રાજકોટ મનપાનાં મેયર નયનાબેન પેઢડીયા સરકારી ગાડી લઈને મહાકુંભમાં ગયા હોવાનું સામે આવતા તેનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા આ મુદ્દે ‘હાય રે મેયર હાય હાય’ ‘રાજકોટની પ્રજાને મહાકુંભમાં જવું છે, પ્રતિકિમી રૂ.2નાં ડરે ડ્રાઈવર સાથે ઇનોવા આપો’ સહિતનાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગાડી ઉપર કપડાં સૂકવીને મેયરના રાજીનામાંની માંગ સાથે નાયબ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ‘મેયરશ્રીને શરમ હોય તો રાજકોટની પ્રજાની માફી માંગે’
રાજકોટ આમ આદમી પાર્ટીનાં આગેવાનો-કાર્યકરો આજે મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચ્યા હતા. તેમજ ‘મેયરશ્રીને શરમ હોય તો રાજકોટની પ્રજાની માફી માંગે’, ‘પ્રજાનાં પૈસે સરકારી ગાડીમાં સગા-સંબંધી અને મિત્રોને ફરવા લઈ જાવ છો શરમ કરો’ ઉપરાંત ‘કુંભમાં સ્નાન કરવા ગરીબોને પણ જવું છે, પ્રતિકિમી રૂ.2નાં દરે કમિશનર ઇનોવા ગાડી ડ્રાઇવર સાથે આપો’ સહિતનાં બેનરો અને ‘મેયર હાય હાય’ રાજીનામું આપો રાજીનામું આપો મેયરશ્રી રાજીનામું આપો’ સહિતનાં સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ અને ‘આપ’નાં આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ
આ ઉપરાંત આમ આદમી પાર્ટીનાં આગેવાનોએ ગાડી ઉપર કપડાં સૂકવીને પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રગટ કર્યો હતો. ત્યારબાદ મ્યુ. કમિશનરને રજૂઆત કરવા જતાં વિજિલન્સ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ કારણે પોલીસ અને ‘આપ’નાં આગેવાનો વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. બાદમાં 5 આગેવાનોને રજૂઆત કરવા જવા દેવામાં આવ્યા હતા. જોકે મનપા કમિશનર હાજર નહીં હોવાથી નાયબ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મેયર પ્રજાના પૈસે તાગડધીંના કરે છેઃ આપ
આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટનાં મેયર નયનાબેન માત્ર રૂ. 2 પ્રતિકિમીમાં સરકારી ઇનોવા ડ્રાઇવર સાથે લઈને ગયા છે. હાલ બજારમાં 18 રૂપિયા પ્રતિકિમી ભાવ છે. રાજકોટની ગરીબ જનતાને પણ જવું છે. તેઓને પણ રૂ.2 પ્રતિકિમીનાં ભાવથી ગાડી આપવી જોઈએ. કારણ કે, મેયર પ્રજાના પૈસે તાગડધીંના કરે છે. ગરીબ પ્રજા મનપાને વેરા કઈ રીતે ચૂકવે છે તે તેમનું મન જાણે છે અને મેયર સરકારી ડ્રાઇવર તેમજ સરકારી ખર્ચે જાત્રા કરવા ગયા છે. આવી રીતે તમામ પ્રજાજનોને પણ જવું છે. આવી રીતે ટીઆરપી કાંડનાં પાપ ધોવાશે નહીં. ‘2 રૂપિયે કિલોમીટર લેખે પ્રજાને પણ ગાડી આપો’
આગામી દિવસોમાં મેયર પરત આવે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજીનામુ માંગવામાં આવશે. મેયરને શરમ આવવી જોઈએ. કમિશનરને પણ કહેવા માંગીએ છીએ કે, 2 રૂપિયે કિલોમીટર લેખે પ્રજાને પણ ગાડી આપો. હવે રેલો આવ્યો એટલે મેયર બજાર ભાવે પૈસા આપવા તૈયાર થયા છે. અત્યાર સુધી તેમના બહેનપણી તેમજ સગા-સંબંધીઓને લઈને ફરતા હતા ત્યારે મીડિયાને જવાબ પણ આપતા નહોતા. બજેટનું સત્ર ચાલુ હોય ત્યારે ફરવા જાવ છો શરમ નથી આવતી? સ્ટેન્ડિંગનાં લોકો પણ કહે છે કે, તમેં ફરી આવો અમે સંભાળી લેશું. ત્યારે પદાધિકારીઓને શરમ જ આવતી નહીં હોવાનું તેમજ પ્રજાના પૈસે હરવા-ફરવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.