સૌથી પહેલા આ તસવીર જુઓ… આમાં અમેરિકાથી ડિપોર્ટ થઈને આવેલો એક શીખ યુવક અમૃતસર એરપોર્ટ પર પાઘડી વિનાનો જોવા મળી રહ્યો છે. તે શનિવાર (15 ફેબ્રુઆરી)એ રાતે અમેરિકાથી ડિપોર્ટ થયેલા 116 ભારતીયોની બેચમાં સામેલ હતો. તેનો પાઘડી વિનાનો આ ફોટો ખૂબ જ વાઇરલ થયો. લોકો એ જાણવા ઇચ્છતા હતા કે આ યુવક કોણ છે અને તેણે પાઘડી કેમ નથી પહેરી… ભાસ્કરે આ યુવાનને શોધી કાઢ્યો. યુવકનું નામ મનદીપ સિંહ છે. તે અમૃતસરનો રહેવાસી છે. ભારતીય સેનામાંથી નિવૃત્તિ લીધા પછી તેમાંથી મળેલા રૂપિયા અને પત્નીનાં ઘરેણાં વેચીને તે ડંકી રૂટ દ્વારા અમેરિકા ગયો. જ્યાં અમેરિકી સૈનિકોએ તેની પાઘડી કાઢીને કચરાપેટીમાં ફેંકી દીધી. તેની દાઢી અને વાળ પણ કાપી નાખવામાં આવ્યાં. આ પછી જ્યારે તેને ડિપોર્ટ કરવામાં આવ્યો, ત્યારે તેના હાથ અને પગમાં હાથકડી અને બેડીઓ લગાવવામાં આવી. ખાવા માટે ફક્ત સફરજન, ચિપ્સ અને ફ્રુટી આપવામાં આવ્યાં હતાં. મેં કંઈ ખાધું નહીં કારણ કે મને બીક હતી કે તેઓ મને બાથરૂમ જવાની મંજૂરી નહીં આપે અથવા ત્યાં પાણી જ નહીં હોય. 30 કલાક મેં ફક્ત પાણી પીને જ વિતાવ્યા. 1. સેનામાંથી નિવૃત્તિ પછી અમેરિકા ગયો
મનદીપ સિંહે જણાવ્યું કે તે ભારતીય સેનામાં હતો. 17 વર્ષની સેવા બાદ તે ત્યાંથી નિવૃત્ત થયો. તે ઘરે ખાલી બેઠો હતો. તેથી, તેણે વિદેશ જઈને પોતાનું જીવન સારું બનાવવાનું નક્કી કર્યું. આ માટે ટ્રાવેલ એજન્ટો સાથે વાત કરી. એજન્ટે કહ્યું કે તેનો ખર્ચ 40 લાખ રૂપિયા થશે. તે તેને અમેરિકા મોકલી દેશે. 2. નિવૃત્તિ સમયે મળેલા રૂપિયા, પત્નીનાં ઘરેણાં વેચી એજન્ટને પૈસા આપ્યા
મનદીપે વધુમાં જણાવ્યું કે સેનામાંથી નિવૃત્તિ પછી તેને 35 લાખ રૂપિયા મળ્યા હતા. મેં તે એજન્ટને આપ્યા. બાકીના 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તેણે તેની પત્નીનાં ઘરેણાં વેચી દીધાં. આ પછી એજન્ટની 40 લાખ રૂપિયાની માંગણી પૂર્ણ થઈ. આ પછી એજન્ટે બીજા 14 લાખ રૂપિયા માગ્યા. જ્યારે મેં કહ્યું કે મારી પાસે પૈસા નથી, ત્યારે એજન્ટે મને અમેરિકા મોકલવાની ના પાડી. આ પછી મેં એજન્ટને કોરા ચેક આપ્યા અને લોન લઈને 14 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી. 3. પનામાનાં જંગલો થઈને અમેરિકા પહોંચ્યો
આ પછી હું ગયા વર્ષે 13 ઓગસ્ટના રોજ અમેરિકા જવા માટે ઘરેથી નીકળ્યો. ટ્રાવેલ એજન્ટે મને પહેલા અમૃતસરથી દિલ્હી બોલાવ્યો. પછી દિલ્હીથી હું મુંબઈ, કેન્યા, ડકાર, એમ્સ્ટરડેમ થઈને સુરીનામ પહોંચ્યો. હું અહીં ફ્લાઇટ દ્વારા પહોંચ્યો. આ પછી, તેઓ સુરીનામથી ગયાના, બોલિવિયા, પેરુ, બ્રાઝિલ, એક્વાડોર, કોલંબિયા અને પનામાનાં જંગલોમાંથી કાર દ્વારા અથવા પગપાળા મુસાફરી કરીને અમેરિકા સુધીનો રસ્તો પાર કર્યો. 4. ગાડીઓમાં સંતાયા, 4 દિવસ જંગલોમાં ભટક્યા, 70 દિવસ ફક્ત મેગી ખાધી
મનદીપે કહ્યું કે અમેરિકા જવા માટે ક્યારેક હું ગાડીઓમાં સંતાઈને જતો હતો તો ક્યારેક ચાર દિવસ જંગલોમાં ભટકતો હતો. ડોન્કર્સે મને અને મારા સાથીઓને હોડીમાં બેસાડીને ૩૦ ફૂટ ઊંચા મોજાં વચ્ચે છોડી દીધા હતા. કોઈક રીતે અમે અમારો જીવ બચાવ્યો. રસ્તામાં 70થી વધુ દિવસ મેં ફક્ત મેગી ખાધી હતી. 5. સેનાએ પકડ્યા કે તરત જ પાઘડી ફેંકી, દાઢી અને માથાના વાળ કાપી નાખ્યા
મનદીપે કહ્યું કે જેવો તે મેક્સિકોની દીવાલ ઓળંગીને અમેરિકામાં પ્રવેશ્યો કે તરત જ ત્યાંની સેનાએ તેને પકડી લીધો. તેમણે મને બધાં જ કપડાં કાઢી નાખવા માટે કહ્યું. મેં શીખ હોવાના કારણે તેનું ધાર્મિક મહત્ત્વ જણાવતા આવું ન કરવા માટે કહ્યું, પરંતુ તેમણે મારી કોઈ વાત ન સાંભળી. ત્યારબાદ તેમણે મારી પાઘડી ઉતારીને કચરાપેટીમાં ફેંકી દીધી. મારી દાઢી અને માથાના વાળ કાપીને નાના કરી દીધા. ત્યાં અમને માત્ર પાયજામો, શર્ટ, મોજાં અને બૂટ પહેરવાની જ મંજૂરી હતી. બૂટમાંથી શૂ-લેસ પણ કાઢી નાખવા માટે કહ્યું. જ્યારે મારી સહિતના અન્ય શીખ યુવકોએ પાઘડી પાછી આપવા માટે કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, જો કોઈએ આનાથી ફાંસો ખાઈ લીધો તો જવાબદાર કોણ હશે? 6. અરેસ્ટ કરીને કેમ્પમાં રાખ્યો, હાથકડી-બેડીઓ પહેરાવીને ડિપોર્ટ કર્યો
અરેસ્ટ કરીને અમને કેમ્પમાં રાખવામાં આવ્યા. તે પછી જ્યારે ડિપોર્ટ કરવાનો સમય આવ્યો ત્યારે પગમાં બેડીઓ અને હાથમાં હાથકડી પહેરાવવામાં આવી. તે પછી ખુલ્લા માથે જ ત્યાંથી રવાના કર્યા. તે પછી અમને અમેરિકી સેનાના વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા. જ્યાં બધા પુરુષોના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ હતી. 7. બાથરૂમ જવા ના દે એ બીકે અમે સફરજન-ચિપ્સ ખાધાં નહીં
મનદીપે કહ્યું કે 30 કલાકની ફ્લાઇટ દરમિયાન અમને ખાવા માટે ફક્ત એક ફ્રુટી, એક સફરજન અને ચિપ્સનું પેકેટ આપવામાં આવ્યું. અમે સફરજન અને ચિપ્સ ખાતા નહોતા. અમને બીક હતી કે તેઓ અમને ટોઇલેટ જવા નહીં દે અથવા ત્યાં પાણી નહીં હોય. આ કારણે હું ફક્ત પાણી જ પીતો રહ્યો. જ્યારે અમે ટોઇલેટ જવા માટે કહ્યું ત્યારે તેઓએ અમારા ફક્ત એક જ હાથની હાથકડી ખોલી. USથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ આજે આવશે: 4 આવ્યા, બાકીના 29 બપોરે આવશે, 12 દિવસમાં કુલ 74 ગુજરાતીઓને પરત મોકલ્યા, મહેસાણા-ગાંધીનગર-અમદાવાદના સૌથી વધુ અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે પૈકીના 4 ગુજરાતીઓ એક ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા છે બાકીના 29 લોકો બપોરે બીજી ફ્લાઈટમાં પહોંચશે. અમદાવાદ આવી પહોંચેલા ચાર લોકોને પોલીસ પોતાના વાહનમાં બેસાડી તેના વતનમાં લઈ રવાના થઈ હતી. નોંધનીય છે કે, છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં 74 ગુજરાતીઓને સમાવેશ થાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો…