અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાનોલી નજીક આવેલી મીના હોટલ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેમણે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી વાહન ચાલકોને સાવચેતી રાખવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.