વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી વધુ સમયથી 2000થી વધુ ઝૂંપડાઓમાં રહેતા 12,000થી વધુ લોકોની વ્યથા કોઈ સાંભળતું નથી. આ વિસ્તારને વલસાડનું ‘ધારાવી’ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ સમુદાયના લોકો એકતાથી રહે છે. સ્થાનિક રહીશો નિયમિત રીતે નગરપાલિકામાં વેરો ભરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકાના સરકારી રેકોર્ડમાં આ વિસ્તાર હજુ પણ તળાવ તરીકે જ નોંધાયેલો છે. વેરાની રસીદમાં પણ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. દર ચૂંટણી સમયે સ્થાનિક નેતાઓ ઝૂંપડીઓને રહેવાસીઓના નામે કરવાનું આશ્વાસન આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ આ મુદ્દો વિસરાઈ જાય છે. સ્થાનિક લોકોએ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અન્ય આગેવાનો સાથે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પણ આવાસ માટે દરખાસ્ત રજૂ કરી હતી. નોંધપાત્ર છે કે સરકાર દ્વારા ફ્લેટની યોજના આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક રહીશોએ તેનો ઇનકાર કર્યો હતો. તેઓની માગણી છે કે જે જમીન પર તેઓ દાયકાઓથી વસવાટ કરે છે, તે જમીન તેમના નામે કરવામાં આવે. આ વિસ્તારમાં રહેતા લોકો વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પોતાની આજીવિકા મેળવે છે.