દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. અંગ્રેજી માધ્યમની શાળામાં 108 વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. વધુમાં, 15 મહિના પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી બાંધકામ શરૂ થયું નથી. સાંસદ જસવંતસિંહ ભાભોરે ખાતમુહૂર્ત કર્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીને જૂની દીવાલો તોડીને નવું બાંધકામ તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપી હોવા છતાં આજ દિન સુધી નવિન ઓરડાના બાંધકામની કામગીરી શરુ કરવા આવી નથી, સાંસદની સુચના બાદ પણ કામગીરી શરુ નહિ કરવામા આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે, સંજેલી તાલુકા શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને પણ આ મુદ્દે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલની દુનિયાભરમાં પ્રશંસા થાય છે અને સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. સરકાર ડિજિટલ અને ઇન્ટરનેટ આધારિત શિક્ષણ પર ભાર મૂકી રહી છે, પરંતુ સંજેલીમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે તેમના બાળકો ઠંડીમાં પણ યોગ્ય વર્ગખંડો વગર અભ્યાસ કરવા મજબૂર છે. શિક્ષણના માધ્યમથી વૈજ્ઞાનિકો ચંદ્ર સુધી પહોંચ્યા છે, પરંતુ સંજેલીના વિદ્યાર્થીઓ હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય માટે ચિંતાજનક છે.