ગોસિપ કરવી એટલે બીજાની વાતો કરવી- આપણે બધા તે કરીએ છીએ, ભલે મિત્રો સાથે હોય, પાડોશમાં કે પરિવારમાં. તેને ઘણીવાર સમય બરબાદ કરનારી આદત માનવામાં આવે છે, પણ સત્ય એ છે કે ગોસિપ કે ગપસપ આપણા સમાજ અને અંગત સંબંધોને સમજવાની મહત્ત્વની રીત છે. આ માત્ર મનોરંજન નથી પણ તેનાથી આપણને નવો દૃષ્ટિકોણ મળે છે, સુરક્ષાનો અહેસાસ થાય છે અને સમાજમાં એકતા આવે છે. ગોસિપ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને દુનિયાને સમજવામાં મદદ કરે છે. જ્યારે આપણે અન્યોના અનુભવો સાંભળીએ છીએ ત્યારે આપણને એ જાણવાની તક મળે છે કે સમાજ કેવાકેવાં કામ કરે છે. ગપસપ માત્ર મજા માટે નથી હોતી, પણ તે આપણને એ લોકોથી સાવધાન રહેવામાં પણ મદદ કરી શકે છે જે વિશ્વાસપાત્ર નથી. જો કોઈ પડોશમાં છેતરપિંડી થઈ રહી છે તો તે વાત સૌપ્રથમ ગપ્પા મારીને જ ફેલાય છે. જ્યારે લોકો એકબીજા સાથે વાત શેર કરે છે તો તેમાં અંદરોઅંદર વિશ્વાસ વધે છે. જ્યારે તે કોઈની છબી ખરડવા કે અફવા ફેલાવવા માટે કરાય છે તો તે નકારાત્મક રૂપ લઈ લે છે. પણ જ્યારે આ માહિતી શેર કરવા, શીખવા અને સતર્ક રહેવા કરાય છે તો તે જરૂરી સાબિત થાય છે. ભાવનાત્મક મજબૂતી મળે છે, કોમ્યુનિકેશન સ્કિલ સુધરે છે
સ્ટડી જણાવે છે કે ગોસિપની અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. તેનાથી સામાજિક જોડાણ મજબૂત થાય છે, જેથી એકલતા ઓછી અનુભવાય છે. તે આપણને ભાવનાત્મક સમર્થન આપે છે અને આત્મવિશ્વાસ વધારે છે. આપણે ગપ્પા મારીએ, ત્યારે આપણું મગજ વધુ સતર્ક રહે છે અને આપણી સંવાદ ક્ષમતા સુધરે છે. સમાજમાં નૈતિકતા જાળવી રાખવામાં પણ ગપસપની ભૂમિકા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિના ખોટા વ્યવહાર પર લોકો ચર્ચા કરે છે તો તે સ્વયંને બદલવા કે સુધારવા મજબૂર થઈ શકે છે. તેનાથી સમાજમાં નૈતિક સંતુલન જળવાય છે.