સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે! ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ-ચલણ અને સ્થળ-દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 772 સીસીટીવી કેમેરા અને ડ્રોનના દેખાવથી જ લોકો સંતાઈ ગયા!
સવારથી જ શહેરના મોટા જંકશન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ. જેમ જ ડ્રોન ઉડાવાયું કે, હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાઈ ગયા. કેટલાક લોકોએ આગળ ઊભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો, તો કેટલાક લોકો રીક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા. કેટલાક લોકોએ તો ચશ્મા કે મફ્લર પહેરી લીધાં, જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે, પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત એક્શન મોડમાં આવી અને આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરીને ચલણ ફટકારી દીધાં! હેલ્મેટ વિના લોકોના નવીન બહાના – “હું! બસ ઘર નજીક જ જઈ રહ્યો હતો!”
ડ્રોન અને સીસીટીવીના આધારે એક જ દિવસમાં હજારો ઈ-ચલણ જનરેટ થયા, અને અનેકો લોકો પોલીસ સમક્ષ જાતજાતના બહાના લગાવતા દેખાયા. “હું! ઘર નજીક જ જઈ રહ્યો હતો, માટે હેલ્મેટ ન પહેર્યું!”- “હું ફક્ત દૂધ લેવા ગયો હતો!”- “મારું હેલ્મેટ બાઈકની ડીકીમાં છે!”- “હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો!” પરંતુ ટ્રાફિક પોલીસના “વન નેશન, વન ચલણ” એપમાં આટલા બધા બહાના ચલાવા જેમ નહોતા. પાંચથી વધુ ઈ-ચલણ થઈ ગયાં હોય તો લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે. ટ્રાફિક પોલીસે કહ્યું – હવે હેલ્મેટ વિના બચવું મુશ્કેલ!
ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે, ડ્રોન, સીસીટીવી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા હેલ્મેટ વગરના લોકોની અટકાયત થઈ રહી છે. 3000થી વધુ પોલીસ કર્મીઓ ટ્રાફિક જંકશન પર તૈનાત છે અને 40થી વધુ ટીમો સ્થળ-દંડ વસૂલ કરી રહી છે.જો કોઈએ ડ્રોન જોઈને સંતાવાનો પ્રયાસ કર્યો, તો પણ બચવાની શક્યતા શૂન્ય છે, કેમ કે સીસીટીવી કેમેરા અને VOC સિસ્ટમ તરત જ વાહન નંબર સ્કેન કરીને ઈ-ચલણ મોકલી દેશે. “હેલ્મેટ ન પહેરતા હો, તો સજ્જ રહો!” – સુરત ટ્રાફિક પોલીસની ચેતવણી
હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું શક્ય નહીં રહે. ડ્રોન અને કેમેરા દ્રારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસનો આ સ્પષ્ટ સંદેશ છે – “સલામતી માટે હેલ્મેટ પહેરો, નહીં તો દંડ ભરવા તૈયાર રહો!”