગયું છે અને 2027 માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં જો પંજાબ આપણા હાથમાંથી સરકી જાય તો AAPનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જશે. કેજરીવાલ પંજાબ હાથમાં રાખી રાજકારણ આગળ ધપાવવા માગે છે
દિલ્હીમાં AAPની સત્તા ગુમાવ્યા બાદ, અરવિંદ કેજરીવાલ હવે પંજાબમાં પોતાનું રાજકારણ ચલાવશે. અહીં થયેલા કામોને આગળ ધરીને તે અન્ય રાજ્યોમાં પ્રચાર કરશે. બે વર્ષ પછી પંજાબમાં ચૂંટણી છે, તેથી આ સમય દરમિયાન મોટા કામ કરીને દિલ્હીમાં પાર્ટીને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કારણ કે કેજરીવાલ પાસે પંજાબ જ એવું રાજ્ય છે જે આમ આદમી પાર્ટીને જીવનદાન આપી શકે છે. પંજાબમાં આપ સરકાર આવી ત્યારે મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. હજી આ યોજના શરૂ જ નથી થઈ શકી. જો આવું જ રહેશે તો પંજાબનું પરિણામ પણ દિલ્હી જેવું જ આવશે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments