મોદી અને ટ્રમ્પની મુલાકાત પછી ભારતે હરખાવાની જરૂર નથી. ચિંતાના વાદળો ઘેરાયેલા જ છે. હવે તો ‘અમેરિકન સંકટ’ આવી ગયું છે. મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પર માત્ર ભારતની નહીં, વિશ્વની નજર હતી. ભારતે એ વાત તો સ્વીકારવી પડે કે અમેરિકાનું વલણ આ વખતે કડક રહ્યું છે. ખાસ કરીને ટેરિફની બાબતમાં. એટલે ભારતની ચિંતા વધી છે. મોદીની હાજરીમાં ટ્રમ્પે ચીનના વખાણ કર્યા છે. આ પણ ભારત માટે ચિંતાની વાત છે. હવે ભારતની અમેરિકા પ્રત્યેની સ્ટ્રેટેજી શું રહેશે તેના પર પણ બધાની નજર રહેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હું બંને પક્ષને આર્થિકરૂપથી મજબૂત કરવા રોડમેપ જાહેર કરીએ છીએ.
અમેરિકા-ભારત સમજૂતી બંને દેશની ભાગીદારી અને મિત્રતાના દરેક પાસાને વધુ ગાઢ બનાવશે.
આ વર્ષથી અમે ભારત સાથે અબજો ડોલરની ડિફેન્સ ડીલ વધારીશું.
અમે ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પૂરા પાડવાનો માર્ગ શોધી રહ્યા છીએ.
ક્વાડને મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સમૃદ્ધિ અને સુલેહ-શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે.
ભારત અને અમેરિકા વિશ્વભરમાં કટ્ટરપંથી ઇસ્લામિક જોખમનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
PM મોદીએ હમણાં જ ભારતમાં ટેરિફ ઓછો કરવાની જાહેરાત કરી છે. ભારતની બજારોમાં અમેરિકાની વસ્તુઓનું વેચાણ ઓછું થાય છે. આ મોટી સમસ્યા છે.
ભારતમાં ઘણી વસ્તુઓ પર 30-40થી 60-70 ટકા ટેરિફ લાદવામાં આવે છે. જેમ કે અમેરિકાની કારો પર 70 ટકા ટેરિફ છે. એટલે આ કારોને વેંચવી લગભગ અસંભવ બની ગયું છે.
આજે ભારત સાથેના બિઝનેસમાં અમેરિકાને અમેરિકાને 100 અરબ ડોલરની ખોટ જાય છે. પીએમ મોદી અને હું, આ બાબતે ચર્ચા કરવા તૈયાર થયા છીએ કે આ ખોટને કેવી રીતે ઓછી કરી શકાય.
અમે સમાન અવસર ઈચ્છીએ છીએ. અમે તેલ અને ગેસના વેચાણની ખોટને સપભર કરી શકીએ છીએ.
ભારત-અમેરિકા પરમાણુ ઊર્જાનું સ્વાગત કરવા માટે પોતાના કાયદામાં સુધારો કરી રહ્યા છે.
લેટેસ્ટ ટેકનોલોજી, AIને ભારત-અમેરિકા દ્વારા સંયુક્તરૂપે વિકસિત કરવામાં આવશે.
ઈતિહાસના સૌથી મોટા વેપાર માર્ગોમાંથી એકના નિર્માણમાં મદદ કરવા માટે સાથે મળીને કામ કરવા પર અમે સહમત છીએ. આ રૂટ ઈઝરાયલ, ઈટલી અને પછી અમેરિકા સુધી પહોંચશે.
ભારત-અમેરિકા વચ્ચે દોસ્તી મજબૂત છે, અત્યારના સમયમાં બંને દેશોના સંબંધો પણ સારા છે. ભારત અને અમેરિકાનું ‘મિશન 500’ શું છે?
ભારત અને અમેરિકા આ વર્ષ સુધીમાં મહત્વાકાંક્ષી પરસ્પર લાભદાયી વેપાર કરારનો પહેલો તબક્કો પૂરો કરવા સંમત થયા છે. બંને દેશો આ વિષય પર વધુ વિગતવાર ચર્ચા કરશે. બંને દેશોએ 2030 સુધીમાં વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 500 અબજ યુએસ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. તેને ‘મિશન 500’ નામ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ વચ્ચેની બેઠકમાં વેપાર અને ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ. જો ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર વાર્ષિક 500 અબજ ડોલર સુધી પહોંચે છે, તો ભારતીય કંપનીઓને તેનો ફાયદો થશે. તેમને તેમની નિકાસ વધારવાની તક મળશે. ટ્રમ્પે મોદીની હાજરીમાં કહી દીધું કે, ભારત જેવું વર્તશે, તેવું જ અમે વર્તશું
ભારત મોસ્ટ ફેવર્ડ નેશન (વેપાર પ્રેફરન્શિયલ દેશો) યાદીમાં સમાવિષ્ટ દેશો પર સરેરાશ 17 ટકા ટેરિફ લાદે છે. જ્યારે અમેરિકા ૩.૩ ટકા ડ્યુટી લાદે છે. વિશ્વના મોટાભાગના મુખ્ય અર્થતંત્રોએ અમેરિકાને તેમની મોસ્ટ ફેવર્ડ નેશન યાદીમાં સામેલ કર્યું છે.
ડ્યુટીના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું, ભારત જે પણ ડ્યુટી વસૂલશે, અમે પણ તે જ ડ્યુટી વસૂલ કરીશું. અમે ભારત સાથે એવું વર્તન કરી રહ્યા છીએ જે રીતે ભારત અમારી સાથે વર્તે છે. ટ્રમ્પે કેટલાક અમેરિકન ઉત્પાદનો પર ભારત દ્વારા લાદવામાં આવેલી આયાત ડ્યુટીને ખૂબ જ અન્યાયી અને કઠોર ગણાવી હતી. મોદીની હાજરીમાં ટ્રમ્પે ચીનના વખાણ કર્યા
ટ્રમ્પ અને મોદીની મુલાકાત દરમિયાન ચીન પર પણ ચર્ચા થઈ હતી. પછી પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં પણ ટ્રમ્પે ચીનનો પક્ષ લીધો. ટ્રમ્પે એવી ઓફર કરી કે, ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને રોકવા માટે અમેરિકા મધ્યસ્થી કરશે. પણ ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આવા મુદ્દાઓ પર ભારતનો અભિગમ હંમેશા દ્વિપક્ષીય રહ્યો છે. અમારા કોઈપણ પડોશી દેશ સાથે અમારા ગમે તે મુદ્દાઓ હોય, અમે તેને દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ ઉકેલીશું. ટૂંકમાં, ભારતે આડકતરી રીતે અમેરિકાને એવું કહી દીધું કે, એ અમે ફોડી લઈશું. ટ્રમ્પે તો જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે, ”હું ભારત તરફ જોઉં છું, મને ભારત-ચીન સરહદ પર ભયંકર અથડામણો દેખાય છે અને મને લાગે છે કે આ ચાલુ જ રહે છે. જો હું આ બધું રોકવા માટે કંઈક મદદ કરી શકું તો મને ખૂબ આનંદ થશે. આ બધું લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ખૂબ જ હિંસક પણ છે.” આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હોય. ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ભારત-ચીન અને ભારત-પાકિસ્તાન બંને વિવાદોમાં મધ્યસ્થી કરવાની ઓફર પણ કરી હતી. ભારતે એ વખતે પણ ટ્રમ્પના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ટ્રમ્પે ચીનને મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો
જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડિયા ટુડેના પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે, “તમે ભારત સાથે વેપાર અંગે કડક વલણ રાખશો તો તમે ચીનને કેવી રીતે હરાવશો? આનો જવાબ આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે કોઈને પણ હરાવી શકીએ છીએ પરંતુ અમારો હેતુ કોઈને હરાવવાનો નથી. અમે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છીએ અને સારું કામ કરી રહ્યા છીએ. ચીન સાથેના સંબંધો અંગેના અન્ય પ્રશ્નોના જવાબ આપતાં ચીનને એક મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો. ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે કે અમેરિકાના ચીન સાથે ખૂબ સારા સંબંધો રહેશે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે કોવિડ-19 પહેલાં પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના સારા મિત્ર હતા. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવામાં ચીન પણ અમેરિકાને મદદ કરી શકે છે. મોદી-ટ્રમ્પનો આતંકવાદ સામે લડવાનો હુંકાર
ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને 26/11 અને પઠાણકોટ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠોડામાં લાવવા જોઈએ. પાકિસ્તાને ખાતરી કરવી જોઈએ કે તેની જમીનનો ઉપયોગ અન્ય કોઈ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન થાય. આતંકવાદ એ ફેલાતી બીમારી છે અને તેની સામે આપણે લડવું જોઈએ. વિશ્વના દરેક ખૂણામાંથી આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કરવો જોઈએ. બંને દેશોએ 26/11 મુંબઈ જેવા આતંકવાદી હુમલાઓ અને અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટોને રોકવા માટે અલ-કાયદા, ISIS, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સહિત તમામ આતંકવાદી સંગઠનો સામે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વિના ચેતવણીનો સંકેત આપ્યો કે આ વર્ષની શરૂઆતથી અમેરિકાએ ભારત સાથે અબજો ડોલરની લશ્કરી ખરીદીમાં વધારો કર્યો છે. અમેરિકા અને ભારત વિશ્વ માટે ખતરો ઊભો કરી રહેલા કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદનો સામનો કરવા માટે પહેલાની જેમ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. ભારત-અમેરિકાના નિવેદનથી પાકિસ્તાન નારાજ
ભારત-અમેરિકાના આતંકવાદ સામે લડવાના સંયુક્ત નિવેદનમાં એવો મુદ્દો હતો કે, પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે છે. સંયુક્ત નિવેદનમાં આતંકવાદ અંગે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી હતી. હવે બંને દેશોના આ સંયુક્ત નિવેદનથી પાકિસ્તાન ઉશ્કેરાયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને આ નિવેદનને એકતરફી ગણાવ્યું. શફકત અલી ખાને કહ્યું કે અમેરિકા અને ભારતનું આ નિવેદન માત્ર એકતરફી નથી પણ ભ્રામક અને રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ પણ છે. પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા શફકત અલી ખાને વધુમાં કહ્યું કે પાકિસ્તાનને આશ્ચર્ય થાય છે કે પાકિસ્તાનના બલિદાનને અવગણીને તેના માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું. જે ફાયટર જેટ અમેરિકા ભારતને વેચવા માગે છે, તેની સામે ઈલોન મસ્કે સવાલ ઉઠાવ્યા
ભારત અને અમેરિકા વચ્ચે અબજો ડોલરની ડિફેન્સ ડિલ થઈ શકે છે અને તેમાં અમેરિકા પોતાના F-35 ફાયટર જેટ ભારતને વેચવા માગે છે. પણ હવે થયું છે એવું કે, ઈલોન મસ્કે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ સામે સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે F-35 માં ડિઝાઇન સ્તરે જ ખામીઓ છે. તેનું પરિણામ એ આવ્યું કે તે તે વિમાન જટિલ અને મોંઘું બની ગયું. આ ઉપરાંત, ડ્રોનના યુગમાં માનવ સહિત ફાઇટર જેટ જૂના થઈ ગયા છે. આનાથી ફક્ત પાઇલટ્સને જ જોખમ થશે અને તેમના જીવ જોખમમાં મુકાશે.
દુનિયાનું સૌથી ખતરનાક સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ઘણી વખત ક્રેશ થયું છે. જો એક વિમાન ક્રેશ થાય તો અમેરિકાને લગભગ 832 કરોડ રૂપિયાનું નુકસાન થાય. આ અમેરિકાના સૌથી મોંઘા જેટ પ્રોગ્રામનું વિમાન હતું. ગયા વર્ષે યુએસ એરફોર્સનું F-35 લાઈટનિંગ-2 સ્ટીલ્થ ફાઇટર જેટ ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ પહેલા દક્ષિણ કેરોલિનામાં પણ આવું જ એક ફાઇટર જેટ ગુમ થયું હતું. જે પાછળથી એક ઘરની પાછળ તૂટેલું મળી આવ્યું હતું. તેનો કાટમાળ દક્ષિણ કેરોલિનાના જોઈન્ટ બેઝ ચાર્લ્સટનથી 96 કિમી દૂર વિલિયમ્સબર્ગ કાઉન્ટીમાં મળી આવ્યો હતો. આનો મતલબ એવો થયો કે, ભારતે સમજી વિચારીને આ ફાઈટર જેટ ખરીદવા પડશે. અત્યારે સ્થિતિ એવી છે કે, ટ્રમ્પ આ પ્લેન ભારતને પરાણે ‘પધરાવી દેવા’ માગે છે. ભારત દર વર્ષે 11 લાખ કરોડનું ક્રૂડ ઓઈલ બીજા દેશો પાસેથી ખરીદે છે ને ટ્રમ્પની નજર આના પર છે
ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. પરંતુ ભારત તેની ઓઈલની જરૂરિયાતના 80 ટકા અન્ય દેશોમાંથી આયાત કરે છે. આ 80 ટકા ઓઈલ આયાત કરવા માટે ભારતે 2024માં 132 અબજ ડોલર ખર્ચ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ભારતની આ ઓઈલની ખરીદી પર છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી જેટલા ઓઈલની જરૂર હોય તેટલું ખરીદે. ભારતની ક્રૂડ ઓઇલની ખરીદી ક્ષમતા એટલી વિશાળ છે કે તે કોઈપણ દેશને ડોલરથી સમૃદ્ધ બનાવી શકે છે. જાણીને નવાઈ લાગશે પણ ભારત બીજા દેશોમાંથી જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેના પર દર વર્ષે 132 બિલિયન ડોલરની રકમ ચૂકવે છે. એટલે 11 લાખ કરોડ રૂપિયા થયા. અમેરિકા ઇચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી જેટલું તેલની જરૂર હોય તેટલું ખરીદે. ભારતની ક્રૂડ ઓઇલની ખરીદી ક્ષમતા એટલી વિશાળ છે કે તે કોઈપણ દેશને ડોલરથી માલામાલ બનાવી શકે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા, ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્રૂડ ઓઈલના સોદાનો મુદ્દો ગાઈ વગાડીને ઉઠાવ્યો. ટ્રમ્પે પીએમ મોદી સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમારી પાસે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ ઓઈલ અને ગેસ છે. ભારતને આની જરૂર છે. અમે ભારત સાથે કામ કરવા જઈ રહ્યા છીએ, અમે નજીકના ભવિષ્યમાં ભારત સાથે એક મોટા વેપાર કરારની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. મોદીએ અમેરિકાની પ્રેસ કોન્ફરન્સમાં બે સવાલના જવાબ આપ્યા
હકીકતે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના હતા અને તે જ પ્રશ્નોના જવાબ આપવાના હતા પણ પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ બે સવાલોના જવાબ આપ્યા હતા. આવું પહેલીવાર બન્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિની પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વડાપ્રધાને જવાબ આપ્યા હોય. બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કેસ લાંચનો આરોપ મૂક્યો છે. તેના વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે મોદીએ જવાબ આપ્યો કે, બે દેશના રાષ્ટ્ર અધ્યક્ષ મળે ત્યારે આવા મુદ્દા પર વાત કરતા નથી. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો પરના સવાલમાં મોદીએ કહ્યું કે, દસ્તાવેજો વગર અમેરિકામાં રહેતા ભારતીયોને પાછા લેવા અમે તૈયાર છીએ. ભારતના વડાપ્રધાન તરીકેના લગભગ 11 વર્ષના કાર્યકાળમાં મોદીની આ ત્રીજી પ્રેસ કોન્ફરન્સ હતી. તેમણે ક્યારેય એકલા પ્રેસ કોન્ફરન્સ યોજી નથી. 2019માં તેઓ તત્કાલીન પાર્ટી પ્રમુખ અમિત શાહની બાજુમાં બેઠા હતા કારણ કે શાહે બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને 2023માં તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે બે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ટ્રમ્પે મોદી સામે ઘણા મુદ્દા ઉઠાવ્યા પણ મોદીએ ટ્રમ્પને એક લાઈનમાં સરસ જવાબ આપી દીધો. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા અમેરિકાના રાષ્ટ્રીય હિતને સર્વોપરી માને છે. તેમની જેમ હું પણ ભારતના રાષ્ટ્રીય હિતને બીજા બધાથી ઉપર રાખું છું.