જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં કુલ 67 ઉમેદવારો મેદાનમાં છે. નોંધપાત્ર બાબત એ છે કે માત્ર એક જ અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે કાલાવડ પાલિકાના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વિસ્તારમાં પાણીની મુખ્ય સમસ્યા છે. પીવાનું પાણી ટાઈમસર આવતું નથી તેમજ જ્યારે આવે છે ત્યારે પણ ગંદુ પાણી આવે છે. મતદારો કહી રહ્યા છે કે, પાણી એટલુ ડોળું આવે છે કે એમ થાય આ શેરડીનો રસ છે. બીજી તરફ રોડ-રસ્તા અને સ્ટ્રીટલાઈટની સમસ્યાથી પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 16મી તારીખે કાલાવડ પાલિકાની ચૂંટણી યોજાશે જેમાં 28,314 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તાધારી ભાજપ તેમના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોને મુખ્ય મુદ્દો બનાવી રહ્યું છે. બીજી તરફ, વિપક્ષી પક્ષો દર ચાર દિવસે થતા પાણી વિતરણની સમસ્યાને મુખ્ય મુદ્દો બનાવી મતદારોનો સંપર્ક સાધી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના બની, જેમાં વોર્ડ નંબર-2માં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ઉમેદવારી પત્રમાં ક્ષતિને કારણે રદ થયું છે, જેના પરિણામે ભાજપના કાવ્યાબેન મોહિત મહેતા બિનહરિફ જાહેર થયા છે. આ પરિસ્થિતિમાં હવે નગરપાલિકાની કુલ 27 બેઠકો માટે 7 વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે. કાલાવડ નગરપાલિકાના શહેર કોંગ્રેસ પ્રમુખ મેહુલ સોજીત્રાએ જણાવ્યું કે, કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં 20-25 વર્ષથી ભાજપનું શાસન છે. કાલાવડ શહેરની જનતા જાણે છે કે પાંચ-સાત દિવસે પાણી મળે છે. બાલંભડી જેવો મોટો ડેમ કાલાવડમાં હોવા છતાં પણ આ લોકો પાણી સમયસર આપી શકતા નથી. શુદ્ધ પાણી આપી શકતા નથી આજે તમે તમારી આંખે જ જોઈ શકો છો. કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાનની કેવી દૂર દર્શા છે. લાખો રૂપિયાના ખર્ચ બનાવ્યો છે, પણ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો સાચવી શક્યા નથી જેથી લોકોને ડોળુ પાણી પીવું પડે છે. પાંચ-સાત દિવસે પાણી આવે છે, છતાં એ લોકો કાંઈ કરતા નથી. નગરપાલિકા આ પાણી બાબતે બિલકુલ નિષ્ફળ ગઈ છે. કાલાવડના ખોડીયાર પરા વિસ્તારના રહેવાસી વાદી ભાઈએ જણાવ્યું કે, અત્યારે પાણીનો બહુ પ્રશ્ન મોટો છે. ચારથી પાંચ દિવસે પાણી આવે છે અને તે પણ ડોળું પાણી આવે છે. ઉનાળામાં તો 9-10 દિવસે પાણી આવે છે. આ વિસ્તારમાં પીવા લાયક પાણી નથી. મોટામાં મોટો પ્રશ્ન પાણીનો છે. બીજો પ્રશ્ન સ્ટ્રીટ લાઈટનો છે. અહીંયા અંધારૂ હોવા છતાં કોઈ આવતું નથી. ભાજપની સરકાર હતી ત્યારે કોઈ દિવસ એકેય વખત અહી સત્તાધીશો આવ્યા નથી. નવો રોડ પાંચ વર્ષની શરતે બને ત્યારે માત્ર પાંચ મહિનામાં જ રોડ પર કાંકરા રોડ પર ઉડવા લાગે છે આ પણ મોટો પ્રશ્ન છે. વિકાસ એકદમ નોર્મલ થયો છે. અત્યાર સુધી ભાજપની સરકારમાં વિકાસ જ નથી થયો. સફાઈની પણ સમસ્યા છે, સાફ-સફાઈ કરવા વાળા કોઈ આવતા જ નથી. કાલાવડના રહેવાસી શામજીભાઈ વાટલીયાએ જણાવ્યું કે, સફાઈ કરવા કોઈ આવતું નથી. વોર્ડમાં કચરો જ્યાં ત્યાં પડ્યો હોય છે. ગટર સાફ કરવા માટે પણ કોઈ આવતું નથી, સમસ્યા તો આ છે. રોડ રસ્તાની સફાઈ પણ કરવામાં આવતી નથી. કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં રહેતા કુસુમબેને જણાવ્યું કે, રોડ રસ્તા બનાવ્યાં છે પણ થોડા જ ટાઈમમાં ફરી રોડ રસ્તા તૂટી ગયા છે. પહેલો પ્રશ્ન પાણીનો છે. આરોગ્ય લક્ષી પાણી બિલકુલ નથી માણસો માંદા પડે એવું પાણી છે. સેવાળ જેવું પાણી આવે છે. ડોલમાં ભર્યું હોય ત્યારે તમને એમ થાય કે આ તો શેરડીનો રસ છે. એટલું ડોળું પાણી આવે છે, બીજા નંબરમાં કચરાની ગાડી આવે છે. પણ સફાઈ કરવા વાળા આવતા નથી. કાલાવડના રહેવાસી સેજલબેને જણાવ્યું કે, અમારે અહીંયા બે વર્ષથી ભૂગર્ભ ગટર આવી ગઈ છે પણ એનો ઉપયોગ થયો નથી. એમ એની રીતે પડી છે કાંઈ એનું ચાલુ થયું નથી. ખાડા ખોદી રસ્તો ખોદી ગયા પણ હજુ કનેક્શન પણ નથી આપેલા. પાણી આપે તો પાણીનો કાંઈ ટાઈમ ફિક્સ નથી. ક્યારેક છ વાગે આવે તો ક્યારે બપોર ટાણે આવે, ક્યારેક ક્યારેક તો સાંજે નવ વાગ્યા પછી ગમે ત્યારે પાણી આવે છે. સ્થાનિક રહેવાસી કાજલબેન સભાયાએ જણાવ્યું કે, એક તો પાણી ગંદુ આવે છે. બીજો પ્રશ્ન એ છે કે કાલે એક છોકરો ગટરમાં પડી ગયો હતો, આટલી ઊંડી ઊંડી ગટર છે. આ છોકરો ગટરમાં પડી ગયો હતો જેથી તેનો હોઠ કપાઈ ગયો છે તેને ઈજા પહોંચી છે. આ સરકારને આપણે શું કહેવું? આ જ નાના નાના છોકરા ગટરમાં પડી જાય છે તો એને કઈ થઈ જાય તો છોકરાઓની કોણ જવાબદારી લેશે. ચૂંટણી ટાણે મત તો બધા લઈ જાય છે પણ છોકરાઓની જવાબદારી કોણ લેવાનું છે. કાલાવડમાં રહેતા હેતલબેને જણાવ્યું કે, અમારી શેરીમાં સ્ટ્રીટ લાઈટ નથી. ત્રણથી ચાર વખત કમ્પ્લેન કરવા છતાં પાંચથી 6 મહિને સ્ટ્રીટ લાઈટ નાખવા આવે છે. ભૂગર્ભ ગટર છે પણ ચાલુ નથી કરી અને બધી ગટર ખુલી છે. કચરો ગટરમાંથી કાઢે પણ કચરો કાઢ્યા પછી ઉપાડવા કોઈ આવતા નથી. વિકાસની વાત કરવામાં આવે તો એ લોકો કોઈ અહીં આવતા જ નથી તો કેમ ખબર પડે પણ અમે ચાર થી પાંચ વખત કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. મચ્છરનો પણ બહુ ત્રાસ છે. કાલાવડ પાલિકાના રહેવાસી પ્રયાગ અજુરીયાએ જણાવ્યું કે, કાલાવડનો આ વોર્ડ નંબર પાંચ છે અહીં નદી પરથી જવાનો મેઈન પુલ છે જે પાંચ નંબર વોર્ડને જોડે છે. પાછળ વાડી વિસ્તાર છે જે ખેડૂતોને જવા માટેનો મેઈન માર્ગ છે સામે પ્રસિદ્ધ કલ્યાણપુર મહાદેવનું મંદિર પણ આવેલું છે એ પણ અહીંથી જવાનો રસ્તો છે આ રોડ ધોધમાર વરસાદને કારણે ધોવાઈને તૂટી ગયેલો છે. કોઈ પણ કામ કરવામાં આવતું નથી, વારંવાર રજૂઆતથી બે વખત આયા માટી નાખવામાં આવી છે છતાં પણ અહીંથી ચાલવામાં બહુ તકલીફ પડે છે. વરસાદ આવે ત્યારે બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ પડે છે. કાલાવડ નગરપાલિકાના રહેવાસી ઈમ્તિયાઝ ભાઈએ જણાવ્યું કે, નગરપાલિકામાં રોડ બનાવવામાં આવેલ છે ખૂબ જ ટૂંકા સમયમાં બનેલો રોડ છે ચાર થી છ મહિના હજી એક ચોમાસુ પણ નીકળ્યું નથી ત્યાં આ રોડ સંપૂર્ણપણે તૂટી ગયો છે. શું માલ વાપરે છે, કેવી કોલેટીનો સિમેન્ટ વાપરે છે કોઈ ધ્યાન આપતા નથી, પછી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કોન્ટ્રાક્ટર કે ભાજપના કોઈ પણ પ્રમુખ કે નગરપાલિકાના પ્રમુખ કોઈપણ અહીંયા જોવા આવેલ નથી. બસ ચૂંટણી સમયે આવી જાય છે અને વોટ માટે પ્રચાર કરી અને અહીંથી નીકળી જાય છે.