ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર શિખર ધવન ખૂબ જ મન-મોજીલો વ્યક્તિ છે, આ વાત તેની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે. પણ કહેવાય છે ને કે “વ્યક્તિ જેટલી ખુશ છે, તેટલો જ અંદરથી દુઃખી હોય છે.” આ વાત શિખર ધવન પર એકદમ ફીટ બેસે છે. ક્રિકેટરની પસર્નલ લાઇફ વિશે ભાગ્યે જ કોઈ વાત કરે છે. પણ ધવન સાથે જે કંઈ બન્યું તે બધા જાણે છે. તમને જણાવી દઈએ કે ધવન બે વર્ષથી તેના પુત્રને મળ્યો નથી અને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે જ્યારે તેણે તેના પુત્ર સાથે વાત કરી નથી. આ વાતનો ખુલાસો તેમણે પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. આમ છતાં, તે પોતાને ખુશ બતાવવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં શિખર ધવને ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના પુત્ર વિશે વાત કરતી વખતે ઇમોશનલ જોવા મળે છે. આ સમય દરમિયાન તેની આંખોમાં ઘણી વાર આંસુ પણ આવી ગયા, પણ તેણે તેને બતાવ્યા નહોતા. મેં એક વર્ષથી મારા દીકરા સાથે વાત કરી નથી – શિખર ધવન
વીડિયોમાં, તમે શિખર ધવનને કહેતા જોઈ શકો છો કે તેનો દીકરો હવે અગિયાર વર્ષનો છે, પરંતુ તેણે તેને અઢી વર્ષથી જોયો નથી. શિખર ધવને કહ્યું, “હું બે વર્ષ પહેલાં મારા દીકરાને મળ્યો હતો, અને એક વર્ષથી તેની સાથે વાત કરી શક્યો નથી. તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અમને દરેક જગ્યાએથી બ્લોક કરી નાખ્યો છે. જ્યારે મને મારા દીકરાની યાદ આવે છે, ત્યારે હું તેની સાથે આધ્યાત્મિક રીતે વાત કરું છું. મને લાગે છે કે હું તેની સાથે વાત કરી રહ્યો છું અને તેને આશીર્વાદ આપી રહ્યો છું. મને લાગે છે કે મારા દુઃખી રહેવાથી કોઈ ફાયદો થવાનો નથી. તેથી હું ખુશ રહેવાનો પ્રયાસ કરું છું.” ઇન્ટરવ્યૂ દરમિયાન એન્કરે ધવનને પૂછ્યું કે ‘ક્રિકેટ દરમિયાન તમે તમારા પુત્ર સાથે કેવી રીતે મેનેજ કર્યું?’ આ અંગે તેણે જવાબ આપ્યો કે, “મારો દીકરો ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો, અને મારી પૂર્વ પત્નીને બે દીકરીઓ હતી જેમને મેં દત્તક લીધી હતી, પરંતુ તેઓ અહીં એડજસ્ટ થઈ શકી નહીં. મારો દીકરો હવે અગિયાર વર્ષનો છે, પણ હું તેને કુલ અઢી વર્ષથી મળી શક્યો નથી.” હું પહેલા તેને ગળે લગાવીશ – શિખર ધવન
ઇન્ટરવ્યૂ દરમિયાન, જ્યારે ધવનને પૂછવામાં આવ્યું કે જ્યારે તે તેના પુત્રને મળશે ત્યારે તે કઈ ઇનિંગ્સ બતાવશે, ત્યારે ધવને કહ્યું, “સૌ પ્રથમ, હું તેને ગળે લગાવીશ, તેની સાથે સમય વિતાવીશ, તેની વાત સાંભળીશ અને તેને મારી વાતો કહીશ. હું ઇનિંગ્સ બતાવવાનું વિચારતો પણ નથી. જો મારો પુત્ર મને મળશે અને આંસુ વહાવશે, તો હું તેની સાથે રડીશ. હું ફક્ત તેની સાથે સમય વિતાવીશ. જો તેને એવું લાગશે, તો હું તેને મારી મેચ પણ બતાવીશ, પરંતુ સૌથી વધુ, હું ઇચ્છું છું કે તે ખુશ રહે.” આ દરમિયાન શિખર ધવન પોતાના પુત્ર વિશે વાત કરતી વખતે ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો.