યાદ છે? 2005માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમેરિકાએ વિઝા આપ્યા નહોતા. ત્યારે મોદી પર ‘અમેરિકન સંકટ’ ઊભું થયું હતું. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ હતા. હવે વીસ વર્ષે ટેરિફ, ગેરકાયદે ઘૂસણખોરી જેવા મુદ્દે મોદી પર ‘અમેરિકન સંકટ’ ઊભું થયું છે પણ આ વખતે ટ્રમ્પનું ટોર્નેડો છે. નમસ્કાર, મોદીની અમેરિકા યાત્રા પર એટલા માટે બધાની નજર છે કે ટ્રમ્પના ટોર્નેડોમાંથી મોદી કેવી રીતે બચી શકે છે. કેટલાક મુદ્દે ટ્રમ્પ અને મોદી વચ્ચે ચર્ચા થાય એવું બધા ઈચ્છે છે. જેમ કે, મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમેરિકાએ વિઝા નહોતા આપ્યા
2005માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા જવાના હતા પણ અમેરિકાએ તેમને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો. ભારત સરકારના વિદેશ ખાતાના સચિવ શ્યામ શરણે નવી દિલ્હીમાં અમેરિકન એમ્બસીના ડેપ્યુટી ચીફ ઓફ કમિશન – રોબર્ટ ઓ બ્લેકને બોલાવ્યા અને મોદીના વિઝાના મામલામાં અમેરિકાના વલણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. અમેરિકી સરકારે તેના નિર્ણયની ફેરવિચારણા કરવી જોઈએ એમ જણાવ્યું. આ પછી એમ્બેસીએ વોશિંગ્ટનને `કોન્ફિડેન્સિયલ કૅબલ’માં જણાવ્યું કે આપણે કોઈ ફેરવિચારણા કરવી જરૂરી નથી… ભારત સરકારને પણ જવાબ આપી દીધો કે, અમારો નિર્ણય યોગ્ય જ છે!’ 19મી માર્ચ, 2005ના રોજ મોદી અમેરિકાના પ્રવાસે જવાના હતા તેના આગલા દિવસે 18મી માર્ચે ભારત સરકારને આવો જવાબ મળ્યો હતો! ટ્રમ્પે મોદીને શપથ સમારોહમાં આમંત્રણ ન આપ્યું, હવે ટેરિફની જાળ
મોદી પર વીસ વર્ષે ફરીવાર ‘અમેરિકન સંકટ’ ઊભું થયું છે. મોદી અમેરિકા ગયા ને ટ્રમ્પ મળવા ઈચ્છતા હતા તો મળ્યા નહીં એવા દાવા થઈ રહ્યા છે. ટ્રમ્પ મોદીથી નારાજ થયા એટલે શપથ ગ્રહણ સમારોહમાં ચીનના જિનપિંગને આમંત્રણ મોકલ્યું પણ મોદીને મોકલ્યું નહીં. ત્યારથી બંને મિત્રો વચ્ચે અંતરની વાતો થતી આવી છે. હવે ટ્રમ્પે મોદીને અમેરિકા બોલાવ્યા છે અને મોદી ગયા છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચારથી ટેરિફની જાળ ફેલાવવાનું ચાલુ કરી દીધું હતું અને હવે ભારત પર પણ ટેરિફનું સંકટ છે. બંને મહાનુભાવો ટેરિફ મુદ્દે ચર્ચા કરે તો પણ કોઈ ચોક્કસ નિર્ણય આવતાં વાર લાગે, એવું પણ બને. ટેરિફની વાત આગળ વધારીએ તે પહેલાં ભારત-અમેરિકા વચ્ચેના બિઝનેસના આંકડા પર નજર… એપ્રિલથી નવેમ્બર-2024માં ભારત આ દેશોને માલ નિકાસ કરે છે અમેરિકા આ દેશોને માલ નિકાસ કરે છે ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં બિઝનેસમાં અમેરિકાની ખાધ 36 કલાકના પ્રવાસમાં મોદીની 6 મિટિંગ
ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 5-30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા હતા. તેમના 36 કલાકના પ્રવાસ દરમિયાન મોદી અગત્યની 6 મિટિંગમાં ભાગ લેવાના છે અને ટ્રમ્પ સાથે ડીનર ડિપ્લોમસી પણ થશે. મોદીની મિટિંગની શરૂઆત અમેરિકાના ટોચના ગુપ્તચર મહિલા અધિકારી મૂળ ભારતીય તુલસી ગાબાર્ડથી થઈ. જોગાનુજોગ તુલસી ગાબાર્ડ શપથ લઈને ચાર્જ સંભાળ્યો તે પછી તરત જ મોદી સાથે મુલાકાત થઈ. તુલસી ગાબાર્ડ અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બંને નેતાઓએ આતંકવાદ સામે લડવા, સાયબર સુરક્ષા અને ઊભરતા જોખમમાં ગુપ્તચર સહયોગ વધારવા પર પણ ચર્ચા થઈ હતી. મુદ્દો -1 : ટેરિફ
મોદી-ટ્રમ્પની મિટિંગ ભારતના અર્થતંત્ર પર અસર પાડશે
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી ત્યારે ભારત બચી ગયું હતું. ભારત પર અમેરિકાએ હજી સુધી કોઈ ટેરિફ વધાર્યો નથી. ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈ કળી શકતું નથી એટલે મોદીની મુલાકાત મહત્વની બની રહે છે. આ મુલાકાત ભારતના અર્થતંત્ર પર અસર પાડશે. જો ટ્રમ્પ અને મોદી વચ્ચે ટેરિફને લઈને ચર્ચા થાય અને મુલાકાત પછી અમેરિકા કોઈ ટેરિફ નહીં લાદે તો ભારતના અર્થતંત્રને ગતિ મળી શકે છે. ટ્રમ્પે જ્યારે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે બીજા દેશોની પણ ચિંતા વધી હતી. જોકે પછીથી ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને ટેરિફમાંથી 30 દિવસની રાહત આપી. ટ્રમ્પ યુરોપિયન યુનિયન પર અને બ્રિક્સ દેશો પર પણ ટેરિફ લાદવાની ચિમકી આપી ચૂક્યા છે. પીએમ મોદીની અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવા અંગે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે તેમણે તેમની અત્યાર સુધીની સૌથી કડક ટેરિફ નીતિ તૈયાર કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહેલું છે કે, અમે ટેરિફ મામલે ‘જેવા સાથે તેવા’ કરીશું, એટલે કે કોઈ દેશ અમેરિકા પર જેટલો ટેરિફ લાદશે, અમે પણ તેમના પર એટલો જ ટેરિફ લાદીશું. ભારત યુએસ ઉત્પાદનો પર સરેરાશ 9.5% ટેરિફ લાદે છે જ્યારે યુએસ ભારતના ઉત્પાદન પર 3% ટેરિફ લાદે છે. હાર્લિ ડેવિડસન બાઈક ટેરિફના કારણે ચર્ચામાં છે. ભારતે પાણી પહેલાં પાળ બાંધી લીધી હતી
ભારતને એ ખબર પડી ગઈ હતી કે સત્તામાં આવતાં જ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદશે. જોકે હજી સુધી એવું થયું નથી છતાં કેન્દ્રીય બજેટમાં અમેરિકાની બાઈક હાર્લિ ડેવિડસન, ઓઈલ, નેચરલ ગેસ, કોલસો જેવી વસ્તુઓ પર ભારતે ટેરિફ ઘટાડી દીધા. હાર્લિ ડેવિડસનની 1600 સીસીની બાઈક પરનો 50% ટેરિફ હતો તે ઘટાડીને 40% કરી નાખ્યો છે. આ સિવાય સેટેલાઈટ માટે ગ્રાઉન્ડ ઈન્સ્ટોલેશન અને સિન્થેટિક ફ્લેવરિંગ એસેન્સ જેવી અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ડ્યુટી ઘટાડી દીધી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે ચીની ઉત્પાદનો પર 10% ટેરિફ લાદવાથી અમેરિકન બજારમાં ભારતીય માલ માટે વધુ તકો ઊભી થશે. મુદ્દો -2 : ઈલોન મસ્ક
ટેસ્લાની એન્ટ્રી ભારતમાં શક્ય બની શકે
નવી ટ્રમ્પ સરકારમાં બિઝનેસ ટાયકૂન ઈલોન મસ્કનો મોટો રોલ મનાય છે. એવું કહેવાય છે કે કેટલાક નિર્ણયો તો ટ્રમ્પ અને મસ્ક સાથે મળીને લે છે. આવા સમયે નરેન્દ્ર મોદી અને ઈલોન મસ્કની મુલાકાત વધારે મહત્વની બની જાય છે. મસ્ક અને મોદી બંને પહેલાં પણ મળી ચૂક્યા છે. 2015માં મોદીએ ટેસ્લા ફેક્ટરીની મુલાકાત લીધી હતી, જ્યાં મસ્કે પોતે તેમને આખો પ્લાન્ટ બતાવ્યો હતો. મોદી અને મસ્ક વચ્ચે ચર્ચામાં AI પોલિસી, ભારતમાં ટેસ્લાનો પ્લાન્ટ એ બે મુદ્દા અગત્યના છે. પ્રધાનમંત્રી મોદીનું ધ્યાન ભારતના ડિજિટલ પરિવર્તન અને ભારતમાં રોકાણ વધારવા પર છે. ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માંગે છે. આ દિશામાં લાંબા સમયથી પ્રોસેસ ચાલી રહી છે અને આગામી થોડા મહિનામાં આ સેવા શરૂ થઈ શકે છે.
સ્ટારલિંકે ભારતમાં લાઇસન્સ મેળવવા માટે ભારત સરકારની જરૂરી શરતો સ્વીકારી લીધી છે. કંપનીએ સિક્યોરિટી અને ડેટા સ્ટોરેજની શરતો પણ સ્વીકારી છે. હાલમાં કંપનીને સ્પેક્ટ્રમ ફાળવવાનું કામ ચાલી રહ્યું છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ આ વર્ષે ભારતમાં શરૂ થઈ જશે. જોકે, આ સેવા મોંઘી હશે અને કંપનીના પ્લાનની કિંમત 850 રૂપિયાથી લઈને કેટલાક હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે. મુદ્દો -3 : ગેરકાયદે ઘૂસેલા ભારતીયો
હવેના પ્લેનમાં ભારતીયોને હાથકડી વગર મોકલવામાં આવે, એવું બને
2024ના પ્યૂ રિપોર્ટ મુજબ, 7.25 લાખ ભારતીયો ડોક્યુમેન્ટ વગર અમેરિકામાં રહે છે, જોકે બોર્ડર પર અમેરિકન અધિકારીઓ ચેકિંગ કરે છે તેમાંથી તો માત્ર 3 ટકા જ ઘૂસે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના રિપોર્ટ મુજબ 2022માં 2.20 લાખ ભારતીયો ગેરકાયદે અમેરિકામાં રહેતા હતા. પછીનાં બે વર્ષમાં આ આંકડો ડબલ થઈ ગયો. એમાંથી મોટા ભાગના ઇમિગ્રન્ટ ફ્લોરિડા, ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, જ્યોર્જિયા, મેરીલેન્ડ અને નોર્થ કેરોલિનામાં રહે છે. આ ગેરકાયદે ઘૂસણખોરો ગેસ સ્ટેશન, કરિયાણાની દુકાનો, મોટેલ, રેસ્ટોરાંમાં કામ કરે છે, જેના માલિકો જ મૂળ ભારતીયો છે, જેઓ અમેરિકામાં વર્ષોથી રહે છે. આ માલિકોમાંથી પણ મોટા ભાગના ‘અર્ધકાનૂની’ રૂપે રહે છે. એક આંકડા મુજબ અત્યારે અમેરિકામાં 20 હજાર કરતાં વધારે ગેરકાયદે ભારતીયો છે. અમેરિકામાં જેટલા ભારતીયો ગેરકાયદે રહે છે તેમાંથી 2 હજાર ડિટેન્શન સેન્ટરમાં રહે છે. ડિટેન્શન સેન્ટર એટલે એક પ્રકારની શિબિર, જેમાં ગેરકાયદે લોકોની ઓળખ કરીને રાખવામાં આવે છે. આમાં 18 હજારને બંધ નથી કરાયા, કારણ કે તેમને શોધવાના બાકી છે. યુએસ એન્ડ કસ્ટમ્સ ઇમિગ્રેશન (ICE)એ ઓર્ડર આપી દીધો છે કે આ બે હજારને તો અમેરિકામાંથી હાંકી કાઢવાના જ છે, બાકીના 18 હજાર છે, તેમના માટે પણ આ વાત ચાલી રહી છે. હમણાં જ પ્લેન ભરીને અમેરિકાએ 205 ગેરકાયદે ભારતીયોને પાછા મોકલી દીધા હતા. તેમાં 33 ગુજરાતી હતા. એમેરિકા હાથકડી પહેરાવીને કે અપમાનિત કરીને ભારતીયોને મોકલે છે. આ મુદ્દે મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થાય તો હવે પછીનું પ્લેન ભારત આવશે તેમાં કદાચ હાથકડી વગરના ભારતીયો જોવા મળી શકે. અમેરિકાના અખબારોએ શું લખ્યું છે?
વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારે અમેરિકાના અખબારોએ અલગ અલગ રિપોર્ટ છાપ્યા છે. જોઈએ કેટલાક રિપોર્ટનો સાર… ન્યૂયોર્ક ટાઈમ્સ : આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર વધારવા અંગે વાતચીત થઈ શકે છે. પીએમ મોદી વિદેશી બાઇક પર ટેરિફ ઘટાડવાના ભારત સરકારના નિર્ણય અંગે પણ ચર્ચા કરી શકે છે. ભારત સાથે વેપાર ખાધ અથવા ઊંચા ટેરિફ અંગે ટ્રમ્પના ગુસ્સાને શાંત કરવા માટે મોદી આવું કરી શકે છે. ગેરકાયદેસર સ્થળાંતર પહેલેથી જ તણાવનો મુદ્દો રહ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાના મામલે યુએસ સરકારને સહયોગ આપશે. અમેરિકાથી ઘૂસણખોરોને યુએસ લશ્કરી વિમાનોમાં હાથ-પગ બાંધીને પાછા મોકલવામાં આવ્યા ત્યારે ભારતમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સના લેખમાં લખાયું છે કે, ટ્રમ્પ અને મોદી વચ્ચે ઘણી સમાનતાઓ છે. બંને વિદેશ નીતિ પ્રત્યે વ્યવહારિક અભિગમ ધરાવતા મજબૂત નેતાઓ છે. મોદી જાણે છે કે અમેરિકા સાથે સંબંધો જાળવીને ભારતને કેવી રીતે ફાયદો થઈ શકે છે. સામે અમેરિકા એવું માને છે કે ચીનના પ્રભાવને ઘટાડવા માટે ભારત સાથે સંબંધો સારા રાખવા જરૂરી છે. વોઈસ ઓફ અમેરિકા : અમેરિકન રેડિયો ચેનલ વોઇસ ઓફ અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો માટે વેપાર મહત્વપૂર્ણ છે. ટ્રમ્પે વારંવાર ઊંચા ટેરિફ લાદવા બદલ ભારતની ટીકા કરી છે. ભારત અમેરિકા સાથે વેપાર સંબંધિત તણાવ ઇચ્છતું નથી. આ કારણોસર ભારતે તેના બજેટમાં ઘણી વિદેશી ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. ભારત માને છે કે તે પહેલું પગલું ભરશે અને વેપાર સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. પરંતુ ટ્રમ્પ પણ એક અનુભવી ખેલાડી છે અને તે તેમના હિતો સાધવાનો પ્રયાસ કરશે. બંને દેશો પોતાના ફાયદાઓને ધ્યાનમાં રાખીને વાટાઘાટો કરશે. અમેરિકાને એ ચિંતા છે કે ભારત તેની શસ્ત્ર ખરીદીને ઘટાડી શકે છે. તેથી તે ભારત પર વધુને વધુ શસ્ત્રો ખરીદવા માટે દબાણ કરશે. બંને દેશોને ચીનનો વધતો પ્રભાવ પસંદ નથી. તેથી બંને દેશો ચીનને તેની સરહદોમાં સીમિત રાખવા માટે એકબીજા સાથે સંબંધો વધારે મજબૂત બનાવી શકે છે. વોલ સ્ટ્રીટ જનરલ : અંગ્રેજી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા એક લેખ પ્રકાશિત કર્યો છે, જેનું શિર્ષક છે, – Trump Calls India a Tariff King, a Title Modi Wants to Shed. એટલે ટ્રમ્પ ભારતને ટેરિફ કિંગ કહે છે અને મોદી આ ટાઈટલથી બચવા માંગે છે… ભારત અન્ય દેશોમાંથી જે પણ માલ ખરીદે છે તેના પર સરેરાશ 14 ટકા ટેરિફ લાદવામાં આવે છે. ભારતની તુલનામાં ચીન સરેરાશ 6.5 ટકા ટેરિફ લાદે છે જ્યારે કેનેડા ફક્ત 1.8 ટકા ટેરિફ લાદે છે. આવી સ્થિતિમાં ભારત ટેરિફ અંગે ટ્રમ્પની જેવા સાથે તેવાની નીતિનું નિશાન બની શકે છે. ટ્રમ્પના મતે અમેરિકન માલ પર ટેરિફ લગાવનારા તમામ દેશોમાં ભારત સૌથી વધુ ટેરિફ લગાવે છે. આ જ કારણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ‘ટેરિફ કિંગ’ કહે છે. હવે પીએમ નરેન્દ્ર મોદી તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પછી ટેરિફ કિંગ જેવા બિરુદથી છૂટકારો મેળવવા માંગે છે. છેલ્લે,
અમેરિકાના રાષ્ટ્રપતિના કોઈ ગેસ્ટ હોય તો તેને બ્લેર હાઉસમાં ઉતારો અપાય છે. નરેન્દ્ર મોદી અમેરિકાના બ્લેર હાઉસમાં રોકાયા છે. 1956માં જવાહરલાલ નહેરૂ માટે આ જ બ્લેર હાઉસ ફાળવવામાં આવ્યું હતું પણ તે અહીં રાત રોકાયા નહોતા. એ વખતના રાષ્ટ્રપતિ ડ્વિટ આઈઝેનવોર નહેરુને પોતાના પ્રાઈવેટ ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા અને નહેરુ ત્યાં રોકાયા હતા. કોઈ ભારતીય વડાપ્રધાન અમેરિકન રાષ્ટ્રપતિના પ્રાઈવેટ ફાર્મ હાઉસમાં રોકાયા હોય તેવા એકમાત્ર નહેરૂ હતા. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )