વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે WPLમાં મેચ ગુજરાત જાયન્ટ્સ (GG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. જેમાં કોટંબી સ્ટેડિયમમાં લોકો આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ક્રિકેટ રસિકોમાં મેચ જોવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ હોવા છતાં લોકો RCBની જર્સી વધારે ખરીદી રહ્યા છે. ગુજરાત જાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ છતાં જર્સી RCBની વેચાઈ રહી છે
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આજે WPLની ઓપનિંગ મેચ ગુજરાત અને બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. જેમાં GGનું આ હોમ ગ્રાઉન્ડ છે, છતાં લોકો RCBની જર્સી વધુ ખરીદી રહ્યા છે. લોકોમાં RCBને લઈને જબરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કેટલાક વેપારીઓ આંધ્રપ્રદેશથી ટી શર્ટ વેચવા માટે વડોદરા આવ્યા છે. જોકે, મહિલા ક્રિકેટ રમાતી હોવા છતાં પુરુષ ક્રિકેટરોની જર્સી જોવા મળી છે. મહિલા ક્રિકેટરોમાં માત્ર સ્મૃતિ મંધાનાની ટીશર્ટ મળી રહી છે. લોકો સ્મૃતિને રમતી જોવા માટે ખાસ આવ્યા છે. બિહારથી આવેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સમર્થકોએ RCB જિંદાબાદ, વિરાટ કોહલી ઝિંદાબાદ નારા લગાડ્યા હતા. લોકોએ BCA સામે આક્રોશ વ્યક્ત કર્યો
મુખ્ય રોડથી કોટંબી સ્ટેડિયમ સુધી જવાના રોડની હાલત બિસ્માર હાલતમાં છે. ત્યારે વાહન ચાલકોએ બરોડા ક્રિકેટ એસોસિયેશન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ આવતા હોવા છતાં કાચો રસ્તો બનાવ્યો છે. તેવામાં રસ્તા પર વાહન ચાલકો પડી જાય તેવી સ્થિતિ છે. ઉપરાંત BCAએ સારી સુવિધા આપતું નથી, તેવું પણ કહ્યું હતું. વધુમાં સ્ટેડિયમ તરફ જવાના રોડ પર ખુલ્લા વીજ વાયરો પસાર થઈ રહ્યા છે. પાણીની નજીકથી પણ વીજ વાયર પસાર થઈ રહ્યા છે. આમ લોકોના જીવને જોખમમાં મુકાયો છે.