સુરતમાં હોમિયોપેથી ડોક્ટર તરીકે છેલ્લાં 70 વર્ષથી પ્રેક્ટિસ કરતાં ડો. દશરથલાલ પચ્ચીગર કદાચ ભારતના સૌથી ઉંમર લાયક ડોક્ટર છે. તેઓ 95 વર્ષે પણ દર્દીની સારવાર કરી રહ્યા છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. ગાંધીજીને આદર્શ માની માત્ર ખાદીના જ કપડાં પહેર્યા છે. ડોક્ટરીનો વ્યવસાય કમાવા માટે નહીં પરંતુ દર્દીઓની સેવા કરી રહ્યા છે. એટલા માટે તેઓ માત્ર રૂ. 20 કન્સલ્ટિંગ ચાર્જ લે છે. 70 વર્ષમાં તેમણે એક પણ વખત ચા પીધી નથી. તેમને ડાયાબીટીસ, પ્રેશર કે પછી અન્ય કોઈ બીમારી નથી. હોમિયોપેથીનો અભ્યાસ મે કોલકત્તામાં કર્યો હતો. ત્યાં 12 વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા બાદ 1966માં સુરતમાં આવ્યો હતો. હોમિયોપેથી ડોક્ટર થઈને સુરતમાં આવ્યો ત્યારે ગુજરાતનો હું 21મો હોમિયોપેથી ડોક્ટર હતો. તે સમયગાળા દરમિયાન મારી માતાને પગમાં ઈન્ફેક્શનને કારણે ગેંગરીન થઈ ગયું હતું. ત્યારે ડોક્ટરે કહ્યું હતુ કે, તમારી માતાનો પગ કાપવો પડશે. પરંતુ હોમિયોપેથીની સારવાર કરી હતી જેથી તેમનો પગ બચી ગયો હતો. બસ ત્યારે વિચાર આવ્યો કે, હોમિયોપેથીની દવામાં આટલી શક્તિ હોય તે તેનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવું જોઈએ. આ વિચાર સાથે મારા મારા મોટાભાઈઓ સાથે મળીને અમે માતાના નામ પર જ ચંદ્રાવતીબેન ધનસુખલાલ પચ્ચીગર કોલેજ ઓફ હોમિયેપેથિક મેડિસીન (સી.ડી પચ્ચીગર હોમિયોપેથી કોલેજ)ની 1982માં કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે મેં સંસ્થામાં ફાઉન્ડર ટ્રસ્ટી અને ફાઉન્ડર પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. ગુજરાતના હોમિયોપેથી બોર્ડમાં એડવાઈઝર તરીકે પણ સેવા આપી હતી. મારી ઉમર 95 વર્ષ છે અને છેલ્લાં 70 વર્ષથી રોજ દર્દીઓને તપાસીને સારવાર કરી રહ્યો છું. આજે પણ રોજ એવરેજ 30 જેટલાં દર્દીઓની સારવાર કરું છું. મને ડાયાબિટીસ, પ્રેશર કે, અન્ય કોઈ બિમારી નથી. મને બરોબર દેખાય પણ છે અને સ્પષ્ટ સંભળાય પણ છે. 1942ના વર્ષમાં કિલ્લાના મેદાનમાં ગાંધીજીને સાંભળ્યા હતાં. તેમના જીવનમાંથી મને ખાદી પહેરવાની પ્રેરણા મળી છે. મેં જિંદગીભર ખાદીના વસ્ત્રો પહેર્યા છે. જેનો પણ સફેદ અને કેસરી રંગ જ હોય છે. હાલ રોજ સવારે ડ્રાયફ્રૂટ અને દુધ પીવ છું. ત્યાર બાદ રાત્રે ભોજન લઉ છું. ફાસ્ટફૂડની તો વાત જ જવા દો, મેં છેલ્લાં 70 વર્ષથી ચા પણ પીધી નથી. 75 વર્ષનો થયો ત્યાં સુધી રોજ સાઈકલ લઈને કોલેજ પર આવતો હતો. મારા સ્વાસ્થયનું રહસ્ય આ બાબતો છે. કોરોના સમયમાં હું જ્યારે દર્દીઓની સારવાર કરતો હતો ત્યારે મારી ઉંમરને કારણે મને લોકો ના પાડતા હતાં. પરંતુ કોરોના સમયમાં લોકોને ડોક્ટરની જરૂર હતી, જો હું ડોક્ટર થઈને હથિયાર હેંઠા મુકી દઉ તો લોકોની સારવાર કેવી રીતે થાય? જો કે, કોરોનાની બીજી વેવમાં મને પણ કોરોના થઈ ગયો હતો. પરંતુ મેં મારી જાતે જ દવા કરી અને 28 દિવસ પછી મને કોરોના સારો થઈ ગયો હતો. આ ઉપરાંત વ્યારા પાસે આવેલા ભાણાવાળીગામમાં સેવા આપી રહ્યો છું. મને અનેક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યા છે. કોલેજનો લોગો મે જાતે ડિઝાઈન કર્યો છે. જેમાં પરિશ્રમ, તનમયતા અને સિદ્ધી શબ્દોનું વર્ણન કરેલું છે. પરિશ્રમ કરવામાં આવે તો તનમઈ થઈ જવાય અને તેનાથી સિદ્ધી મળે છે.