સુરતના પુણા વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી લૂંટ વિથ ગેંગરેપની બનેલી ઘટનામાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક સ્પેશિયલ ટીમ બનાવીને આરોપીઓની ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેથી 17 કલાકમાં જ સુરતથી 350થી વધુ કિમી દૂર ભાવનગરના કમલેજ ગામ નજીક જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે ગોવાળના વેશમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ જંગલ વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પાસે હથિયાર પણ હતું. આ સાથે જે મકાનમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેના ટેરેસ પર જ દારૂની પાર્ટી કરી હતી અને ત્યાર બાદ આ જધન્ય કૃત્ય આચર્યું હતું. શું હતી ઘટના?
મૂળ ભાવનગરના વતની એવા દંપતી પુણાગામના સીતાનગર ચાર રસ્તા પાસે ગીતાનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં રહે છે. મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેસ પટ્ટીના કારખાનામાં નોકરી કરે છે. 13 ફેબ્રુઆરીની રાત્રે દંપતી જમીને સુઈ ગયું હતું. દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં 2 શખસે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. દંપતીએ કોણ છે એમ પુછતા આ બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું. જેથી પતિએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ મોઢા પર બુકાનીધારી બદમાશ ચપ્પુ લઇને ઘરમાં ઘુસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. પતિને બંધક બનાવીને પત્નીને ટેરેસ પર લઈ જઈને નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવ દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ બનાવ્યો હતો અને ત્યાર બાદ નીચે આવી તેના પતિને વીડિયો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે 35,000 રોકડા અને દાગીના સહિત 60,000 ના મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટની સાથે સામૂહિક બળાત્કારની ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 10 પોલીસ કર્મચારીની સ્પેશિયલ ટીમ બનાવી હતી
ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં પુણા પીઆઇ વીએમ દેસાઈ અને વરાછા પીઆઈ આરબી ગોજીયા, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ સહિતના 10 પોલીસ કર્મચારીઓનો સ્પેશિયલ ટીમમાં સમાવેશ કર્યો હતો. બંને આરોપીઓ આ ઘટના બાદ સુરતથી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ ભાવનગર સાઈડ ભાગ્યા હોવાની જાણ થતા જ સ્પેશિયલ ટીમમાં રહેલા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોજીયા સહિતના 7 પોલીસકર્મીઓની ટીમ ખાનગી વાહનોમાં ભાવનગર તરફ રવાના થયા હતા. ગણતરીના કલાકોમાં જ આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓને સુરત લાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ તેમનું મેડિકલ અને ઓળખ પર રેડ કરવામાં આવશે. સીસીટીવીમાં ત્રણ શકમંદો હોવાનું જણાયું હતું અને સીસીટીવીમાં જોવા મળેલા ત્રીજા યુવકની આ ઘટનામાં સંડોવણી છે કે, નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસની ટીમ 350 કિમી દૂર ભાવનગર પહોંચી
13 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે 350 કિલોમીટરથી વધુનું અંતર કાપીને રાત્રે 2 વાગ્યા આસપાસ ભાવનગર પહોંચ્યા હતા. બંને આરોપીઓ પીડિત મહિલા અને તેના પતિનો મોબાઇલ પણ લઈ ગયા હતા. આરોપીઓએ પીડિત અને પોતાના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધા હતા. જોકે બંને આરોપીઓ દ્વારા કરવામાં આવતા યુપીઆઈ અને બેંક ટ્રાન્જેક્શન પર નજર રાખવામાં આવી રહી હતી. જેથી બંને ભાવનગરના કમલેજ ગામ આસપાસમાં ગયા હોવાની આધારે પોલીસ ત્યાં પહોંચી હતી. બંને આરોપી જંગ્લેશ્વર મહાદેવ મંદિરમાં છૂપાયા હતા
વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્પેશિયલ ટીમના સભ્ય એવા આર.બી. ગોજિયાએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ કમલેજ ગામથી અંદર ત્રણ કિલોમીટર જંગલ વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયા હતા. હ્યુમન ઈન્ટેલીજેન્સના આધારે આ માહિતી મળતા રાત્રે ત્યાં પહોંચ્યા હતા. જંગલ વિસ્તાર અને આરોપીઓ પાસે હથિયાર પણ હોવાની શક્યતાના પગલે જીવનું જોખમ પણ હતું. જેથી આ જંગલ વિસ્તારમાં જતા ગોવાળોની મદદ લેવામાં આવી હતી. આ સાથે જ અમારી ટીમના સાત જેટલા સભ્યો દ્વારા ગોવાળોનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો. ચારેય તરફથી કોર્ડન કરીને બંને આરોપીને ઝડપી પાડ્યા
રાત્રિના સમયે જ જંગલેશ્વર મહાદેવ મંદિરે વીડિયોગ્રાફી કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ કઈ રીતે કોર્ડન કરવાથી બંને આરોપીઓ ઝડપાઈ શકે છે તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. સવારે 5:30 વાગ્યા આસપાસ તમામ પ્રકારની તપાસ બાદ બંને આરોપીઓને પકડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચારેય તરફથી મંદિરને કોર્ડન કરીને બંને આરોપીઓ નિકુંજ અને દિનેશને સુતેલી હાલતમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી કોઇતા ટાઈપનું ચપ્પુ જેની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે પણ કબજે લેવામાં આવ્યું હતું. આ સાથે તેમની પાસે રહેલા પીડિતનું આધારકાર્ડ અને બંને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
પુણા પીઆઇ વીએમ દેસાઈએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને જોતા જ તાત્કાલિક તમામ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જે મકાનમાં ઘટના બની છે, ત્યાં પણ તમામ પ્રકારની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવીમાં પણ આરોપીઓ કેદ થઈ ગયા હતા. બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી નિકુંજ વિરુદ્ધ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી દિનેશ વિરુદ્ધ હત્યા સહિત 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે ત્રીજો જે શકમંદ છે તેના વિરુદ્ધ પણ બે જેટલા ગુનાઓ નોંધાયેલા છે. દારૂ પીધા બાદ દંપતીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો
પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપી નિકુંજ કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાઈનાથ સોસાયટીમાં જ રહે છે. જ્યારે બીજો આરોપી દિનેશ ગીતાનગર સોસાયટીમાં જ રહે છે. નિકુંજ અને દિનેશ અવારનવાર જે મકાનમાં આ ઘટના બની છે તે મકાનના ટેરેસ પર દારૂની પાર્ટી કરતા હોય છે. 13 ફેબ્રુઆરીની રાત્રે અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવ દારૂ પાર્ટી કરવા માટે ટેરેસ પર ગયા હતા. ચીકકાર દારૂ પીધા બાદ અમિત ઉર્ફે રઘુ રોકડા સાથે તમામ જતા રહ્યા હતા. જોકે, ત્યાર બાદ નિકુંજ અને દિનેશે પહેલાં માળે રહેતા દંપતીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. દરવાજો ખોલતા જ પતિ-પત્નીને બંધક બનાવ્યા હતા
નિકુંજ અને દિનેશ મોઢે રૂમાલ બાંધીને દંપતીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને પૂણા પોલીસમાંથી આવીએ છીએ એવું કહીને દરવાજો ખોલીને પતિ-પત્નીને બંધક બનાવી લીધા હતા. ત્યાર બાદ પતિના દુપટ્ટા વડે હાથ અને પગ બાંધી દઈને દિનેશ અને નિકુંજ મહિલાને ટેરેસ પર લઈ ગયો હતો અને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ નીચે જઈને પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલા પતિ-પત્નીએ સવાર સુધી આ બાબતે કોઈને જાણ કરી ન હતી અને ત્યાર બાદ ફરી આગળ નોંધાવી હતી.