back to top
Homeગુજરાતખેરાલુમાં પાલિકાનો અણઘડ વહિવટ:લાખોના ખર્ચે બ્યુટીફીકેશન કરેલા તળાવમાં બાવળો ઉગ્યા, લોકોએ કહ્યું-...

ખેરાલુમાં પાલિકાનો અણઘડ વહિવટ:લાખોના ખર્ચે બ્યુટીફીકેશન કરેલા તળાવમાં બાવળો ઉગ્યા, લોકોએ કહ્યું- ’57 લાખનો રોડ 57 દિવસ પણ ન ટક્યો’

આગામી 16 જાન્યુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ શહેરમાં પણ પાલિકાની ચૂંટણી યોજાશે. જેને લઇને દિવ્ય ભાસ્કર ડિજિટલ ટીમે ખેરાલુ શહેરમાં પાલિકાએ કરેલો વિકાસ અને સ્થાનિકોને પડતી હાલાકી તાગ મેળવવા પ્રયાસ કર્યો છે. દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે ખેરાલુ શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે જ મુખ્ય માર્ગ પર ખાડા જોવા મળ્યા હતા, સાથે જ્યાં જોવો ત્યાં રોડ બિસમાર હાલતમાં જોવા મળ્યા હતા. ખેરાલુમાં આવેલા તળાવનું બ્યુટીફીકેશન થોડા વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. જ્યાં બાવળો ઊગી નીકળ્યા હોવાનું જોવા મળ્યું હતું. ખેરાલુના લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીંયા સૌથી મોટી સમસ્યા રોડ રસ્તા અને અનિયમિત આવતા પાણીની છે. નેતાઓ જનતાનું ચૂંટણી બાદ સાંભળતા નથી અને ક્યાંક ગુમ થઈ જાય છે એની જ ખબર નથી પડતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તો આવો આ અહેવાલમાં વિસ્તારથી જાણીએ ખેરાલુનો વિકાસ અને સ્થાનિરોની માંગ… લાખોના ખર્ચે બ્યુટીફીકેશન કરેલા તળાવમાં બાવળો ઉગ્યા
દિવ્ય ભાસ્કરની ટીમ મુખ્ય માર્ગ પાસે આવેલા તળાવની મુલાકાતે ગઈ હતી. જ્યાં જાણવા મળ્યું કે શહેરીજનો સારા વાતાવરણમાં બેસી શકે એના માટે તળાવ લાખો રૂપિયાના ખર્ચે સુંદર બનાવવામાં આવ્યું હતું. જ્યાં તળાવની ફરતે આરસના ટુકડા નાખી ચાલવા માટે વોકવે, બાળકો માટે રમત ગમતના સાધનો અને બેસવા માટે બાંકડા મુકવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક પાલિકાના અણઘડ વહીવટના કારણે તળાવની ફરતે ગાંડા બાવળો ઊગી નીકળ્યા છે અને આ જગ્યા પર લોકો શૌચ માટે ઉપયોગ કરવા લાગ્યા છે. રમતગમતના સાધનો પણ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે અને સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં પડી છે. ‘ચૂંટણી બાદ બધા નેતાઓ ઉડી જાય છે’
આ બાદ અમારી ટીમ વોર્ડ નંબર-2માં ગઇ તો અહીં ઉભેલી કેટલીક મહિલા સાથે વાત કરવા પ્રયાસ કરતા ત્યાં રહેતા દક્ષાબેન મોદીએ જણાવ્યું હતું કે, અમારે અહીંયા કોઈ વિકાસ નથી. અમારા મહોલ્લામાં એક દરવાજો નાખવાનો કહ્યો તો કોઈ જોવા નથી આવ્યું. એક થાંભલો હટાવવા કહ્યું એપણ કોઈ જોવા નથી આવ્યું. પાણી ટાઈમ વગર આવે છે. આવે તો બપોરે એક વાગ્યે આવી જાય, નહીતો બે દિવસે પણ ના આવે. અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા બરોબર નથી. કચરો ભરવા કોઈ ગાડી આવતી નથી. અમારા વિસ્તારમાં કોઈ સફાઈ કરવા આવતું નથી. નેતાઓ ચૂંટણી સમયે બહુ મોટા વચનો આપે છે જેમ કે તમારા મહોલ્લામાં આવ કરશું તે કરશું….ત્યારબાદ કોઈ જોવા કે ફરકવા આવતું નથી. નેતાઓ બધા ઉડી જાય છે, કઈ બાજુ જાય છે એજ ખબર નથી..વધુમાં જણાવ્યું કે ભાજપના અને કોંગ્રેસના રૂપિયા સૌ પાસે આવે છે એટલે એમના બંગલા બની જાય છે. ચોમાસામાં અહીંયા પાણીના કારણે ખાડા પડી જાય છે અને પડી જવાની બીક રહે છે. હવે તો કામ થશે તો જ વોટ આપશું’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા લીલતાબેન ઓઝા જણાવે છે કે, ચૂંટણી બાબતે ઘણું બધું કહેવુ છે પણ શું કહેવું….? અમારા મહોલ્લા સામે આવેલા સંઘના ઓટલે બધા પી..પી..બેસી રહે છે. રાત્રે છોકરીઓને આવવું જવું હોય તો જઇ ન શકે. ઘણીવાર પીધેલા વચ્ચે મારપીટ થતી હોય. નગરપાલિકા લગતી સમસ્યા અગાઉ રજૂઆત કરી હતી. એક તો પાણીની તકલીફ છે. રોડ જ્યાં બન્યા ત્યાં ખાડા વાળા બન્યા છે. જેના કારણે પાણી ભરાઇ રહે છે. નવા કપડાં પહેરી ગયા હોય તો બગડી જાય. અમે કોઈ પક્ષને મહત્વ નથી આપતા અમારે તો બધા સારા કામ કરે એવો નેતા જોઈએ. ચૂંટણી દરમિયાન નેતા આવશે તો કહીશું અમારા કામ થશે તો વોટ આપીશું નહીતો નહીં આપીએ. ‘અમારા ગામનો કોઈ વિકાસ થાય એમ નથી’
અમરત લાલ મોદીએ જણાવ્યું હતું કે, આ ગામનો કોઈ વિકાસ નથી અને થાય એમ લાગતો નથી. ચૂંટણી આવે એટલે પૈસા માટે ઉભા રહે છે, અહીંયા રોડ બને તો એક અઠવાડિયામાં કપચી બહાર નીકળી જાય છે. ગેરેઝ ચલાવતા રજનીકાંતભાઈએ જણાવ્યું કે, અહીંયા વહીવટ અને અગાઉના અભયો બોગસ હતા. કંઈ કામ કરતા જ નથી. પાણી અનિયમિત આવે છે પાણી આવવાનો કોઈ ટાઈમ નથી. સફાઈ બાબતે પણ અનિયમિતતા છે, અહીંયા પાણી આવે એ ટાઈમે ગટરો ઓવરફ્લો થાય છે. ’57 લાખનો રોડ 57 દિવસ પણ ન ટક્યો’
દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા કિરીટભાઈ દેસાઈ જણાવે છે કે, અહીંયા દેસાઈ વાડાથી શીત કેન્દ્ર સુધી 57 લાખમાં આરસીસી રોડ 6 માસ અગાઉ બનાવવામાં આવ્યો હતો. આ રોડ 57 લાખમાં બન્યો પણ 57 દિવસ રોડ ચાલ્યો નથી. રોડ તૂટી ગયો છે. અહીંયા બાઈક લઈ નીકળતા ડર લાગે છે અને રોડની કપચી લોકોને વાગે છે. આ રોડ બન્યાના એક માસમાં કાંકરા જુદા થઈ ગયા છે પણ રોડ બને 4 થી 6 માસ થયા છે. આ રોડ અમારા માટે સરદર્દ બની ગયો છે ને માથાની ગોળીઓ લેવી પડે છે. અહીંયા સિમેન્ટની ડસ્ટ એટલી બધી ઉડે છે એ બહુ ખરાબ હોય છે. રોડની ડસ્ટ અમારા ઘરમાં ઉડી ને આવતી હોવાથી અમે રોડ પર પાણી ચટકાવીએ છીએ. ‘નેતાઓ આપેલા વચન પુરા નથી કરતા’
વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ખેરાલુના બધા રસ્તા ખાતા ટેકરા વાળા છે. ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે. આજે રોડ બનાવશે પછી તોડી નાખશે. સારું કાર્ય કરે સારા રસ્તા બનાવે એવો નેતા જોવે. નેતાઓ આપેલા કોઈ વચન પુરા નથી કરતા. મોહનભાઈ સિંધીએ જણાવ્યું કે, ખેરાલુમાં જે માળખાકીય સુવિધા જોવે એ હજુ મળતી નથી, અમે ઇછીયે છીએ કે માણસની પાયાની જે જરૂરિયાત છે એતો પુરી કરો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments