જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં વહેલી સવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જૂથે બીજા જૂથના મકાનને આગ લગાવી દીધી હતી, જેમાં મકાનમાં રહેલું ફર્નિચર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. અથડામણ દરમિયાન આરોપીઓએ સોડા બોટલ, પથ્થર, છરી અને ધોકા જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જાહેર રસ્તા પર થયેલી આ હિંસક ઘટનાએ વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આરોપીઓની ધરપકડ માટે વિશેષ ટીમો બનાવી આગળની કાર્યવાહી કરી રહી છે.