સુરતના સચિન GIDC વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગને કારણે ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. 12 ફેબ્રુઆરી બુધવારના રોજ રામેશ્વર કોલોની નજીક યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલી એક દુકાનમાં ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક વૃદ્ધ મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. એના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતાં સચિન GIDC પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે સિલિન્ડરમાં બ્લાસ્ટ
સચિન અને આસપાસના વિસ્તારોમાં મોટે પાયે શ્રમજીવી પરિવારો વસે છે. મોંઘવારી અને દસ્તાવેજોના અભાવે તેઓ કાયદેસર ગેસ કનેકશન મેળવી શકતા નથી અને એનો લાભ ગેરકાયદે ગેસ રિફિલિંગ માફિયા ઉઠાવે છે. સચિન GIDC વિસ્તારમાં રામેશ્વર કોલોની નજીક યોગેશ્વરનગર સોસાયટીમાં આવેલી ભાડાની એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ગેસ-સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટના CCTVમાં કેદ
જોકે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બ્લાસ્ટ થતાં સીસીટીવી જોઇને અંદાજો લગાવી શકાય છે કે બ્લાસ્ટ કેટલો ભયંકર હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે દુકાનના શટરનો પણ કચ્ચરઘાણ બોલી ગયો હતો. ધડાકાભેર ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં દુકાનની અંદર જે નાનીમોટી ખાદ્ય સામગ્રીઓ હતી એ પણ રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી. 50 વર્ષીય મહિલાનું ગળું કપાતાં મોત નીપજ્યું
સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાનો મહિલા ભોગ બની છે. બ્લાસ્ટ દરમિયાન 50 વર્ષીય ભૂરી યાદવ નામની મહિલાનું પતરાથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે. મૃતક મૂળ બિહારના ચિત્રકૂટ ખાતે આવેલા શિવરામપુરાની વતની હતાં. મૃતક મહિલા પુત્રી હંસુ યાદવ સાથે સુરતમાં રહેતી હતી. મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. મહિલા સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતી હતી. ઘટનાની જાણ થતાં પુત્રીના પગ તળેથી જમીન સરકી પડી હતી. માતાના મોતથી પુત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી
મૃતકની દીકરી હંસુ યાદવે રડતાં રડતાં જણાવ્યું હતું કે મારી માતા આ ઘટના બની ત્યારે રોડ ક્રોસ કરીને જઈ રહી હતી. એકાએક જ ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે મારી માતાનું મોત થયું છે. જે પણ ગેરકાયદે રીતે ગેસ-સિલિન્ડર રિફિલિંગ કરતા હતા તેમની સામે પગલાં લેવા જોઇએ અને મને ન્યાય મળવો જોઇએ. હું અને મારી માતા એકલાં જ રહીએ છીએ. મારા પતિ પણ કેન્સરની બીમારીને કારણે અત્યારે સારવાર હેઠળ છે. અમે બંને મા-દીકરી કમાઈને ખાઈ રહ્યાં હતાં. ઘટનાથી અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહીં અમારા પરિવારના અન્ય કોઈ લોકો નથી. ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિના કારણે મેં મારી માતાને ગુમાવી છે.