આશિષ અજિતરાય આચાર્ય સમારંભ હોય કે દીક્ષાંત સમારોહ, પ્રવચનમાળા હોય કે પુસ્તક પરિચય, પુષ્પગુચ્છ આપીને કે ફૂલનો હાર પહેરાવીને જ અતિથિ વિશેષ મહેમાનોનું સ્વાગત કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે, હવે સ્વાગત કે બહુમાન કરવા માટે સૂતરની આંટી પહેરાવવાનું ચલણ શરૂ થયું છે. માત્ર સ્વાગત માટે જ નહીં પણ વર-વધૂઓ ફૂલના હારને બદલે સૂતરની આંટી પહેરીને લગ્નના તાંતણે બંધાઈ રહ્યા છે. ‘ખાદીસૂત્ર’ પહેલ થકી ગૂજરાત વિદ્યાપીઠ આ બાબતે ટ્રેન્ડ સેટર બન્યું છે. વિદ્યાપીઠમાં એક વણલખ્યો નિયમ છે, રેંટિયો કાંતવાનો. સવારે પ્રાર્થના પછી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો (વિદ્યાપીઠ માટે તમામ સેવકો) સાથે મળીને આશ્રમભજનો સાંભળતાં સાંભળતાં 20 મિનિટ સુધી પેટી ચરખાથી સુતર કાંતે છે. પછી તેમાંથી 100 તારની આંટી બનાવે છે. આ નિત્યક્રમ છે. એક સમયે ત્યાં જ વણાટકામ થતું હતું એટલે એ આંટી ખાદીવણાટમાં વપરાતી હતી પરંતુ સમય જતાં એ બંધ થયું. ત્યાર પછી ઘણાં વર્ષો સુધી સુતર કંતાય પણ તેનો કોઈ ખાસ ઉપયોગ થતો નહોતો. દરમિયાન વર્ષ 2018માં ગૂજરાત વિદ્યાપીઠની રાંધેજા શાખામાં મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓને સુતરની આંટીને થોડી ડેકોરેટિવ કરવાનો વિચાર આવ્યો. એકાદ-બે પ્રસંગે સ્વાગત માટે લોકોએ આ આંટી મગાવી અને એ પછી નાનકડો વિચાર પ્રવૃત્તિમાં પલટાયો. તે સમયે વિદ્યાર્થીઓ રેંટિયો કાંતતા, આંટી બનાવતા અને ઑર્ડર પ્રમાણે ડેકોરેટ કરી આપતા પરંતુ કોરોના ટાણે એ પ્રવૃત્તિ બંધ થઈ અને હવે વિદ્યાપીઠમાં જ ફરીથી આ પ્રવૃત્તિ નવા વિચારો સાથે શરૂ થઈ છે. અહીં સપ્ટેમ્બર મહિનાથી આંટીને ડેકોરેટ કરીને વેચાણયોગ્ય બનાવવાની પ્રવૃત્તિ ચાલે છે. વિદ્યાપીઠે આ પહેલને ‘ખાદીસૂત્ર’ નામ આપ્યું છે અને રેંટિયા બારસે તેનું લોકાર્પણ કર્યું હતું. વિદેશી યુગલે લગ્ન માટે સૂતરની આંટી મગાવી
સૂતરની આંટીથી પ્રભાવિત થઈને એક વિદેશી યુગલે આ આંટી એકબીજાને પહેરાવીને લગ્ન કર્યાં હતાં. એ જ રીતે ગુજરાતના બેથી ત્રણ યુગલે ફૂલના હારને બદલે આંટી પહેરાવીને સપ્તપદીના ફેરા ફર્યા હતા. સ્વાગત માટે પહેરાવેલી આંટી મંદિરમાં કે યાદગીરી રૂપે પણ રાખવા લાગ્યા છે. 20 કલર કોમ્બિનેશનમાં આંટી તૈયાર કરાઈ
વિદ્યાપીઠમાં રેગ્યુલર અને ફૂલ સાઇઝ એમ બે સાઇઝમાં આંટી બનાવાય છે અને બંને સાઇઝની આંટી 20 પ્રકારના કલર કોમ્બિનેશનમાં બનાવાય છે. આ આંટી અત્યારે સામાન્ય દરે વેચાય છે. અને તેમાંથી વિદ્યાર્થીઓને પણ મહેનતાણું આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ બ્રાન્ડિંગ, પૅકેજિંગ, માર્કેટિંગનો અનુભવ પણ મેળવે છે
‘રોજ તૈયાર થતી સૂતરની આંટી લોકો ખરીદે એ માટે કેવી રીતે ડેકોરેટ કરવી, તેનું પૅકેજિંગ, બ્રાન્ડિંગ-માર્કેટિંગ કેવું કરવું જોઈએ અને તેનો હિસાબકિતાબ કેવી રીતે કરવો, જથ્થાબંધ ઑર્ડર આવે ત્યારે કેવી રીતે કામ વહેંચી લેવું, નવી-નવી વેરાયટી અને ડિઝાઇન શોધવી, એ પ્રકારની મૅનેજમેન્ટ સ્કીલઆ વિદ્યાર્થીઓ શીખે છે. વિદ્યાપીઠમાં મૅનેજમેન્ટના 10થી 12 વિદ્યાર્થીની ટીમ આ કામ કરે છે. અત્યાર સુધીમાં કુલ 125 ઑર્ડર મળ્યા છે, તેમાંથી 35 છેલ્લા 2 મહિનામાં મળ્યા છે.’ – ડૉ. અમીષા શાહ, SSCW બ્રાન્ડ હેડ અને મૅનેજમેન્ટ ફૅકલ્ટીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર