back to top
Homeગુજરાતજમીન જ નહીં, કાગળ પરથી નદી ગાયબ કરી ઇમારતો બાંધી:પાલનપુરના સ્થાનિક બોલ્યા-...

જમીન જ નહીં, કાગળ પરથી નદી ગાયબ કરી ઇમારતો બાંધી:પાલનપુરના સ્થાનિક બોલ્યા- કલેક્ટરે ખોટા લીટા મારી સહી કરાવી; ક્યાંય પણ મિલકત ખરીદો તો આટલું ધ્યાન રાખજો

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે ત્યાં ચોમાસું આફત બનીને આવે છે. એમાં પણ શહેરી વિસ્તારોમાં તો નાવ તરતી મૂકવી પડે એવાં દૃશ્યો તમે જોયાં જ છે. મોટા ભાગના કિસ્સામાં આવો પૂર કુદરતોનો પ્રકોપ નહીં, પણ હાથે કરીને નોતરેલી આફત જ કહેવાય. આ વાતનો પુરાવો છે દિવ્ય ભાસ્કરે કરેલું ઇન્વેસ્ટિગેશન. ગુજરાતમાં એક એવું શહેર છે, જેની વચ્ચેથી વહેતી નદી ‘ખોવાઈ’’ ચૂકી છે. બની શકે વાંચવામાં, સાંભળવામાં જરા અજુગતું લાગે, પણ હકીકત કંઈક આવી જ છે. નગરપાલિકામાં ચૂંટાયેલા નેતા હોય કે મોટા અધિકારી હોય… ઘણાને ‘મળતી’ જ નથી! વાત પાલનપુરની છે. અંદાજે પોણાબે લાખની વસતિ ધરાવતું આ શહેર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. છેલ્લાં 20-30 વર્ષમાં વિકાસના દૃષ્ટિકોણથી પાલનપુરની સૂરત ઘણા અંશે બદલાતી રહી, પરંતુ આ પરિવર્તનના દીવા તળે એની ઓળખ ભૂંસાઈ જાય એવું અંધારું છે. વર્ષો પહેલાં પાલનપુર શહેરમાંથી લડબી નામની એક નદી નીકળતી હતી, ‘હતી’ શબ્દ એટલા માટે, કારણ કે હવે માત્ર જમીન પર જ નહીં, સરકારી ચોપડે પણ નદીને શોધવી અઘરી પડી રહી છે. દિવ્ય ભાસ્કરે કરેલા ઇન્વેસ્ટિગેશનમાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. આજના રિપોર્ટમાં વાંચો કેવી રીતે 25 કિલોમીટર લાંબી નદીનું અસ્તિત્વ જ ખતમ કરી નાખવામાં આવ્યું અને આ સુનિયોજિત કાવતરું કરીને કેટલાક લોકોએ કરોડો રૂપિયા છાપી પણ લીધા. ગયા વર્ષે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને પોણા ભાગનું શહેર જળબંબાકાર થઈ ગયું હતું એવું જ પૂર 2007 અને 2017માં પાલનપુરમાં આવ્યું હતું. આ પાછળનું કારણ પણ પાલનપુરની લડબી નદી પરનાં દબાણોને જ માનવામાં આવે છે. બે-બે વખત પૂર આવ્યાં છતાં પણ અહીંના શાસકો અને અધિકારીઓએ કોઈ ચિંતા કરી નથી અને નદીના પટ વિસ્તારમાં બેફામ રીતે સોસાયટી, શોપિંગ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, સ્કૂલ અને શો રૂમનું બાંધકામ થવા દીધું છે. આ હકીકત સામે લાવવા માટે દિવ્ય ભાસ્કરે પાલનપુર શહેરના ઇતિહાસ, વર્તમાન, ભૂગોળની સ્થિતિને જાણી-સમજી. ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઘણા પુરાવા હાથ લાગ્યા. જે નદી 100 વર્ષ પહેલાં શહેરની શાન હતી એને આજે સત્તાધીશો નદી માનવા તૈયાર જ નથી. ઇન્વેસ્ટિગેશન દરમિયાન નગરપાલિકાને પ્રમુખે દિવ્ય ભાસ્કર સમક્ષ બોલ્યા, એ નદી છે કે નાળું, હું ન કહી શકું. પરંતુ ભાસ્કર પાસે 111 વર્ષ જૂનો ‘પાલનપુર સ્ટેટ’નો રાજાશાહી સમયનો નકશો છે, જે જવાબદાર લોકોની નફ્ફટાઇ તેમજ બેફિકરી સામે અરીસા સમાન છે. જો તમને એવું લાગતું હોય કે પાલનપુરની લડબી નદી પર દબાણ થાય તો મારે કાંઈ લેવાદેવા નથી તો ઊભા રહો! વિશ્વામિત્રીમાં પૂર આવ્યું અને વડોદરાવાસીઓ બોર-બોર આંસુએ રડ્યા. એવું તમારા શહેરમાં પણ થઈ શકે છે. પરસેવાની મહેનતની કમાણીથી બનાવેલું ઘર પાણીમાં ડૂબે ત્યારે આપણને લડબી કે વિશ્વામિત્રી યાદ આવે છે. લડબી નદીને ખોઈ નાખવા માટે કાગળ પર કેવી મોડસઓપરન્ડી અપનાવવામાં આવી? કેવી રીતે દબાણ વધતું ગયું અને મસમોટી ઇમારતો ચણી દેવામાં આવી? કોની રહેમનજર હેઠળ ક્યાં-ક્યાં બાંધકામ થયું છે? એ માહિતી દિવ્ય ભાસ્કર ઇન્વેસ્ટિગેશન કરીને બહાર લાવ્યું છે. પાલનપુરના શાસકો અને અત્યારના તેમજ અગાઉના અધિકારીઓ કેવી રીતે જાણ્યે-અજાણ્યે મૌન રહ્યા અને નદી જ ગુમ થઈ ગઈ એનો પણ ખ્યાલ આ રિપોર્ટ પરથી આવી જશે. સૌથી પહેલા પાલનપુરમાં વિકાસના નામે પૂર જેવી આફતને સામે ચાલીને કેવી રીતે નોતરું આપવામાં આવ્યું એને નીચે આપેલી તસવીરો મારફત સમજો. પછી ગ્રાઉન્ડ રિયાલિટીથી પણ તમને રૂબરૂ કરાવીએ. ઉપરની બન્ને તસવીરો સેટેલાઇટની મદદથી લેવામાં આવી છે. એક તસવીર 12 ડિસેમ્બર, 2010ની છે, જ્યારે બીજી તસવીર 28 ફેબ્રુઆરી, 2024ની છે. આ બન્ને તસવીરની સરખામણી કરીએ તો સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે વીતેલાં 14 વર્ષમાં પાલનપુરમાં બાંધકામ ખૂબ વધ્યું છે. એમાં પણ લડબી નદીના કાંઠે ઘણી ઇમારતો બંધાઈ ચૂકી છે. 2010ની સેટેલાઇટ તસવીરમાં નદીનો પટ વિસ્તાર સ્પષ્ટ રીતે જોવા મળે છે, પરંતુ ધીમે-ધીમે આ જગ્યાએ ખાનગી બાંધકામ વધતું ગયું અને હવે લડબી નદીનું અસ્તિત્વ જ જોખમમાં છે. જુઓ લડબી નદીની હાલત… તમે માનો કે ન માનો! પરંતુ ઉપર જોવા મળતાં બન્ને દૃશ્યો લડબી નદીનાં છે. એક જગ્યાએ નદીને નાનકડા RCC બોક્સમાં સમેટી દેવામાં આવી છે. માણસના કદ કરતાં પણ નાની નદી! બીજું દૃશ્ય પણ લડબી નદીનું છે, જ્યાં એક શોપિંગ કોમ્પ્લેક્સ જવાના રસ્તે નદી આડી આવતી હતી તો RCCનું બાંધકામ કરીને નદીના વહેણ ઉપર જ આવન-જાવન માટે રસ્તો બનાવી દીધો. કયા નિયમ-કાયદાનો ભંગ થયો કહેવાય? ઉપરોક્ત નિયમ પ્રમાણે, નદીકિનારે પાણીના પ્રવાહની બન્ને બાજુ 15-15 મીટરની જગ્યા છોડીને જ બાંધકામ થઈ શકે છે. જો તળાવ, કેનાલ કે નાળું હોય તો બન્ને તરફ 9-9 મીટર જગ્યા છોડ્યા પછી જ બાંધકામની પરવાનગી મળે છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે પણ નદી, તળાવ, વહેળા વિસ્તારમાં પુરાણ ન થાય એ માટે નિયમ બનાવ્યો છે, જેનો દસ્તાવેજી પુરાવો નીચે જુઓ. હવે ગ્રાઉન્ડ રિયાલિટી જુઓ.
લડબી નદી પાલનપુર નજીક આવેલા કરજોડા-સદરપુરમાંથી ઉદ્ભવે છે. આ જગ્યા પાલનપુરથી લગભગ 5થી 7 કિલોમીટરના અંતરે આવેલી છે. ત્યાંથી નદી આગળ વધીને પાલનપુરમાં પ્રવેશ કરે છે. શહેરમાંથી પસાર થઈને ગઢ ગામ સુધી જાય છે. આમ, કરજોડાથી ગઢ ગામ સુધી લડબી નદીની લંબાઈ લગભગ 25 કિલોમીટર છે. દિવ્ય ભાસ્કરે નદીના ઉદભવ સ્થાનથી લઈને પાલનપુર શહેરમાં નદીનું વહેણ જે-જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં જઈને રૂબરૂ તપાસ કરી છે. દબાણ કરવા માટે કેવી યુક્તિ અપનાવાઈ એ જાણ્યું. આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન બાંધકામની તસવીરો તેમજ વીડિયો પણ લીધાં છે. પાલનપુર શહેરમાં પ્રવેશતાં પહેલાં જ અંબાજી હાઇવે અને રેલવેલાઇન નજીકથી નદીના બે ફાંટા પડી જાય છે. એક ફાંટો પાલનપુર શહેરમાં આવેલા માનસરોવર નામના તળાવ તરફ જાય છે, જ્યારે બીજો ફાંટો શહેરના અન્ય વિસ્તાર તરફ આગળ વધે છે. બે પાઇપલાઇનમાંથી નીકળે છે નદી!
નદી શબ્દ કાને સંભળાય એટલે ખળખળ વહેતું પાણી અને વિશાળ પટનું ચિત્ર મનમાં ઉદભવે, પરંતુ તમને નવાઈ લાગશે કે પાલનપુરમાં તો એક એવી જગ્યા છે, જ્યાંથી નદી માત્ર બે પાઇપલાઇનમાંથી વહે છે. કહેવાયને કમાલની વાત! નીચેનાં દૃશ્ય જુઓ. પાલનપુરમાં હાઇવે પાસે જ આવેલા વૃદ્ધાશ્રમ પાસે નદીનું વહેણ આ પાઇપલાઇનમાંથી પસાર થાય છે, પરંતુ આસપાસ જે કમ્પાઉન્ડ વોલ દેખાય છે એ વૃદ્ધાશ્રમની હોવાનો દાવો છે, એટલે અહીં નદીનો કોઈ ધડો જ નથી મળી રહ્યો. મોટાં માથાં શંકાના ઘેરામાં
પાલનપુરમાં રહેતા શરીફ સૈયદ ઘણા સમયથી આવા બાંધકામના વિરોધમાં કાયદેસરની લડત આપી રહ્યા છે. તેમણે કહ્યું, લડબી નદીના કાંઠે શિવમ સેલ્સે મોટું બાંધકામ કર્યું છે. આ બાંધકામ કોની માલિકીની જમીન પર થયું છે એની તપાસ કરવામાં આવે તો 100 ટકા દબાણ નીકળશે. જૂનો સર્વે નંબર 540 એ કર્મચારીનગર કહેવાય છે. એમાં જેટલી પણ સોસાયટી આવે છે એ બધું દબાણ છે. આ ઉપરાંત પાણી પાછું આવવાથી ચાણક્યપુરી, અમન પાર્ક, આનંદનગર, એકલવ્ય નગર, તિરુપતિ ટાઉનશિપ, તિરુપતિ સોસાયટી મળીને લગભગ 10 સોસાયટીમાં રહેતા લોકો પણ હેરાન થયા છે. શિવમ સેલ્સના માલિકે કહ્યું, લડબીનું કોઈ ક્ષેત્રફળ રેકોર્ડ પર બતાવતું નથી
દિવ્ય ભાસ્કરે શિવમ સેલ્સના માલિક શિવરામ પટેલનો સંપર્ક કરીને તેમનો મત જાણ્યો. શિવરામ પટેલે કહ્યું, તેમની વાતમાં કોઈ જ તથ્ય નથી. જ્યારે આવી વાત ઊઠી ત્યારે અમે માપણી કરાવી હતી. તેમણે વર્ષો પહેલાં પણ આવું કર્યું હતું. લડબીનું કોઈ ક્ષેત્રફળ રેકોર્ડ પર બતાવતું નથી. ફક્ત વહેણ જ બતાવે છે છતાં મને લાગ્યું કે મારો કોટ પડી ગયો છે એટલે માપણી કરી લેવી જોઈએ. 6-8 ઈંચ કાંઈ મોટી વસ્તું નથી. ત્યાં ખુલ્લું વહેણ જ છે. પહેલા મેં દીવાલ બનાવી, પછી સ્કૂલવાળાએ બનાવી. બાંધકામની રજાચિઠ્ઠી તેમજ બીયુ પરમિશનની નકલ અંગે પૂછતાં શિવરામ પટેલે કહ્યું, 1990 પહેલાં આ જમીન બિનખેતી થઈ છે, એટલે શોધવી પડશે, પરંતુ એ લોકો આક્ષેપ કરે. મારે શું કામ જવાબ આપવો પડે એમ હું માનું છું. લડબીના કારણે પૂર આવ્યું તો લોકોએ જ કાયદાકીય લડત પોતાના ખર્ચે શરૂ કરી
પાલનપુરમાં આજે મકાનોના ભાવ અમદાવાદ, રાજકોટ, સુરત જેવાં શહેરોની હરોળમાં જ બોલાય છે, એટલે જેમણે લડબી નદીના પટ વિસ્તારની નજીક ઘર લીધાં છે તેમની પણ ચિંતા વધી ગઈ છે. છેતરાયાની લાગણી સાથે ઘણા લોકો પરેશાન તો છે, પણ બોલવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, પરંતુ કેટલાક એવા પણ લોકો છે, જેમણે પોતાની મહેનતની કમાણીથી નદીથી ઘણે દૂર ઘર ખરીદ્યાં છે છતાં ચોમાસામાં તેઓ પણ દબાણના કારણે આવતા માનવસર્જિત પૂરનો ભોગ બને છે, એટલે જ કાયદાકીય લડત લડીને આ મુશ્કેલીનો નિવેડો આવે એ દિશામાં મથામણ કરી રહ્યા છે. આવી જ દયનીય સ્થિતિ પાલનપુરમાં સુખબાગ રોડ પર આવેલી ચાણક્યપુરી સોસાયટીના રહેવાસીઓની છે. ત્યાં રહેતા પરાગ ભાટિયાએ કહ્યું, અમારી સોસાયટી હનુમાન ટેકરીની બાજુમાં આવેલી છે. સોસાયટીમાં લગભગ 150થી 200 ઘર છે. લડબી નદીમાં વર્ષ 2007 અને 2017માં પૂર આવ્યું હતું. ત્યારે મારા ઘરમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. આ તકલીફને કારણે 2015માં હાઇકોર્ટમાં PIL પણ કરી છે, જેનો નિવેડો આવ્યો નથી. અમે સામાન્ય લોકો રૂપિયા એકત્ર કરીને કાયદાકીય લડત લડી રહ્યા છીએ. નદીકાંઠેથી દબાણ હટે તો પૂરનું જોખમ ઘટશે
પરાગ ભાટિયા આગળ કહે છે, જો કલેક્ટર કક્ષાના અધિકારીઓ આવું કરતા હોય તો સામાન્ય અધિકારીની વાત જ શું કરવી. નદીકાંઠે ઘણા દબાણ થયાં છે એટલે પાણી આવે છે. નદીના વહેણ માટે 10 ફૂટની જગ્યા પણ નથી રાખી. જો એ ખુલ્લું કરવામાં આવે તો અમારે ત્યાં પાણી ભરાઈ જવાની કોઈ તકલીફ નહીં રહે. પરાગ ભાટિયાએ પૂરની સ્થિતિ પાછળનાં વધુ કારણો ધરતાં કહ્યું, તનુ મોટર્સ નજીક અગાઉ 9 નાળાં (પાઈપનાં ભૂંગળાં) હતાં. 2007માં પાણી ભરાયું ત્યારે 3 મોટાં નાળાં કરી નાખ્યાં, એટલે હવે પાણીનો નિકાલ જ થતો નથી. નોંધવા જેવી વાત એ પણ છે કે તનુ મોટર્સ અને ધરતી રિસોર્ટના માલિક પાલનપુરના નામાંકિત બિલ્ડર દિલસુખ અગ્રવાલ, અજિત અગ્રવાલ, વિપુલ અગ્રવાલ છે. તનુ મોટર્સ અને ધરતી રિસોર્ટના માલિકનો દબાણ મુદ્દે પક્ષ જાણવા દિવ્ય ભાસ્કરે સંપર્ક કર્યો હતો. ટેલિફોનિક વાતચીતમાં અજિત અગ્રવાલે કહ્યું હતું, આ બધુ જૂનું છે એટલે મારા પિતાને ખબર હશે. એટલે ઓફિસ જઈને તેમની સાથે વાતચીત કરાવી દઉં છું. જ્યારે અજિત અગ્રવાલ પાસે તેમના બાંધકામની રજાચિઠ્ઠી તેમજ બીયુ પરમિશનની નકલની માગણી કરી તો તેમણે કહ્યું, આ ડોક્યુમેન્ટ મોબાઇલથી શેર કરવા મુશ્કેલ છે. એટલે તમારા પ્રતિનિધિને રૂબરૂ મોકલો તો હું તેમને આપી દઈશ, જોકે અજિત અગ્રવાલનો સતત ત્રણ દિવસ સુધી સંપર્ક સાધ્યા પછી પણ તેમણે આ બાબતે પ્રતિ ઉત્તર આપ્યો નહોતો. લડબી માટે લડત લડતા શરીફ સૈયદે સણસણતા આરોપ લગાવ્યા
શરીફ સૈયદે પણ આ જ વિસ્તારમાં દબાણ થયું હોવાનો દાવો કરતાં જણાવ્યું, તનુ મોટર્સની સામે ધરતી રિસોર્ટ્સ છે. તેની બાજુમાં એક ઇમારત ગેરકાયદે બાંધી દેવામાં આવેલી છે. હાલમાં તંત્રએ એ ઇમારત ટાંચમાં લીધી છે, પરંતુ નીચેની દુકાનો ગેરકાયદે રીતે ચાલે છે. અહીંથી પાણી અલગ-અલગ સોસાયટીમાં થઈને ડિસા હાઇવે તરફ આવે છે. ત્યાં એરોમા સબમર્શિબલ પંપની એજન્સીના પાછળના ભાગમાંથી નદી પસાર થાય છે. ત્યાં પણ દબાણ છે. તેમણે નિયમોને ટાંકતાં આરોપ લગાવ્યો કે ‘હાઇવેની બીજી બાજુ દક્ષિણ તરફ મેડિપોલીસ નામની એક હોસ્પિટલ પણ નદીના કાંઠા નજીક બાંધવામાં આવી છે. ત્યાં પણ કાયદેસર રીતે 15 મીટર જગ્યા છોડીને 2 ફૂટની દીવાલ બનાવવા માટે બિનખેતીના હુકમમાં લખ્યું હતું. પરંતુ આ શરતનો ભંગ થયો એટલે કલેક્ટરે બાંધકામ પર સ્ટે મૂકી દીધો હતો. પછી કોઈક રીતે બાંધકામની મંજૂરી મળી હતી. આ તસવીર ઘણું કહી જાય છે.
નીચેની તસવીરને ધ્યાનથી જુઓ. એક તરફ મેડિપોલીસ હોસ્પિટલ છે, બીજી તરફ બ્રાઇટ તુલિપ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને આ બન્નેની વચ્ચેથી લડબી નદીનો પ્રવાહ પસાર થાય છે. તસવીરમાં આ બે બાંધકામોની બાઉન્ડરી વોલ પણ જોવા મળે છે. નિયમ પ્રમાણે નદીના પ્રવાહની બન્ને તરફે નિશ્ચિત જગ્યા છોડવાની હોય છે. નોંધવા જેવી વાત એ છે કે પાલનપુરના બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ મહેશ પટેલ જ મેડિપોલીસ હોસ્પિટલના માલિક છે. દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાનો પક્ષ રાખતાં મહેશ પટેલે કહ્યું, કલેક્ટરે હુકમ કર્યો હોય, DLRએ (ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ) રેકોર્ડ આપ્યો હોય, બાંધકામની પરવાનગી આપી હોય તો હું કઈ ઓથોરિટી કે કાંઈ બોલી શકું? મને આ વાતની પાંચ વર્ષથી ખબર છે. એટલે પાંચ વર્ષથી કહેવાય છે એવું કશું જ નથી. DLRની શીટ લડબી ઉપર એમને એમ બની જાય? શું કલેક્ટર અભિપ્રાય લીધા વગર કરી આપી? ઓથોરિટી બિનખેતી કરે ત્યારે પૈસા લે અને બધુ કરતી હોય તો પણ બધા અભિપ્રાય સાચા કરાવ્યા પછી જ કામ કરે છે. એવું નથી કે નદીની આસપાસની જમીન રાતોરાત ખાનગી લોકોએ પોતાના નામે ચડાવીને બાંધકામ કરી નાખ્યું. આ બધું જ સમયાંતરે ક્રમબદ્ધ થયું છે. આ પ્રકરણને ઉજાગર કરતા શરીફ સૈયદ કહે છે, ‘લડબી નદી પાલનપુર શહેરના મધ્યમાંથી પસાર થાય છે. એટલે નદી કાંઠાની આસપાસના જમીન માલિકોએ સૌથી પહેલાં પોતાની જમીન બિનખેતી કરાવી. બિનખેતી હુકમ બાદ નગરપાલિકાએ બાંધકામની મંજૂરી આપી પણ સ્થળ તપાસ કરીને મંજૂરી મુજબ બાંધકામ થયું છે કે નહીં એ તપાસ્યું નહીં. એ જમીન બિનખેતી કર્યા બાદ જમીન માલિકોએ કોઈપણ પ્રકારના નિયમોને જોયા વગર આડેધડ બાંધકામ કર્યા. નગરપાલિકાએ બીયુ સર્ટિફિકેટ પણ નથી આપ્યા. એટલે જમીનમાલિકોએ દબાણ વધારવા માંડ્યું. આમ, નદીની બંને બાજુ દબાણ કર્યા એટલે નદી ન રહીને નાળું બની ગયું.’ શરીફ સૈયદે જણાવ્યું, મૂળ નદીના પ્રવાહની બંને બાજુ નિયમ મુજબ જગ્યા છોડવા માટે સરકારે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ) બનાવ્યો છે. અહીં નદી પસાર થવાનો રસ્તો છે, પણ અનુકૂળતા પ્રમાણે જમીનમાલિકોએ કમ્પાઉન્ડ વોલ બનાવી, નદીની વોટર બોડીમાં RCC દીવાલ બાંધી અને નદીની જમીન અંદરના ભાગમાં લઈ લીધી. આ રીતે બિલ્ડિંગ બનાવીને તેમણે ધંધો કર્યો. અમને ઇન્વેસ્ટિગેશન દરમિયાન લડબી નદીના કાંઠે આવેલા ત્રણ સર્વે નંબર 2367, 2368 અને 2371ની જમીન બિનખેતી કરાવવાની પ્રક્રિયાના ડોક્યુમેન્ટ હાથ લાગ્યા. 2020ની સાલમાં આમાંની જમીનનો એક ટુકડો બિનખેતી કરવાનો હુકમ કરતી વખતે તત્કાલીન કલેક્ટર આનંદ પટેલે કુલ 16 શરત મૂકી હતી. એમાં કેટલીક પેટા શરતો પણ સામેલ હતી. 16મા નંબરની શરતમાં 4,5 અને 6 નંબરની પેટાશરત લડબી નદી બાબતે છે. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે લડબી નદીથી નિયત અંતર છોડવા અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરનો અભિપ્રાય મેળવીને બાંધકામની પરવાનગી મેળવવાની રહેશે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની કબૂલાત શંકા ઊપજાવે છે
જ્યારે સિંચાઈ ખાતામાં આ બાબતે લેખિતમાં જવાબ માગ્યો હતો ત્યારે સિંચાઈ વિભાગે જવાબ આપ્યો કે ‘લડબી નદીથી નિયત અંતર છોડવા અંગે અમારી કચેરીનો અભિપ્રાય મેળવવા માટે બિનખેતીના હુકમમાં જણાવ્યું છે. તે અંગે અમારી કચેરીએ રેકોર્ડ ચકાસતાં આ બાબતે કોઈપણ અભિપ્રાય આપ્યો નથી.’ તેમ છતાં નગરપાલિકા બાંધકામની મંજૂરી કેવી રીતે આપી શકે? એ યક્ષ પ્રશ્ન છે. શું આનો અર્થ એમ સમજવો કે પાલનપુર નગરપાલિકાએ ખોટી રીતે બાંધકામની મંજૂરી આપી હોઈ શકે છે? કે આપી જ નથી અને બાંધકામ થઈ ગયું? જો આ રીતે નગરપાલિકા રેકોર્ડ સાથે ચેડાં થયા હોય, કલેકટરના હુકમનો અમલ ન કરે તો શરત ભંગ થાય અને શરત ભંગના કિસ્સામાં કલેક્ટરને અધિકાર છે કે બિનખેતીની મંજૂરી રદ કરે. તત્કાલીન કલેક્ટરે મૂકેલી શરતોનું પાલન ન થયું હોય અને બાંધકામ થઈ ગયું હોય તો આ કિસ્સામાં લડબી નદી ઉપરના તમામ બાંધકામની કાયદેસરતાની ચકાસણી કરવી જોઈએ. શરીફ સૈયદે એક વિવાદાસ્પદ બાંધકામ અંગે કહ્યું, ‘પાલનપુરમાં મોટાનાળા નજીક હાલમાં એક મોટું શોપિંગ સેન્ટર બની ગયું છે. આ જમીનના માલિકો અલગ-અલગ હતા. ગુજરાત જમીન મહેસૂલ નિયમ-1972ની કલમ 11 મુજબ જમીન માલિક એક જ હોય તો જમીન એકત્રીકરણ થાય. એકત્રીકરણ પહેલાં મામલતદાર અને સર્કલ ઓફિસરે સ્થળ તપાસ કરી પંચનામું કરવું પડે. કોઈ નદી, નાળુ, સરકારી ખરાબો કે વોકળો પસાર થતો નથી એ પંચનામું કરીને જમીન એકત્રીકરણ થાય. પરંતુ જમીનના અલગ-અલગ ટુકડા હોય અને માલિક અલગ હોય તો એકત્રીકરણ થાય નહીં. એટલે 3 માલિકમાંથી એક જ માલિક કરવો પડે અને પછી જ બિનખેતી થાય. આ કિસ્સામાં જમીન બિનખેતી થઈ એટલે રોડ ટચ સુધી ખાનગી માલિકીની જમીન થઈ ગઈ છે. આ જમીન 100 ટકા બિનખેતી થઈ ગઈ હોવાનો નગરપાલિકા કચેરીએ જવાબ આપ્યો છે.’ 15 નહીં, પરંતુ નદીની 45 મીટર જમીન પર દબાણ
શરીફ સૈયદ આટલેથી ન અટકતાં આ મોટી ગેરરીતિને ખુલ્લી પાડવાના દાવા સાથે કહે છે, ‘નદીની 15 મીટર જમીન તો બિનખેતી થઈ ગઈ છે. આ ઉપરાંત નદીની બન્ને બાજું 15-15 મીટર જમીન એટલે કુલ 45 મીટર જમીન દબાવી લીધી છે. એના કારણે ચોમાસામાં પૂર આવશે ત્યારે પાસેના નેશનલ હાઈવેને પણ નુકસાન થશે. સરકારે તાજેતરમાં જ 99 કરોડના ખર્ચે પુલ બનાવ્યો છે. આ પુલના પીલર નદીની જમીનમાં છે. એટલે પાણી ભરાસે તો સરકારી માલ-મિલકતને નુકસાન થાય અને વાહન-વ્યવહાર ઠપ થાય એવી સ્થિતિ છે.’ પાલનપુરમાં 2007 અને 2017માં પૂર આવ્યું ત્યારે લગભગ 17 સોસાયટીમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. એટલે કંટાળેલા લોકોએ એકજૂથ થઈને હાઇકોર્ટમાં PIL કરી લડબી નદી પર થયેલા દબાણ દૂર કરવા માટે દાદ માગી હતી. જેમાં અરજદાર તરીકે પ્રથમ નામ શરીફ સૈયદ અને બીજું નામ સોસાયટીના રહીશ દલપતભાઈ વાઘેલાનું છે. સમસ્યા કહો કે ચપળતા! પાલનપુરમાં સત્તામાં રહી ચૂકેલા અને હાલમાં સત્તા ભોગવી રહેલા ઘણા લોકો એવું માને છે કે લડબી નદીનું અસ્તિત્વ જ નથી. તેમનો તર્ક છે કે આ નદી નોટિફાઇડ નથી. લડબી નદીના પ્રકરણમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ખુદ નગરપાલિકાના પ્રમુખ જ મૂંઝાયેલા છે કે પાણીના આ વહેણને નદી ગણીએ કે નાળું? નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી સ્વીકારે છે કે પાલનપુરમાં જે પણ બાંધકામને મંજૂરી આપવામાં આવે છે તેમાં નદીની આસપાસ ચોક્કસ જગ્યા છોડવાને નિયમ પાળવામાં આવે છે. પરંતુ પ્રમુખ પોતે અજાણ છે કે કેટલી જગ્યા છોડવી જોઈએ. કલેક્ટરે માપણી માટે ગાંધીનગર લખેલા પત્રમાં પણ લડબીને નદી ગણી
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ભલે હજુ એ નક્કી ન કરી શક્યા હોય કે લડબીને નદી કહેવી કે નાળું. પરંતુ 2017માં પાલનપુરમાં આવેલા પૂર બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને નદીનું ચોક્કસ માપ અને પહોંળાઈ જાણવા માટે બનાસકાંઠાના તત્કાલીન કલેકટર સંદીપ સાંગલેએ 2018માં ગાંધીનગર ખાતે પત્ર લખ્યો હતો અને ટીમ દ્વારા માપણી કરાવી હતી. આ પત્રમાં લડબીને નદી જ ગણી છે. નોંધવા જેવી વાત એ છે કે સ્કેલ અને શંકુ ટિપ્પણ પ્રમાણે ક્યાંક 15 મીટર તો ક્યાંક 10 મીટર તો ક્યાંક અલગ માપ છે. નદીની સ્થિતિ હાલ નાળા જેવી સ્થિતિ છે. એટલે અત્યારે કોઈ જગ્યાએ નદી 5 મીટર, 2 મીટર થઈ ગઈ છે, ક્યાંક તો નદી પર જ બાંધકામ થઈ ગયું છે. સરકારી રેકોર્ડ પર નદીની પહોળાઈનો પુરાવો આ રહ્યો
જો કે લડબી નદીની પહોંળાઈ વિશે વધુ એક પુરાવો દિવ્ય ભાસ્કરને ઇન્વેસ્ટિગેશન દરમિયાન હાથ લાગ્યો. જિલ્લા નિરક્ષક જમીન દફતરે 10 ફેબ્રુઆરી, 2016માં સ્વીકાર્યું હતું કે સર્વે નંબર 252માં નદીની પહોંળાઈ 14.94 મીટર છે. કલેક્ટરે 2018માં કયા મુદ્દાને (નદી કે નાળું) આધારે કાર્યવાહી કરી એનો પણ પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીને ખ્યાલ નથી. તેમણે કહ્યું, પાલનપુરમાં જ્યારે પૂર આવ્યું એ બાદ કલેક્ટરના આદેશથી લડબી નદીની માપણી કરવામાં આવી હતી, એ બાદ પ્રસ્થાપિત થયેલાં દબાણો પણ દૂર કરવામાં આવ્યાં હતાં. સોસાયટી જવાના RCC રોડ નદીકાંઠે બની ગયા
પાલિકા પ્રમુખ ભલે દબાણ દૂર કરાયાની વાતો કરતા હોય. પરંતુ પાલનપુરમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે જોયું હતું કે કે કેટલીક સોસાયટી સુધી જવા માટે નદી પર જ પાકા રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ સોસાયટીના રસ્તામાં આવું દબાણ થઈ હોવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે નીચે આપેલી તસવીરમાં જે પાકો રસ્તો દેખાય છે એ લડબી નદી પર બનેલો છે અને ત્યાંથી કેટલીક સોસાયટી સુધી જવાય છે. નદીના ઉદ્ભવસ્થાન પર દિવ્ય ભાસ્કરની સ્થળ તપાસ
જે નદીના અસ્તિત્વ પર જ સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓને શંકા છે, એ લડબી નદીના ઉદ્ભવ સ્થાન સુધી પણ દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી. ત્યાંના સ્થાનિક કહે છે કે જમીન નીચે મરુડ એટલે કે નદીની રેતી-કપચી અને પથરાળ જમીન છે. આ જગ્યા પરથી નદીનો પ્રવાહ શરૂ થાય છે. કુદરતી રીતે પાણીનો પ્રવાહ ઓછા પ્રમાણમાં નીકળે છે, પરંતુ ચોમાસામાં વરસાદી પાણી નદીમાં ઠલવાય એટલે નદી જીવિત બની જાય છે. પણ દબાણ હોવાના કારણે પ્રવાહમાં ઘણા વિક્ષેપ આવે છે. આ નદી લગભગ જ્યાં પૂરી થાય છે એ ગઢ ગામમાં બ્રિજ બન્યો છે. જેની ઉપર લડબી નદી ફ્લાયઓવર લખ્યું છે. એનો અર્થ કે માર્ગ અને મકાન વિભાગ પણ સ્વીકારે છે કે લડબીનું નદી તરીકેનું અસ્તિત્વ છે. પાલનપુરના શાસકો અને અધિકારીઓ લબડીના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લગાવીને બેઠા છે. પરંતુ દિવ્ય ભાસ્કરને ઇન્વેસ્ટિગેશન દરમિયાન પાલનપુરનો વર્ષ 1913, એટલે કે 111 વર્ષ જૂનો નકશો મળ્યો છે. આ નકશામાં લડબીને ‘નદી’ તરીકે દર્શાવી છે અને તેનું વહેણ સ્પષ્ટ રીતે અંકિત કરેલું દેખાય છે. પાલનપુરમાં લડબી નદીની જે હાલત છે એ પાછળ અધિકારીઓ, સત્તાધીશો અને કેટલાક બિલ્ડરોની મિલીભગત હોવાનો ગણગણાટ છે. અમે પાલનપુરના ટાઉન પ્લાનિંગ ઓફિસર દીપ જોશીને પણ મળ્યા અને તેમની પાસેથી બાંધકામ રજાચિઠ્ઠીની કોપીની માગણી કરી હતી, પરંતુ તેમણે કોઈપણ બાંધકામ રજાચિઠ્ઠી આપવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું છે કે જે પણ બાંધકામ માટે આપેલી રજાચિઠ્ઠીની તમે વાત કરો છો એ લોકોએ બીયુ પરમિશનની માગણી કરી નથી. સામાન્ય રીતે બાંધકામ માટે તપાસ કરવામાં આવતી હોય છે અને મંજૂરી પ્રમાણે બાંધકામ થયું છે કે નહીં એ તપાસતાં હોઈએ છીએ. બાંધકામ કર્યા બાદ સર્ટિફિકેટ માગણી કરતા હોય છે. ટાઉન પ્લાનિંગ ઓફિસરે કેટલાક અંશે હકીકત સ્વીકારતાં કહ્યું, આ બધી વાત ચોક્કસ બે બાંધકામ માટેની જ છે. મંજૂરી પ્લાનમાં જગ્યા છોડીને જ ઉલ્લેખ થયો હોય છે. જે-તે સમયે મંજૂરી આપી હતી ત્યારે 9 મીટર જગ્યા છોડી અને બાંધકામ મંજૂરી આપી હતી. દિવ્ય ભાસ્કરે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને એક અરજી લખી હતી. જેમાં જે બાંધકામ પર સવાલો ઉઠ્યા છે તેની બીયુ પરમિશન અને રજાચિઠ્ઠીની નકલ માગી હતી. જો કે આ લખાય છે ત્યાં સુધી પાલનપુર નગરપાલિકા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ગુજરાતીમાં એક તળપદી અને પ્રચલિત કહેવત છે, “બાઈ બાઈ ચારણી… ઓલા ઘરે જા”. આવું જ વલણ લડબી નદી આસપાસ થયેલાં બાંધકામની તપાસ પ્રત્યે જોવા મળે છે. ક્યાંય મિલકત ખરીદો તો આટલું ધ્યાન રાખજો
આપણે ત્યાં નદી, તળાવ જેવી જગ્યાએ બાંધકામને લઈને ઘણા કડક નિયમો છે. એ માટે સ્થાનિક સત્તામંડળથી માંડીને કેન્દ્ર સ્તરે વિવિધ ગાઇડલાઇન બનેલી છે, એટલે કોઈપણ મિલકત આવા વિસ્તારની આસપાસ હોય તો એ જાણી લેવું જરૂરી છે કે એ બાંધકામના દૃષ્ટિકોણથી પ્રતિબંધિત વિસ્તાર તો નથી ને. આવી જમીન બિનખેતી કરતી સમયે કલેક્ટર દ્વારા જરૂરી શરતો મૂકવામાં આવે છે, એ શરતોનું ચુસ્તપણે બિલ્ડર કે અન્ય કોઈ ખાનગી વ્યક્તિએ પાલન કર્યું છે કે નહીં એ ચકાસણી કરવી જોઈએ. એટલું જ નહીં, જે તે બાંધકામ માટે સ્થાનિક તંત્રએ રજાચિઠ્ઠી ક્યારે આપી છે, તેની વિગતો શું છે અને બાંધકામ થઈ ગયા બાદ બીયુ પરમિશન છે કે નહીં એ પણ જાણી લેવું જોઈએ. જો આવા દસ્તાવેજ ન ચકાસવામાં આવે તો આગળ જતા મુશ્કેલી ઊભી થઈ શકે છે. પાલનપુર એટલે ચંદ્રકાંત બક્ષી, શૂન્ય પાલનપુરી અને સૈફ પાલનપુરી જેવા વિખ્યાત સર્જકોનું નગર. હવે કલમ નહીં કોંગ્રેસથી સર્જન કરતા પાલનપુરના શાસકો, બિલ્ડરો અને અધિકારીઓ જ લડબી નદીને ભૂલાવી દેવા મથી રહ્યા હોય એમ લાગે છે. ત્યારે આ પ્રકરણ જાણ્યા પછી સૈફ પાલનપુરીનો અન્ય કોઈ સંદર્ભમાં લખાયેલો શેર લડબી નદીની વાસ્તવિકતાથી રૂબરુ કરાવી જાય છે. મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફતથી હું વગોવાઇ રહ્યો છું
-સૈફ પાલનપુરી (પાલનપુરથી પૂરક માહિતી- મુકેશ ઠાકોર) ————————————————————————————- આ પણ વાંચો…. ગુજરાતના IAS-IPS સહિત 48 ભ્રષ્ટ અધિકારીની સરકારે તપાસ અટકાવી: ક્રિપ્ટો, ગોલ્ડ બિસ્કિટ, કન્સ્ટ્રક્શન અને વિદેશના મોલમાં કાળી કમાણી રોકી; 5 દેશ હોટ ફેવરિટ આ નવું ગુજરાત મોડલ છે, કારણ કે એક-બે નહીં, પણ પૂરા 52 ક્લાસ-વન ઓફિસર સામે ભ્રષ્ટાચારની તપાસ કરવા એન્ટીકરપ્શન બ્યૂરોએ ગુજરાત સરકાર પાસે મંજૂરી માગી હોવાનું જાણવા મળ્યું છે, પણ આ 52માંથી માત્ર 4 ક્લાસ-વન ઓફિસરો સામે જ સરકારે તપાસ કરવાની છૂટ હજુ સુધી આપી છે. લાંબા સમયથી સરકારે બાકીના અધિકારીઓ સામેની તપાસની મંજૂરી આપી નથી. એનો સીધો અર્થ એ થયો કે બાકીના ક્લાસ-વન ઓફિસરોને સરકાર છાવરી રહી છે. આખો રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો ​​​​​​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments