રાજ્ય સરકાર દ્વારા 9 ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા જ વિવાદ સર્જાયો છે. આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાના કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માગ કરી છે. તો બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે મંગાયો જવાબ માગવામાં આવ્યો છે. પ્રશ્નપત્ર-2ના ડી પ્રકારના પ્રશ્નપત્રમાં ગરબડની શંકા
પરીક્ષામાં પ્રશ્નપત્ર-1- અને પ્રશ્નપત્ર-2 એમ બે પ્રકારના વિષયોના પ્રશ્નપત્રો હતા. આ પ્રશ્નપત્રોમાં પ્રશ્નોના ક્રમ બદલવાની તેની પેટર્ન એબીસીડી રાખવામાં આવી હતી. આ પેટર્નમાં પ્રશ્નપત્ર-2ના ડી પ્રકારના પ્રશ્નપત્રમાં જવાબ એબીસીડી એટલે કે,પ્રશ્નનંબર-1નો જવાબ એ,પ્રશ્ન-2નો જવાબ બી,પ્રશ્ન-3નો જવાબ સી અને પ્રશ્ન-4નો જવાબ ડી. આ પછી પ્રશ્ન-5નો જવાબ એ,પ્રશ્ન-6નો જવાબ બી,પ્રશ્ન-7નો જવાબ સી અને પ્રશ્ન-8નો જવાબ ડી એમ ક્રમવાર આવે છે. ઉમેદવારોનું કહેવું એવું છે કે,કોઇપણ ઉમેદવાર 12થી16 પ્રશ્નો ઉકેલે એટલે તેને ખ્યાલ આવી જાય કે આમા પેટર્ન એબીસીડી છે એટલે આંખો મીચીને તે એબીસીડી તમામ પ્રશ્નોના જવાબ આપી શકે. આથી આ શંકાસ્પદ બાબત છે. 1903 જગ્યા માટે 53 હજાર પરીક્ષાર્થીએ પરીક્ષા આપી
સ્ટાફ નર્સની પરીક્ષામાં 1903 જગ્યા પર 53 હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી.આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા જીટીયુએ લીધી હતી. એટલે અમે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઉમેદવારોને અન્યાય થશે નહીં તેવી તેમણે ખાતરી આપી હતી. આન્સર કી મામલે જીટીયુના રજિસ્ટરનું નિવેદન
આન્સર કી મામલે જીટીયુના રજીસ્ટર કે.એન.ખેરે જણાવ્યું હતું કે, એક્સપર્ટ દ્વારા જે પેપર આપવામાં આવ્યું હતું તેની આન્સર કી ABCD ના સિક્વન્સમાં એમના દ્વારા રિપ્રેઝન્ટ કર્યું હતું. આ સંદર્ભે ચર્ચા કરવા માટે હેલ્થ કમિશનર પાસે ગયા હતા. સામાન્ય રીતે 3 એક્સપર્ટ પાસે પેપર સેટ કરાવતા હોય છે તેમાંથી 1 સેટ પ્રિન્ટિંગ માટે એજન્સીને આપતા હોય છે. પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ OMR શીટ સ્કેન થઈ વેબસાઈટ પર પ્રસિદ્ધ થયા બાદ આન્સર કી એજન્સીને આપતા હોય છે. એજન્સીને આન્સર કી આપ્યા બાદ આ પ્રકારની સિસ્ટમ ધ્યાનમાં આવી છે. આ ડેટાનો એનાલિસિસ કરી રહ્યા છે અને તેને આધારે જે વિગત હશે તે જણાવવામાં આવશે. જીટીયુનું સ્ટાફ કે એક્સપર્ટનું ઇન્વોલ્વમેન્ટ પેપર લીકેજ કે ગેરરીતિમાં ધ્યાનમાં આવ્યું નથી. માત્ર પ્રશ્નોની સિક્વન્સ ગોઠવવામાં આવી છે, એને લઇને સવાલો થઈ રહ્યા છે. પરીક્ષા આખી પૂર્ણ થયા બાદ જયારે આન્સર કી જાહેર ત્યારે ઉમેદવારો અને અમારા ધ્યાને આવ્યુ કે સિક્વન્સ માં સેટ કર્યું છે. પેપર સેટ કરનાર પાસે જવાબ માગવામાં આવ્યો
સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે જીટીયુ દ્વારા જવાબ માગવામાં આવ્યો છે. સિક્વન્સમાં ABCD જવાબો આપતા હોવાથી તપાસ કરાશે. GTUએ દાવો કર્યો હતો કે,પરીક્ષા સમયે ક્યાંય પણ ગેરરીતિની ફરિયાદ આવી નથી. સિક્વન્સ માં ABCD જવાબો અંગે તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરાશે. ગેરરીતિની આશંકા વચ્ચે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારને પોતાના મંડળ અને વિભાગો પર વિશ્વાસ નથી એટલે આરોગ્ય ખાતા દ્વારા 1903 જગ્યા માટે GTUને જવાબદારી સોંપી હતી. પરીક્ષાની આન્સર કીમાં ABCDની પેટર્ન જોવા મળી જે પ્રથમ રીતે સંદેહ વ્યક્ત કરે છે. અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં ગોલમાલ અને ગોટાળા સરકારની ઓળખ બની હતી. સરકારે સમગ્ર બાબતની અંદર તપાસ કરવાની જરૂર છે. કોંગ્રેસની માંગ છે કે સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ABCDનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો તેની તપાસ થાય.