દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. બુકીના લગ્નમાં અમદાવાદની મહત્ત્વની એજન્સીના પોલીસકર્મી મહેમાન બન્યા
અમદાવાદની મહત્ત્વની એજન્સીમાં નોકરી કરવા માટે અનેક લોકો પ્રયાસ કરતા હોય છે અને તેમાં પણ જ્યારે જેને તક મળે ત્યારે તે ખૂબ મહત્ત્વનો વ્યક્તિ બી જાય છે. આ એજન્સીના વ્યક્તિઓને તેની ગરિમાનું ક્યાંય ભાન રહેતું નથી અને તેના કારણે કેટલાક સારા પોલીસ કર્મચારીઓ બદનામ થાય છે. અમદાવાદમાં તાજેતરમાં સિંધુભવન રોડ પર એક ભવ્યાતિભવ્ય લગ્નનું આયોજન થયું. જે લગ્ન બનાસકાંઠાના એક જાણીતા બુકીના પરિવારના સભ્યના હતા. અહીંયા અનેક મહેમાનો હતા પણ આમંત્રણ જે વ્યક્તિનું હતું ત્યાં જવું કદાચ અઘરું હતું. પરંતુ આ એજન્સીના પોલીસ કર્મચારી જાણે જૂનો ઘરોબો હોય તેમ ત્યાં મહેમાનગતિ મેળવવા પહોંચી ગયા હતા. હવે અગાઉ આવી મહેમાનગતિમાં ગયેલા કેટલાક પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે અથવા તેમની સામે કાર્યવાહી થાય છે, ત્યારે આ વખતે આ લગ્ન પણ ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના એક PI અંગત વાત કરવા ક્રિકેટરોની બસમાં ચડી ગયા
અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડની મેચ પહેલાં ક્રિકેટરોને હોટલથી સ્ટેડિયમ લઈ જવા માટે પોલીસનો ચોક્કસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસને ખૂણે ખૂણે ગોઠવી દેવામાં આવ્યા હતા અને સહેજ પણ ગરબડ ના થાય તે માટે ખાસ ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે ક્રિકેટરો માટેની બસ હોટેલની અંદર પાર્ક થઈ હતી, પરંતુ ક્રિકેટરોને આવતા થોડો સમય લાગ્યો તે સમયે અહીંયા એક હાજર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને કદાચ બહુ અંગત કામ હશે એટલે મહત્ત્વનો ફોન આવ્યો અને તેણે બસનો દરવાજો ખખડાવ્યો અને બસમાં ચડી ગયા હતા અને બસમાં સીટ પર બેસીને તેઓ કોઈની સાથે અંગત વાતો કરી રહ્યા હતા. હવે આવું કરવાની જરૂર કેમ પડી અને પોલીસ ઇન્સ્પેક્ટરને એટલી શું અંગત વાત હતી કે તેઓ જાહેરમાં વાત કરવાની જગ્યાએ બસમાં ચડી ગયા અને દરવાજો બંધ થયા બાદ પોતે વાતો કરતા દેખાતા હતા. ત્રણ પોલીસકર્મી ભેગા મળી નદી કિનારે પીઆઇ ન હોવાથી બેફામ બન્યા
અમદાવાદના નદી કિનારે આવેલા એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર થોડા સમયથી બીજા કામમાં લાગેલા છે, પરંતુ આ પોલીસ સ્ટેશન જાણે તેમના માણસો ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છે, પરંતુ તેઓ ન હોય તે સમયે એક ત્રિપુટી આખા વિસ્તારમાં તરખાટમાં જ આવે છે. આ ત્રણમાં પોલીસ કર્મચારીઓ સામેલ છે અને તેઓ નદી કિનારે આવેલા પોલીસ સ્ટેશનની હદના ગુનેગારોને એકલામાં મળીને નવા પ્લાનિંગ કરે છે. અગાઉ પણ આ ત્રિપુટી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તરખાટ મચાવી ચૂકી છે. જેમાં એકાદ પીઆઇ બદલાઈ પણ ગયા છે, પરંતુ હવે તેઓ વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટરને અને સિનિયર અધિકારીને નુકસાન પહોંચાડે તેવી તૈયારીઓ કરી રહ્યા છે તેવું ચર્ચામાં છે. ક્રિકેટરોને જોવા ભીડ ભેગી થતા એક PSI ભડક્યા ને પોલીસકર્મીને શીખવાડવા લાગ્યા
અમદાવાદના હોટલમાં જ્યાં ક્રિકેટરો રોકાયા હતા ત્યાં તેમની એક ઝલક જોવા માટે લોકો દીવાના હતા તે સમયે જ્યારે ક્રિકેટરને જવાનો સમય થયો, ત્યારે હજારો લોકો રસ્તા ઉપર અને હોટલના ગેટ ઉપર ભેગા થવા લાગ્યા હતા. કોઈ દિવાલ પર પણ ચડી ગયા અને કોઈ ઝાડ પર ચડી ગયું હતું. ત્યારે બે પોલીસ કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા અને તેઓને કામ આવડતું નથી તેવું સમજાવવા માટે એક પીએસઆઇ ત્યાં દોડી ગયા અને એક અધિકારીને બોલાવીને કહે કે જો આ લોકો કામ કરતા નથી, ત્યારે આ પીએસઆઇને જોઈને અધિકારીનો પણ ફાંકો આવી ગયો અને તેમણે પણ નાના કર્મચારીઓને દમ મારવાનો શરૂ કર્યો, પરંતુ નાનક કર્મચારીઓ એવું કહેતા હતા કે સાહેબ તમે અમને અહીંયા જ ઉભું રહેવાનું કીધું હતું પછી અમે શું કરીએ આ સમગ્ર ઘટના બની ત્યારે બીજા અન્ય પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા અને લોકોનું ધ્યાન તેમના તરફ હતું. સ્પાના કારોબારી પોલીસકર્મી જિલ્લા બહાર પણ અમદાવાદમાં નવું સેટપ ગોઠવ્યું
એક એજન્સીના જાદુગરની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે, પરંતુ આ જાદુગરે અન્ય ભૂમિમાં જઇને પણ અમદાવાદ ભૂલ્યા નથી. જાદુગર દૂરથી બેઠા બેઠા અમદાવાદમાં ચાલી રહેલા સ્પા પર નજર રાખી રહ્યા છે. અમદાવાદથી તેમનું મન ઊઠી ગયું છે, પરંતુ અમદાવાદના સ્પામાં હજુ તેમનું મન છે જેથી તેઓ ત્યાંથી બેઠા બેઠા કારોબાર સંભાળી રહ્યા છે. મહત્વનું છે કે, અન્ય એજન્સીના વિવાદમાં આવીને તેમની જિલ્લા ફેર બદલી કરવામાં આવી હતી. અહીંયા તેના માણસોનું નવું નેટવર્ક ગોઠવ્યું છે અને હવે ફરી તે સક્રિય થયો હોવાનું ચર્ચામાં છે. ટીઆરપી જવાન ટાર્ગેટ પૂરો કરવા મેમોનું મશીન લઈને રસ્તા પર ઉતર્યો
ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે હેલ્મેટ ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે એક અધિકારીનો ટાર્ગેટ પૂરો ન થતો હોવાથી તેમને નીચેના અધિકારીને મેમો માટે દબાણ કરતા નીચેના અધિકારીઓએ ટ્રાફિક પોઇન્ટ પર મેમો આપવા કડક સૂચના આપતા હવે TRB જવાનો હાથમાં મેમો આપવાનું મશીન લઈને આડેધડ રસ્તા પર જતા લોકોને સત્તા ન હોવા છતાં મેમો આપી રહ્યા છે. TRB જવાનો જાણે પોતે જ પીઆઈ હોય તેમ લોકો પર રોફ જમાવીને મેમો આપે છે તો કેટલાક કિસ્સામાં સેટલમેન્ટ પણ કરી લે છે.