ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ ABVP દ્વારા SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ-રસ્તા ચક્કાજામ કરી, પૂંતળું બાળી, સુત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ
ભારત સરકારની વર્ષ 2010થી લાગુ થયેલી આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ 2022થી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેના અનુસંધાને રાજ્યોને સમયાંતરે સૂચનાઓ પણ આવી છે. નવી સૂચનાઓ મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો હોવો જોઈએ, મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઇડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.